કચ્છમાં મેઘરાજાની પધરામણી : જગતનો તાત રાજીનો રેડ

  • અષાઢી બીજની મધરાત્રે વિજળીના કડાકા ભડાકાથી ગગન ગાજી ઉઠ્યું

અશહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે સાર્વત્રીક મેઘ મહેરની સેવાતી આશ : ભુજમાં ત્રણ ઈંચ : મુંદરામાં ર અને માંડવી દોઢ ઈંચ પાણી વરસ્યું : ગાંધીધામ, અંજાર, નખત્રાણા, રાપર, લખપતમાં ૧ ઈંચ તો ભચાઉમાં દોઢ ઈંચ

ભુજ : છેલ્લા ઘણા દિવસો ગરમી અને બફારા વચ્ચે અષાઢના પ્રારંભે જ કચ્છમાં મેઘરાજાએ કચ્છી અષાઢી બીજનુ શુકન સાચવ્યું હતું. ગત મધરાત્રીએ આકાશમાં અષાઢી બીજની મધરાત્રે વિજળીના કડાકા ભડાકાથી ગગન ગાજી ઉઠ્યું હતું. જેમાં ભુજ, ગાંધીધામ, અંજાર, ભચાઉ, માંડવી અને મુંદરામાં એકથી ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી જગતનો તાત રાજીના રેડ થઈ ગયો હતો. તો હજુ કચ્છમાં સાર્વત્રીક વરસાદની આશા સેવાઈ રહી છે. તો પશ્ચિમ કચ્છના છેવાડા એવા લખપત, અબડાસા અને નખત્રાણામાં માત્ર અમીછાંટણા જ વરસ્યા હતા.અષાઢી બીજની મધરાતે અને પૂર્વ સંધ્યાએ વાદળછાયા વાતાવરણ વચ્ચે ૧થી ૩ ઈંચ જેટલો વરસાદ પડતા ખેડૂતો ખુશ છે અને વર્ષાઋતુના ચાહકોમાં આનંદ છવાયો છે. કચ્છી નવા વરસના શુકન સાચવતા હોય તેમ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા અને હજુ પણ બફારો યથાવત છે. મેઘ વાદળીઓ પણ સારા વરસાદનો એંધાણ આપે છે. વરસાદથી આ પંથકમાં ન ઉતરેલા ખારેકના પાકને નુકશાન છે જ્યારે વરસાદથી સીમ-ખેતરના સેઢે ઉઘેલો ઘાસચારો ફૂટી નીકળશે. વાવણી બાદ વરસેલા આ વરસાદથી ધરતીપુત્રો આનંદીત છે. નવા વરસે આ કચ્છના ભાગ્યવિધાતા પ્રસાદ રૂપી આપેલા અમૃત સમાન પાલર પાણીની કચ્છીજનોમાં ખુશી છે. હજુ પાંચ દિવસ રાજ્યની સાથે કચ્છમાં પણ ગાજવીજના સંગાથે હળવોથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગી છે ત્યારે સાર્વત્રીક વરસાદ વરસે તેવી આશા છે. તો આજે પણ ગરમી અને ઉકળાટથી લોકો આકુળ વ્યાકુળ બન્યા હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે. ત્યારે મેઘરાજા તરબતર કરે તેવો કરે તેવી ખેડૂતો અને માલધારીઓ આશ લઈને બેઠા છે.લાંબા વિરામ બાદ ભુજમાં અષાઢી બીજની મધરાત્રી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં ભુજ શહેર ઉપરાંત માધાપર, કુકમા, કોટડા ચકાર, સુખપર, મિરજાપર, માનકૂવા, કેરા, સહિતના ગામોમાં વરસાદની હેલી વહી નિકળી હતી. રાત્રીના અચાનક પડેલા વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વિજ વિક્ષેપના બનાવો બન્યા હતા. ભુજ તાલુકામાં ૩ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. હમીરસરની પાણી આવ થતા જ નગરજનો જોવા માટે ઉમટી પડ્યા હતા. અને હર્ષની લાગણી ફેલાઈ હતી. સુમરાસર (શેખ)થી વિરમભાઈ આહિર અને નાડાપા સરપંચ દેવજીભાઈ કાગીએ જણાવ્યું કે, આહિરપટ્ટીના સુમરાસર, ઢોરી, કુનરિયા, લોરિયા, ઝુરા, નાડાપા, ડગાળા, ધાણેટી, હબાય સહિતના વિસ્તારોમાં રાત્રે એક વાગ્યાની આસપાસ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે મોટી દધ્ધરના મુસાભાઈએ જણાવ્યું કે, બન્ની વિસ્તાર મોટી દધ્ધર, અંધૌ, સાંધારા, ખારીવાવ, નાની દધ્ધર, વાગુરા, દેઢિયામાં ઝરમર વરસાદ વરસ્યો હતો.