આ વિસ્તારમાં તમામ અવર-જવર ઉપર પ્રતિબંધ મુકાતો હોઈ પોઝિટીવ દર્દી ઉપરાંત તેના પરિવારના સભ્યોને દિવસો સુધી રહેવું પડે છે હોમ ક્વોરેન્ટાઈન : રાશન વિગેરે જીવન જરૂરીયાતની આવશ્યક ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા ઘરે પુરી પાડવાની ખાતરી તો અપાય છે પરંતુ તેનું પાલન થતું ન હોઈ હોમ કવોરેન્ટાઈન લોકોને બીમારી વચ્ચે અનેક મુશ્કેલીઓનો કરવો પડી રહ્યો છે સામનો : બીજીતરફ કોરોના સંક્રમણની બીકે આડોશી – પાડોશી પણ મોઢું ફેરવી લેતા હોઈ નાની – સુની વસ્તુ માટે પણ ભોગવવી પડી રહી છે મોહતાજી : કોરોના કહેરના સમયે હોમ કવોરેન્ટાઈન રહેલા પરિવારોની પડખે સમાજો આગળ આવે તે અનિવાર્ય

કોરોનાથી પરેશાન મુંદરાના યુવાને તો સામૂહિક આપઘાતની ઉચારેલી ચીમકી પીડિત પરિવારની પરેશાનીને વાચા આપનારૂ ઉદાહરણ : હોમ કવોરેન્ટાઈન થયેલા જિલ્લાના અન્ય પરિવારો પણ આવી જ વ્યથા અને હાલાકી ભોગવી રહ્યા છે : તંત્ર દ્વારા નિયમોની કડક અમલવારીની સાથોસાથ સવલતો પુરી પાડવાની કરાતી જાહેરાતની પુર્તતી કરાય તે જરૂરી

(બ્યુરો દ્વારા)ભુજ : કોવિડ-૧૯નું સંક્રમણ અટકે તે માટે પોઝિટીવ દર્દીઓના રહેણાંક તેમજ આસપાસના વિસ્તારોને તંત્ર દ્વારા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કરાતી આ કામગીરી આવકારદાયક છે. જો કે, નિયમોની કડક અમલવારી કરાવવાની સાથોસાથ કરાતી જાહેરાતોની પુર્તતી થઈ રહી ન હોઈ કોરોનાના પોઝિટીવ દર્દીઓની સાથોસાથ હોમ કવોરેન્ટાઈ થનારા તેમના પરિવારજનો માટે દોજખરૂપ સાબિત થઈ રહી છે. આવા પરિવારો થતી વેદનાને દુર કરવા સમાજો આગળ આવે તે પણ જરૂરી છે. આ અંગેની વિગતો મુજબ કોરોનાનું સંક્રમણ કાબુમાં આવે તે માટે તંત્ર દ્વારા શક્ય તમામ પગલાઓ લેવાઈ રહ્યા છે. સરકારી ગાઈડલાઈનનું પણ ચુસ્ત પણે પાલન કરાવાઈ રહ્યું છે. પોઝિટીવ આવતા દર્દીઓની તબિયત જો વધુ નાદુરસ્ત જણાય તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, અન્યથા ઘરમાં જ હોમ કવોરેન્ટાઈન રહી સારવાર ચાલુ રાખવામાં આવે છે. આવા પોઝિટીવ દર્દીના કેસમાં આમેય પણ પરિવારજનો કોરોનાની બીકથી આકુળ – વ્યાકુળ હોય છે. બીજીતરફ સરકારની ગાઈડલાઈનના પગલે આખા પરિવારને હોમ કવોરેન્ટાઈન કરવાની સાથોસાથ તેમના ઘરને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. જેના લીધે આ વિસ્તારમાં તમામ અવર-જવર ઉપર પ્રતિબંધ મુકાતો હોઈ પોઝિટીવ દર્દી ઉપરાંત તેના પરિવારના સભ્યોને દિવસો સુધી ઘરમાં જ કેદ રહેવું પડે છે. માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં સરકારી ફરજ સિવાયની તમામ પ્રકારની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે જીવન જરૂરીયાતની આવશ્યક ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવાની ગાઈડલાઈન પણ તંત્ર દ્વારા જાહેર કરાઈ છે. માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં જાહેર નામાનો ભંગ કરનાર સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ પ૧ થી પ૮ તથા ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ની જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં નિયમનો ભંગ કરનારા સામે તો પોલીસ પણ કડક કાર્યવાહી કરે છે. પરંતુ રાશન વિગેરે જીવન જરૂરીયાતની આવશ્યક ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા ઘરે પુરી પાડવાની ખાતરીનું પાલન થતું ન હોઈ હોમ કવોરેન્ટાઈન લોકોને બીમારી વચ્ચે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજીતરફ કોરોના સંક્રમણની બીકે આડોશી – પાડોશી પણ મોઢું ફેરવી લેતા હોઈ નાની – સુની વસ્તુ માટે પણ હોમ કવોરેન્ટાઈ રહેલા લોકોને મોહતાજી ભોગવવી પડી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કોરોનાના કારણે હોમ કવોરેન્ટાઈ રહેલા મુંદરાના યુવાને તો સામૂહિક આપઘાતની ઉચારેલી ચીમકી પીડિત પરિવારની પરેશાનીને વાચા આપનારૂ ઉદાહરણ છે. હોમ કવોરેન્ટાઈન થયેલા જિલ્લાના અન્ય પરિવારો પણ આવી જ વ્યથા અને હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા નિયમોની કડક અમલવારીની સાથોસાથ સવલતો પુરી પાડવાની કરાતી જાહેરાતની પુર્તતી કરાય તે જરૂરી છે.