કચ્છમાં મીઠાઈઓમાં બેસ્ટ અને બીફોરની તારીખ લખવાનો કાયદો ભુલાયો

જો ફૂડ વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરી કાર્યવાહી કરવામાં આવે તો ઘણા વેપારીઓ દ્વારા કરાતી લોલમલોલ સામે આવી શકે તેમ છે

ભુજ : લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈ ફૂડ સેફટી એન્ડ સ્ટાર્ડન્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા દૂધની અને મીઠાઈઓની બનાવટ કયા સુધી સારી રહેશે અને ખાવા યોગ્ય રહી શકે તેની તારીખો રાખવાનો નિયમ અમલમાં મુકાયો છે ત્યારે કચ્છની અમુક મીઠાઈઓની દુકાનોમાં કાયદો સાવ ભુલાયો હોય તેવું લાગી રહ્યું છે.મીઠાઈ બનાવતા વિક્રેતાઓ ઘણા દિવસ પહેલા મીઠાઈઓ બનાવી લોકોને વેચી આરોગ્ય સાથે ચેડા કરતા હોઈ તે ધ્યાને લઈને મીઠાઈ કયારે બનાવી છે તેની તારીખ અને કયા સુધી ખાવા લાયક છે તેની તારીખની નોંધ લખવાની રહે છે. તેવું નિયમ બનાવાયો છે પરંતુ કચ્છની અમુક મીઠાઈઓની દુકાનોમાં બેસ્ટ અને બીફોરની તારીખ જોવા મળતી નથી.ફરજીયાતપણે દુકાનદારને માલ બનાવ્યાથી લઈ કયા સુધી ખાવા લાયક છે તેે જણાવવું જરૂરી હોવા છતાં કોઈની બીક વગર આ કાયદાનું સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યું છે.જયારે કાયદો અમલીમાં આવ્યો ત્યારે ફુડ વિભાગ દ્વારા કચ્છની મીઠાઈની દુકાનોમાં કાર્યવાહી કરી મીઠાઈમાં બનાવટ અને બેસ્ટ બીફોરની તારીખો લગાવાય છે તેની તપાસ કરવામાં આવી હતી જેમાં મોટાભાગના વેપારીઓએ આ કાયદાનું અમલ ન કરતા તેમને તારીખ લખવા તાકીદે સુચના કરાઈ હતી. કાયદો આવ્યાને ઘણો વખત વિતી ગયો હોવા છતાં ફૂડ વિભાગ દ્વારા ફરી ચેકીંગ પ્રક્રિયા હાથ ન ધરાતા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. જો ફૂડ વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરી કાર્યવાહી કરવામાં આવે તો ઘણા વેપારીઓ દ્વારા કરાતી લોલમલોલ સામે આવી શકે તેમ છે.લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ હોવા છતાં કચ્છનું ફૂડ વિભાગ ગાંઢ નિંદ્રામાં પોઢી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કાયદાનો ભંગ કરનાર આવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.