નખત્રાણા નગરમાં ઠેર-ઠેર ખાડા ભરાયા હતા. કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાયું હતું. વરસાદના ઝાપટા સાથે જ સરદાર પટેલની પ્રતિમા પાસે પાણી ભરાતા વાહન ચાલકો અને મુસાફરોને હાલાકી ભોગવી પડી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ કથિતના પાકને વરસાદથી જીવતદાન મળ્યો છે. તો આજે અષાઢી બીજ હોતા અહીંના રૂડી સતી મંદિરે પાટીદારોના કુળદેવતા સુચ્છનોના સ્થાનકો તથા વિથોણ ખેતાબાપાએ કોરોના ગાઈડલાઈન મુજબ પાટીદાર સમાજોના લોકોએ માથું વરસાદ ઝરમર વરસાદમાં ટેકવ્યું હતું અને કચ્છી નવાવર્ષની સમગ્ર તાલુકામાં સાદાઈપૂર્વક ઉજવણી થઈ હતી. વરસાદથી નગરની બજારોમાં પાંખી હાજરી રહી હતી. રાબેતા મુજબ સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વીજના ધાંધિયા યથાવત રહ્યા છે.કચ્છી નવા વર્ષ અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ ગાજવીજ સાથે મેઘરાજાની મુંદરામાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મુંદરા નગરના માર્ગો પર પાણી પાણી વહી નિકળયા હતા. આજે સવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. મુંદરા ઉપરાંત તાલુકા કપાયા, બોરાણા, ધ્રબ, રામાણિયા, વાંકી, સમાઘોઘા, ઝરપરા, ડેપા, કંંઠીપટ્ટમાં એથી ર ઈંચ વરસાદના વરસ્યો હોવાના વાવડ મળી રહ્યા છે.માંડવી ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ ૧થી દોઢ ઈંચ જેટલો વરસ્યો હતો. જેમાં માંડવી ઉપરાંત તાલુકા ગઢશીશામાં ગત સાંજે અમી છાંટણા વરસ્યા હતા. માંડવીમાં મોડી રાત્રે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. બિદડા વિસ્તારમાં ભાવેશભાઈ સંઘારે જણાવ્યુ કે, મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. જયારે દુર્ગાપુરા પ્રવીણ મેરાણીએ જણાવ્યું કે, આજુબાજુના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. મોટા લાયજાના મૂળજીભાઈ ગઢવીએ જણાવ્યું કે, મધરાત્રે વિજળીના કડાકા ભડાકા સાથે ર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના લીધે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાયા હતા. માંડવી તાલુકામાં આજે સવારથી જ સૂર્યનારાયણે દર્શન દઈ દીધા છે.જોડિયા શહેર ગાંધીીધામ, આદિપુર અને અંજારમાં ગત રાત્રીના અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. અંજાર તાલુકામાં સતાપર, લાખાપર, ચાંદ્રાણી, દુધઈ, નવાગામ, ધમણકા, ખેડોઈ, દેવડિયા, કુંભારિયા, નાગલપર, સિનુગ્રા, વરસામેડી સહિતના ગામોમાં વરસાદ એકાદ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.