કચ્છમાં માતા-પિતા પોઝિટીવ હશે તેવા બાળકોને તંત્ર સાચવશે

સરકારના પરિપત્ર બાદ કચ્છમાં ચાઈલ્ડ હોમ – ગર્લ્સ હોમ શરૂ કરવાની તજવીજ

ભુજ : કોવિડ-૧૯ મહામારી દરમ્યાન માતા – પિતા પોઝિટીવ હશે તેવા બાળકોને સરકાર સાચવશે. સરકારે કરેલા પરિપત્ર અનુસાર કચ્છમાં પણ આવા બાળકો માટે ચાઈલ્ડ હોમ અથવા ગર્લ્સ હોમ તૈયાર કરાશે તે માટે જિલ્લા કલેકટરની વિધિવત મંજૂરી બાકી છે, જે મળતા જ કામગીરી હાથ ધરાશે તેવું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વી. બી. ડોરિયાએ જણાવ્યું હતું.આ અંગેની વિગતો મુજબ ગુજરાતના મોટા શહેરોની જેમ કચ્છમાં પણ જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ કચ્છમાં મેડિકલ સુવિધાઓની હજુ પણ અછત વર્તાઈ રહી છે. સાથે સાથે સંક્રમિત હોમઆઈસોલેશન અને હોસ્પિટલમાં સારવાર કરી રહ્યા છે, પરંતુ રોજ બરોજ કેસોમાં ઉત્તરોત્તર વધારો પણ જોવા મળી રહ્યો છે. હવે આ મહામારી ગામડાઓ સુધી ફેલાઈ છે. બીજી તરફ આ સંકટ વચ્ચે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં જે બાળકોના માતા – પિતાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હોય તેમના માટે રાજય સરકાર મહત્વની સુવિધા શરૂ કરી છે. જે પણ બાળકોના માતા – પિતાના રીપોર્ટ પોઝિટીવ આવ્યા હોય અને સારવાર હેઠળ હોય અને બાળકો સંક્રમીત ના થાય તે માટે રાજય સરકાર ચાઈલ્ડ હોમ અથવા તો ગર્લ્સ હોમ તૈયાર કરશે અને આ હોમમાં બાળકોની સારી રીતે સાર સંભાળની સુવિધા કરવામાં આવશે. કચ્છ સહિત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં આ સુવિધાઓ અપાશે અને આ હોમ કેર સંભાળવા માટે સંસ્થાઓ પણ નક્કી કરવામાં આવી છે.રાજય સરકારના સમાજ સુરક્ષા વિભાગે આ મામલે મહત્વનો પરિપત્ર પણ જાહેર કર્યો છે અને આદેશ પણ અપાઈ ગયા છે. બીજી તરફ જો બાળકી હોય તો તેમની સાથે સરકારે મહત્વની વ્યવસ્થા કરી છે. બાળકીની મહિલા કર્મચારી સાર સંભાળ રાખશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ઘાતક વાયરસની બીજી લહેરે મોટી તબાહી મચાવી છે. દેશના ઘણા રાજયમાં કેસોનો અને મોતનો આંકડો પણ ચોંકાવનારો જોવા મળ્યો છે.
આ બાબતે કચ્છમાં ચાઈલ્ડ હોમ અથવા તો ગર્લ્સ હોમ માટે શું વ્યવસ્થા છે તે અંગે જિલ્લા બાળક સુરક્ષા અધિકારી વી. બી. ડોરિયાએ જણાવ્યું હતું કે, પરિપત્ર મળી ગયો છે પરંતુ કલેકટર સાથે ચર્ચા કરી પ્રક્રિયાને અંતિમ ઓપ અપાશે.

ભુજમાં બાળકોને આશરો આપવા બે સ્થળો ફાળવાયા
ભુજ : કોરોનાગ્રસ્ત પરિવારના બાળકોને આશરો આપવાની સરકારની જે યોજના છે, તેનું અમલીકરણ કચ્છમાં પણ કરાશે, પરંતુ હાલના તબક્કે મંજૂરી સહિતના પ્રક્રિયા બાકી હોવાથી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અને નાગરિક સોસાયટીમાં આવેલા ચિલ્ડ્રન હોમમાં પ્રાયોગિક વ્યવસ્થ્‌ ગોઠવાઈ છે, જેમાં ૦ થી ૬ વર્ષના તમામ બાળકોને મહિલા કલ્યાણ કેન્દ્રમાં અને ૬ થી ૧૮ વર્ષના છોકરાઓને ચિલ્ડ્રન હોમમાં આશરો આપવામાં આવશે. છોકરીઓને મહિલા કલ્યાણ કેન્દ્રમાં જ રખાશે તેવું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વી. બી. ડોરિયાએ જણાવ્યું હતું.