કચ્છમાં રસીકરણ મહાઅભિયાનનો ધાણેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી પ્રારંભ કરાવતાં રાજયમંત્રીશ્રી

કોરોના રસીકરણમાં ઉદાહરણરૂપ કામગીરી દેખાડીએ- કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.

કચ્છમાં કોવીડ વેકસીનેશન મહાઅભિયાન ૨૦૨૧નો ભુજ તાલુકાના ધાણેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આજે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આરંભ કરાવ્યો હતો. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, “ કોરોનાને હરાવવા રસી જ રામબાણ ઈલાજ છે. વૈશ્વિક મહામારી કોરોના કોવીડ ૧૯ના સંક્રમણને રોકવા સરકાર પ્રતિબધ્ધ અને પ્રયત્નશીલ છે. કોરોના સામે વેકસીન જ અમોઘ શસ્ત્ર છે. એકપણ વ્યકિત રસી વિના રહે નહીં અને કોવીડ-૧૯ની ત્રીજી લહેરને રોકવા સરકાર ભરચક પ્રયત્નો કરી રહી ત્યારે પ્રજાએ પણ સંપૂર્ણ સહયોગ આપવો જોઇએ. ૨૧ જુન ૨૦૨૧ સુધી ગુજરાતે ૨ કરોડ ૨૦ લાખ લોકોને વેકસીનેશન કરાવી નોંધનીય કામગીરી કરી છે. જેમાં કચ્છ જિલ્લાએ પણ દાતાઓ અને જનસહયોગથી કોરોનાને મ્હાત આપવા પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. કોરોનાને રોકવા આરોગ્ય ક્ષેત્રે ધારાસભ્યની ગ્રાન્ટ રૂ.૧.૫ કરોડ ફાળવી કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.એ આરોગ્ય સુવિધા આપવા ઓર્ડર પણ કરી દીધા છે એમ આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વિશ્વ યોગ દિને રાજયમંત્રીશ્રીએ યોગનું મહત્વ સમજાવી સૌને યોગ કરવા પણ જણાવ્યું હતું. કલેકટરશ્રીએ પ્રવિણા ડી.કે. એ આ તકે કોરોના રસીકરણમાં ઉદાહરણરૂપ કામગીરી દેખાડીએ એમ આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું. ધાણેટી ગામમાંથી જિલ્લા કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે ત્યારે ધાણેટી સહિત આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલ અન્ય ૩૩ આરોગ્ય કેન્દ્રોમાં પણ ૧૦૦ ટકા કોરોના રસીકરણની કામગીરી થશે એમ તેમણે આશા વ્યકત કરી હતી. તેમણે રસીકરણ મહાઅભિયાનના ત્રણ તબક્કા હેઠળ ઘેર બેઠાં વેકસીનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માએ જિલ્લામાં સંપૂર્ણ રસીકરણ થાય તેમજ રસીથી કોઇ વંચિત ન રહી જાય તે જોવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. નવનિયુકત વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ પણ આ તકે કચ્છ વહીવટી તંત્રનો તમામ ક્ષેત્રે જનતાને સહયોગ રહેશે એમ સઘિયારો આપ્યો હતો. જિલ્લા પંચાયત શાસકપક્ષના નેતાશ્રી હરિભાઇ જાટીયાએ પડકાર બનેલી આ મહામારીને હરાવવા કટિબધ્ધતા દર્શાવી વિસ્તારમાં થયલા આરોગ્ય વિકાસ કામોની માહિતી આપી હતી. શાબ્દિક સ્વાગતમાં ધાણેટી સરપંચશ્રી વાઘજીભાઇ આહિરે આરોગ્યક્ષેત્રે કરાતી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. આ તકે ધાણેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનો રસીકરણ લેવા ઉપસ્થિત રહયા હતા. તેમાંથી ઉપસ્થિત રસી લેનાર લાભાર્થી અને અગ્રણીશ્રી નારણભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, સરકારનું આ પ્રશંસનીય પગલું છે હવે તમામને સરળતાથી રસી ઝડપથી ઘેર બેઠાં પણ મળી શકશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર કચ્છમાં આજે ૨૫ સ્થળોએથી વિવિધ પદાધિકારીઓ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે.

આ તકે કર્મનિષ્ઠ આરોગ્ય કર્મીઓ સાથે સર્વશ્રી જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઇ જાટીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ડાહયાભાઇ આહિર, અગ્રણીશ્રીઓ ભામાશા રાણાભાઇ આહિર, ગોકુલ રબારી, નારણભાઇ રબારી, પૂર્વ ચેરમેન એપીએમસી નારણભાઇ ડાંગર, નાગજી આહિર, સરપંચશ્રી ડગાળા, માવજીભાઇ આહિર, મુમઆરા સરપંચશ્રી શ્રવણ આહિર, તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી ડો.શૈલેષભાઇ રાઠોડ, મેડિકલ ઓફિસર ડો.ઉર્વીબેન, ડો.હેમાંગનીબેન, ડો.માલા સર, ઉપસરપંચ ગણેશભાઇ છાંગા તેમજ આશાવર્કરો અને વેકસીન લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.