કચ્છમાં રાખડીના ભાવમાં પ ટકાનો વધારો

  • કાચા માલસામાનના ભાવમાં વધારો થવાથી

કોરોનાની બીજી લહેરના કારણે રાખડીના ઉત્પાદનને અસર : ગત વર્ષ કરતાં આ વર્ષેે રાખડીનો વેપાર સારો રહેશે તેવી વેપારીઓને આશા

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છ જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે ગત વર્ષ કરતા આ વખતે રાખડીનો વેપાર સારો રહેશેની વેપારીઓ આશા વ્યકત કરી રહ્યા છે.પરંતુ સંભવિત ત્રીજી લહેરના ભય વચ્ચે રીટેલ વેપારીઓ માલ ખરીદવા ટાળી રહ્યા છે. કોરોનાની બીજી લહેર પૂરી થવા પર છે અને આવતા મહિને, ઓગસ્ટમાં તહેવારો શરૂ થશે. ભાઈ-બહેનોનું પર્વ રક્ષાબંધન પણ આ જ મહિનામાં આવશે. જેથી રાખડીના વેપારીઓ અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે.
આ અંગેની વિગતો મુજબ રાખડીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી પરેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, કોવિડને કારણે દોરી, સ્ટોન, પેકેજિંગ મટીરીયલ સહિતના કાચા માલમાં ભાવ વધી જવાથી આ વર્ષ રાખડીની કિંમતમાં ૫ ટકા વધારો થયો છે. ૨૦૨૦માં કોરોનાએ રક્ષાબંધન પર રાખડીના વેપારને મોટી અસર કરી હતી, પણ વેપારીઓને આશા છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બિઝનેસ સારા પ્રમાણમાં થશે. આ વખતે રાખડીની વેરાયટીમાં વાત કરીએ તો સ્ટોનવાળી, રૂદ્રાક્ષ સારા પ્રમાણમાં ચાલે છે જયારે બાળકોમાં બેનટેન, છોટાભીમ અને લાઈટીંગવાળી રાખડીઓ સારા પ્રમાણમાં આકર્ષણ જમાવ્યું છે.રાખડી તૈયાર કરવા માટેના કાચા માલ ઉપરાંત પેકિંગ કરવા માટેના બોક્સના ભાવમાં વધારો થયો છે. જેની અસર રાખડીના ઉત્૫ાદન પર પણ જોવા મળી રહી છે. મોટા ભાગના વેપારીઓ પાસે ગયા વર્ષનો કાચો માલ અને તૈયાર રાખડીઓનો જથ્થો હતો. જૂનો માલ પડ્યો હોવાથી ઉત્પાદકોને થોડી રાહત મળી છે. પણ તેની સામે ટ્રાન્સપોર્ટ સહિતની અન્ય કોસ્ટ વધી હોવાનું ગણિત પણ વેપારીઓ ગણી રહ્યા છે. રાખડીના હોલસેલ વેપારીનું કહેવું છે કે રાખડીના મોટા હોલસેલ વેપારીને કોરોનાને કારણે મોટો ફ્ટકો પડ્યો છે ગત વર્ષ અંદાજે ૫૦-૬૦ ટકા રાખડીનું ઉત્પાદન થયું, ગત વર્ષ કરતા આ વર્ષ સ્થિતિ થોડી સુધરી છે એને જોતાં આ વર્ષ વેપાર સારો રહેશેની આશા છે. સામાન્ય વર્ષોમાં રાખડીના ઉત્પાદનના આધારે ટર્નઓવર થતું હોય છે. હાલ કોવિડને કારણે થોડો ડરનો માહોલ છે, જેથી બજારમાં ૪૫-૫૦ ટકાનો વેપાર છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે માર્ચથી રાખડીનો હોલસેલ વેપાર શરૂ થતો હોય છે. જો કે કોરોનાની બીજી લહેરને કારણે લોકડાઉનથી વેપારને મોટો ફટકો પડ્યો હતો. જો કે કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણ છેલ્લા અઠવાડિયાથી સાવ હળવું બન્યું હોવાનું જોવા મળે છે. પરંતુ રાખડીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે, લોકોના મનમાં કોરોનાની ત્રીજી લહેરનો ડર છે, જેથી રીટેલ વેપારીઓ માલ ખરીદવામાં જોખમ અનુભવી રહ્યા છે. આ વર્ષ પણ કોરોનાને કારણે ધંધા પર મોટી અસર પડી છે અને પ્રત્યક્ષ રીતે ખરીદી માટે આવી નથી રહ્યા. ઉપરાંત રીટેલ વેપારીઓ પણ અગાઉના વર્ષો કરતાં અડધો માલ ખરીદી કરી રહ્યા છે.