કચ્છમાં માલેતુજાર વર્ગ આરટીઈ પ્રવેશ માટે બન્યો ગરીબ

  • નબળા – વંચિત બાળકોના શિક્ષણનો કોળિયો પણ છીનવાયો

વધુ આવક-કાર-બંગલો ધરાવતા લોકોએ ખોટા આવક પ્રમાણપત્ર ઉભા કરી આરટીઈ અંતર્ગત અરજી પણ કરી : પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ ચકાસણીની પ્રક્રિયામાં પાછલા બારણે રંધાઈ જવાની ભીતિ : જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓના ફોર્મ રીજેક્ટ થતા વાલીઓ થયા નિરાશ

(બ્યુરો દ્વારા)ભુજ : ગુજરાત સરકારે રાઈટ ટુ એજયુકેશન એકટ અમલી બનાવ્યો છે. આ અંતર્ગત નબળા અને વંચિત જુથના બાળકોને ખાનગી શાળામાં ધો. ૧ માં વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. ખાનગી શાળામાં સરકારની સુચનાથી આરટીઈ અંતર્ગત નિઃશુલ્ક શિક્ષણ મેળવવા માટે એક વર્ગ એ હદ સુધી પહોંચી ગયો છે કે, નબળા અને વંચિત બાળકોનો શિક્ષણનો કોળિયો છીનવી રહ્યા છે. સરકારે નબળા અને વંચિત જુથના બાળકોને સારૂં શિક્ષણ મળે તેઓ ભણી ગણીને આગળ વધે એ માટે મનગમતી ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટેના દ્વાર ખોલ્યા છે, પરંતુ આજના આ જમાનામાં માણસાઈ ભુલાઈ હોય તેમ ઘણા માલેતુજાર વ્યક્તિઓ કે જેઓ પોતાના બાળકની ફી ભરવા માટે આર્થિક સક્ષમ છે તેઓ પણ આરટીઈમાં પ્રવેશ મેળવવા તલપાપડ બને છે. આ માટે ખોટા આવક પ્રમાણપત્રો પણ રજૂ કરી દેવાયા છે.આ અંગેની વિગતો મુજબ કચ્છમાં આ વર્ષે કુલ્લ ૩૭પ૪ ફોર્મ આરટીઈ અંતર્ગત ભરાયા હતા. જિલ્લામાં દર વર્ષે સામાન્ય રીતે રપ૦૦ બાળકોને પ્રવેશ મળતો હોય છે. હાલમાં જયારે ફોર્મ ચકાસણી ચાલી રહી છે ત્યારે આ પ્રક્રિયામાં સાચાનો મરો અને ખોટાને લાભાલાભ થાય તેવી શંકાની સોય ઉઠવા પામી છે. કારણ કે, સરકારના નિયમો પ્રમાણે શહેરી વિસ્તારમાં ૧.પ૦ લાખની મર્યાદા જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૧.ર૦ લાખની આવક મર્યાદા હોય તેવા વાલીના બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ મળે છે, જેમાં અનાથ, સરક્ષણ જરૂરીયાત, બાલગૃહના બાળકો, સ્થળાંતરીત મજૂરીના બાળકો, દિવ્યાંગ, પોલીસ, સૈનિક, લશ્કરી દળના બાળકોને પ્રથમ અગ્રતા આપવાની હોય છે. જિલ્લો ગામડાઓથી વરેલો છે, જેથી ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ઘણા લોકો અરજી કરે છે, પરંતુ મોટા ભાગે અમુક બાળકો લાભથી વંચિત રહી જાય છેે. કારણ કે, જે બાળક ગરીબ હોય અને તેના વાલી આરટીઈ અંતર્ગત