કચ્છમાં મહિલા આરોગ્ય કર્મીઓની સલામતી સામે સર્જાતા સવાલો

  • રસીકરણ મહાઝુંબેશની મોડી રાત્રી સુધી ચાલતી કામગીરીથી

લોકોના આરોગ્યને સુદ્રઢ બનાવવા આરોગ્ય કર્મીઓને સતત ફિલ્ડમાં રહેવા ફરજ પડાઈ રહી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં તો આરોગ્ય કેન્દ્રો જ ખખડધજ અને તે પણ ગામના છેવાડે હોઈ અહીં બેસીને કામ કરવું પણ પડકારરૂપ

અમુક ગામડાઓમાં સાંજ પડતા જ સાંગુડીઓને સુરાતન ચડતું હોઈ મહિલાઓ તો શું સભ્ય સમાજના પુરૂષો પણ કામ વગર ઘરોની બહાર નિકળતા નથી, ત્યાં રાત્રીના રસીકરણની કામગીરી કરાવવી કેટલી યોગ્ય ?

ભૌગોલીક દ્રષ્ટિએ આ જિલ્લો અતિ વિશાળ હોઈ અંતરિયાળ અને છેવાડાના ગામડાઓમાં સુવિધાઓનો અભાવ વચ્ચે સમય મર્યાદાનો છેદ ઉડાળવો કેટલો વ્યવહારૂ ? અનેક વિસ્તારો તો એવા છે જયાં રસ્તા, પાણી, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ હજુ સુધી પુરતા પ્રમાણમાં નસીબ થઈ નથી તેવા સ્થળોએ મહિલા કર્મચારીઓને મોડી રાત્રી સુધી ફરજ પર રહેવું પડતું હોઈ મહિલા સુરક્ષાના પણ સર્જાતા પ્રશ્નો