તો ભચાઉ તાલુકામાં એકાદ ઈંચ વરસાદ વરસ્યો હતો. એકાદ ઈંચ વરસાદમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી. ભચાઉ ઉપરાત કટારિયા, વોંધ, સામખિયાળી, સુવઈ સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા વચ્ચે એકથી દોઢ ઈંચ પાલર પાણી વરસ્યું હતું. આજથી શરૂ થતા કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે મેઘરાજાએ મહેર કરતાં લોકો આનંદિત થઇ ઉઠયા હતા. રાપર તાલુકાના રણકાંઠાના લોદ્રાણી, શિરાંનીવાંઢ, બાલાસર, રવ, ડાવરી, નંદાસર સહિતના ગામોમાં વરસાદના ઝાપટાં ગાજવીજ સાથે શરૂ થયા બાદ રાપર શહેરમાં રાત્રે એક વાગ્યા અરસામાં વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો, જે સમગ્ર રાત્રે દરમિયાન ધીમીધારે વાવણી લાયક વરસ્યો હતો. વરસાદના લીધે ગરમીમા સેકાઈ રહેલા લોકોને રાહત થઈ હતી. તો થોડા વરસાદમાં વિજ
પુરવઠો ખોરવાયો હતો જે ત્રણ કલાક પછી શરૂ થયો હતો. આજે વરસાદ પડતાં વાગડ વિસ્તારના લોકો મેઘ લાડુ બનાવી ઉજવણી કરી હતી. તાલુકાના લગભગ ગામોમાં વરસાદના ઝાપટાં પડયાં હતાં, જેમાં કયાંક અડધાથી એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. રાપર ઉપરાંત નિલપર, બાદરગઢ, ખીરઈ, ચિત્રોડ, ભીમાસર, કિડિયાનગર, આડેસર, ગાગોદર, પલાંસવા, સણવા, મોડા, ફતેહગઢ, સલારી, ભુટકીયા, પ્રાગપર, વલ્લભપર, રામવાવ, ખેંગારપર, ગવરીપર, સુવઈ, ત્રંબો સહિતના ગામોમાં ઝાપટાં પડયાં હતાં. વરસાદ પડતાં ધરતીપુત્રોએ ખેતરોમાં વાવેતર કરવા માટે તૈયારી આરંભી દીધી હતી.અષાઢી બીજ વાદળ કાં વીજ જેમ મેઘરાજા કચ્છમાં વરસતા હોય છે પણ ગઈકાલે પુર્વ સંધ્યાએ અને રાત્રે સાધારણ છાંટા સાથે અબડાસાવાસીઓ મેઘમહેરની આશા સેવી રહ્યા છે.મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ સમગ્ર અબડાસામાં વિજળી સાથે સાધારણ છાંટા વરસતા નેવા વહી નિકળ્યા હતા પણ ક્યાંય પણ ધોધમાર વરસાદ ન વરસતા થોડીવાર ઠંઠકનો અહેસાસ થયા બાદ આખી રાત સખત ઉકળાટ રહ્યો હતો.સણોસરાથી રાતાતળાવ, મોથાળાથી લઈ બિટ્ટા, ખાનાય, તેરા, નલીયા સુધીના પટ્ટામાં સાધારણ છાંટા રાત્રી સુધી થયા હતા.નલીયાથી જખૌ, લાલા, પિંગલેશ્વર, સુથરી સુધી પણ સાધારણ છાંટા થયા હતા.કોઠારા, વરાડીયા, વિંઝાણ, હાજાપર, નુંધાતડ, કનકપર, ગઢવાઢા, સાંધવ, ભાચુંડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદથી વંચિત રહેવા સાથે સાધારણ વરસાદમાં માર્ગો ભીના થયા હતા. રામપર-અબડા, ઐડા, ગોયલા, બુટ્ટા, જંગડીયા સાથે છસરા, સુખપર, વાયોર, વાગોઠ, સાંધી સહિતના ગરડા પંથકમાં પણ ગઈકાલે સાંજના છાંટાને બાદ કરતા સખત ઉકળાટ રહ્યો હતો. આજે સવારથી ઉકળાટ સાથે વાદળછાયા વાતાવરણમાં લોકો અષાઢી બીજના મેઘરાજા વરસે તેવી પ્રાર્થના સાથે આશા સેવી રહ્યા છે.વાવણી કરનાર ખેડુતો અને પશુપાલકો પણ ચાતક નજરે આકાશ તરફ મીટ માંડી વરસાદની રાહ જોઈ રહ્યા છે.