ફોર્મ ભરે તો નજીકમાં ખાનગી શાળા ન હોવાથી લાભ મળી શકતો નથી. વળી શહેરી વિસ્તારમાં એવી કેટલીક પણ શાળાઓ છે જેમાં રપ ટકાની મર્યાદામાં બાળકોના એડમીશન આપવાના હોય છે, પરંતુ આર્થિક લાભ, લાગવગ, સગાવાદ વિગેરે પરિબળો કારણભૂત બનતા હોવાથી પોતાની શાળામાં કેજીમાં અભ્યાસ કરતા બાળકોને આરટીઈમાં પ્રવેશ આપી દેવાય છે અને બહારથી અરજી કરનારા બાળકો વંચિત જ રહી જાય છે. ગામડાઓમાં પણ એવું જ છે. શહેરનો કોઈ બાળક ગામડામાં આરટીઈ અંતર્ગત શિક્ષણ લેવા નહીં જાય જેથી બેઠકો ખાલી હોતા લાગવગ લગાડી પ્રવેશ આપી દેવાય છે. બાદમાં ઓળખાણના આધારે નજીકની શાળામાં ટ્રાન્સફર પણ થતું હોવાની ચર્ચા છે. હાલમાં જયારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે, તેમાં પણ નિષ્પક્ષતા સામે સવાલો ઉઠયા છે. કારણ કે, ઘણા વાલીઓને તમારૂં ફોર્મ રીજેકટ થયું છે તેવા મેસેજ આપી દેવાયા છે. વાલીઓએ પુરતા ડોકયુમેન્ટ આપ્યા પરંતુ પાણીમાંથી પોરા નિકળે તેમ ભુલો નિકળતા ફોર્મ રીજેકટ થવાથી વાલીઓ નિરાશ થયા છે. જે લોકો નબળા અને વંચિત જુથના છે તેઓ શાળાની દુરી અને પોતાની ઓળખાણ ન હોવાથી પ્રવેશથી વંચિત રહી જાય છે. જયારે જે લોકો માલેતુજાર છે, આર્થિક રીતે સક્ષમ છે. બાળકની ફી ભરી શકે છે. તમામ સુખ – સવલતોથી સંપન્ન છે. ઘરની ગાડી, મકાન છે તેવા વાલીઓ પોતાના બાળકનું એડમીશન આરટીઈમાં કરાવી પણ લે છે. સરકારી શાળામાં પ્રવેશ મેળવવાથી તેઓની આબરૂ લૂંટાઈ જવાની અને સમાજમાં પોતાની છાપ ખરડાશે તેવી ભીતિએ તેઓ યેનકેન પ્રકારે કાવાદાવા કરી પોતાના બાળકનું એડમીશન આરટીઈમાં પ્રાથમિક ખાનગી શાળામાં કરાવી સમાજમાં શેખી મારે છે કે, મારો છોકરો – છોકરી ઈંગ્લિશ મીડીયમમાં શહેરની ટોપ સ્કૂલમાં ભણે છે અને સામાવાળો વ્યક્તિ પણ તેની વાત સાંભળી આશ્ચર્યમાં આવી જાય છે, પરંતુ પડદા પાછળની હકિકત એવી છે કે, તે ખોટા પ્રમાણપત્રના આધારે પોતાના બાળકનું આરટીઈમાં એડમીશન કરાવી મફતમાં શિક્ષણ મેળવે છે. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, શિક્ષણથી કોઈને વાંધો ન હોઈ શકે, શિક્ષણ જેટલું આપીએ તેટલું વધે પરંતુ જો આપણે આર્થિક રીતે સક્ષમ છીએ છતાં શું કરવા સરકાર આપે છે તો લાભ લઈ લઈએની નીતિ અપનાવીએ છીએ. આપણને આરટીઈમાં ભ્રષ્ટાચારની ગંધ આવે તો આપણી નજીકમાં જે વ્યક્તિ જરૂરીયાત મંદ છે તેને પ્રવેશ અપાવવામાં મદદ કરીએ તો જ સારા સમાજનું અને સારા શિક્ષણનું ઘડતર જશે.