(બ્યુરો દ્વારા)ભુજ : વિશ્વના નિષ્ણાંતો દ્વારા આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકવાની આગાહી વ્યકત કરાઈ છે તે વચ્ચે દેશના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ રસીકરણ ઝુંબુેશને ટોપ ગીયરના નાખી દેવામાં આવી હોઈ રસીથી વંચિત રહી ગયેલા લોકો કોવિડ-૧૯ સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન લઈ લે તે માટે આરોગ્ય તંત્ર ઉંધામાથે થયું છે. જિલ્લામાં એકી સાથે હજારો લોકો રસીથી સુરક્ષિત બની શકે તે માટે રસીકરણ મહાઝુંબેશ પણ યોજવામાં આવી રહી છે. જો કે, અંતરિયાળ અને છેવાડાના ગામડાઓમાં સુવિધાઓનો અભાવથી કચ્છમાં રસીકરણ મહાઝુંબેશ વેળાએ આરોગ્ય કર્મચારીઓની સલામતી સામે સવાલો ખડા થઈ રહ્યા છે.આ અંગેની વિગતે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં હજુ પણ કોરોના રસીથી હજારો લોકો વંચિત હોઈ આ સમૂહને રસીનો કવચ આપવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ગઈકાલે બીજા તબક્કામાં રસીકરણ મહાઝુંબેશ યોજવામાં આવ્યું હતું. એક જ દિવસમાં જિલ્લામાં બે લાખ ડોઝ ઉપલબ્ધ કરાવાયા હતા, જેને લીધે વહેલી સવારથી મોડી રાત્રી સુધી રસીકરણની કામગીરી ચલાવવામાં આવી હતી. આ કામગીરીને પગલે જિલ્લામાં ગઈકાલે ૬પ૦૦૦ જેટલા લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં પ૦૦ થી વધુ સ્થળો પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય તંત્રની આ કામગીરી સરાહનીય છે પરંતુ ઉચ્ચાધિકારીઓ દ્વારા જમીની હકિકત તપાસ્યા વીના જ આયોજનો ઘડાઈ રહ્યા હોઈ તેનો ભોગ આરોગ્ય કર્મીઓ અને તેમાંય ખાસ કરીને મહિલા કર્મચારીઓને બનવાનો વારો આવી રહ્યો છે. વિસ્તારની દ્રષ્ટિએ આ સરહદી જિલ્લો અતિ વિશાળ હોઈ તેની આગવી ભૌગોલિક વિશેષ્ટતા છે.જિલ્લામાં ભૂકંપ બાદ ભલે વિકાસનો વાયરો ફુંકાયો હોય અને હજુ સુધી તે યથાવત રહ્યો હોય પરંતુ કડવું સત્ય એ પણ છે કે, જિલ્લાના અનેક એવા અંતરિયાળ અને છેવાડાના ગામો છે ત્યાં વર્તમાને પણ પુરતા પ્રમાણમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી નથી. અનેક ગામો તો એવા પણ છે જયાં લાઈટ, પાણી, રસ્તા ઉપરાંત મોબાઈલ કનેક્ટિવીટી જેવી સવલતો માટે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગઈકાલે જિલ્લામાં હાથ ધરાયેલી મહાઝુંબેશમાં તમામ આરોગ્ય કર્મીઓને ફરજની સોંપણી કરાઈ હતી, જેમાં વહેલી સવારથી મોડી રાત્રી સુધી કામગીરી કરવા ઉપલી કક્ષાએથી કડક સુચનાઓ પણ આપી દેવાઈ હતી. ઉપલી અધિકારીઓની સુચના અને કયાંક ખાતાકીય કાર્યવાહી થવાની બીકે મને કમને સુવિધાઓના અભાવ વચ્ચે પણ આરોગ્ય કર્મચારીઓએ તેમાં પણ ખાસ કરીને મહિલા કર્મીઓએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરી લોકોને રસીનું સુરક્ષા કવચ પ્રદાન કર્યું હતું.જો કે, વિસ્તારની દ્રષ્ટિએ આ જિલ્લો અતિ વિશાળ હોઈ સમય મર્યાદાનો છેદ ઉડાળી રસીકરણની કરાવાયેલી કામગીરી કેટલી વ્યવહારૂ ગણી શકાય તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. અનેક વિસ્તારો તો એવા છે જયાં રસ્તા, પાણી, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ હજુ સુધી પુરતા પ્રમાણમાં નસીબ થઈ નથી તેવા સ્થળોએ મહિલા કર્મચારીઓને મોડી રાત્રી સુધી ફરજ પર રહેવું પડયું હોઈ મહિલા સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકોના આરોગ્યને સુદ્રઢ બનાવવા આરોગ્ય કર્મીઓને સતત ફિલ્ડમાં રહેવા ફરજ પડાઈ રહી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં તો આરોગ્ય કેન્દ્રો જ ખખડધજ હોવાની સાથોસાથ ગામના છેવાડે હોઈ અહીં બેસીને કામ કરવું પણ પડકારરૂપ બની રહ્યું છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દારૂની બદી બેકાબુ હોઈ અમુક ગામડાઓમાં સાંજ પડતા જ સાંગુડીઓને સુરાતન ચડતું હોઈ મહિલાઓ તો શું સભ્ય સમાજના પુરૂષો પણ કામ વગર ઘરોની બહાર નિકળતા નથી, ત્યાં રાત્રીના રસીકરણની કામગીરી કરાવવી કેટલી યોગ્ય ગણી શકાય તેવી ચર્ચાઓ જાગી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચાલી રહેલી રસીકરણની કામગીરી અન્ય વિસ્તારોની તુલનાએ શ્રેષ્ઠ છે, જેની ખુદ કેન્દ્રના આરોગ્ય મંત્રીએ પણ નોંધ લીધી હતી. ત્યારે અહીં એ પણ નોંધવું રહ્યું કે, એક જ દિવસમાં મોડી રાત્રી સુધી રસીકરણની કામગીરી કરાવવાના બદલે આ તમામ કેન્દ્રો પર એક સપ્તાહ કે, દસ દિવસ સુધી નિયત સમયમાં રસીકરણની કામગીરી કરાવવામાં આવે તો પણ જિલ્લામાં રસીથી વંચિત રહી ગયેલા લોકો રસીનું સુરક્ષા કવચ મેળવી શકે તેમ છે.