કચ્છમાં મધરાત્રે મેઘરાજાની તોફાની બેટીંગઃ ૬ તાલુકામાં ધોધમાર ૧ થી ૪ ઈંચ વરસાદ

????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????

  • વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે

રાત્રીના બાર વાગ્યા બાદ ભુજ, નખત્રાણા, ભચાઉ, માંડવી અને લખપતમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો : વાગડ પંથકના રાપર શહેરમાં ગણતરીના સમયમાં ૯ર એમએમ પાણી વરસ્યું : અબડાસામાં સવા ઈંચ વરસાદ, અંજાર, ગાંધીધામમાં વરસ્યા ઝાપટાં : હજુય અસહ્ય બફારો – ઉકળાટ યથાવત

(બ્યુરો દ્વારા)ભુજ : હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ હોઈ ગઈકાલથી તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનો દોર શરૂ થઈ ગયો છે. સરહદી જિલ્લા કચ્છ પર ગત રાત્રે મેઘરાજા મહેરબાન થયા હતા અને અડધાથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે કચ્છમાં મધરાત્રે મેઘરાજાની તોફાની બેટીંગ કરતા ૬ તાલુકામાં ધોધમાર ૧ થી ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છના રાપર પંથકમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. તો અબડાસા, ભુજ, ભચાઉ, નખત્રાણા, માંડવી અને લખપત તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગાંધીધામ, અંજાર સહિતના તાલુકામાં માત્ર ઝાપટા વરસ્યા છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં સતત જોવા મળી રહેલા વરસાદી માહોલ વચ્ચે મેઘરાજા પાછલા લાંબા સમયથી હાથતાડી આપી રહ્યા હોઈ અસહ્ય બફારા અને ઉકળાટથી લોકો રીતસરના ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ ભાદરવાની શરૂઆત સાથે જ જાણે મેઘરાજાએ કચ્છ પર નજર નાખવાનું શરૂ કર્યું હોય તેમ દરરોજ જિલ્લાના છુટા છવાયા સ્થળોએ હળવાથી ભારે ઝાપટા નોંધાઈ રહ્યા છે. ગઈકાલે દિવસભર જિલ્લામાં ભારે ઉકળાટ અને બફારાનું પ્રમાણ અનુભવાયું હતું. જે બાદ સમી સાંજથી વાતાવરણમાં પરિવર્તન આવ્યા બાદ પવનની ઝડપમાં પણ વધારો નોંધાયો હતો. કચ્છના પ્રવેશદ્વાર સમા વાગડ પંથકથી મેઘરાજાએ દસ્તક દીધા બાદ મોડી રાત્રી સુધીમાં લખપત સુધી મેઘસવારી પહોંચી ગઈ હતી.જિલ્લા મથક ભુજમાં રાત્રીના બાર વાગ્યા બાદ એકાએક વીજળીના કડાકા – ભડાકા અને પવન સુસવાટા શરૂ થઈ ગયા હતા. બિહામણા માહોલ બાદ મેઘરાજાએ પધરામણી કરતા વરસાદના ભારે જોરના પગલે એક કલાકથી ઓછા સમયમાં ર૮ એમએમ પાણી વરસી પડતા માર્ગો પરથી જોશભેર પાણી વહી નિકળ્યા હતા. પવન સાથે ખાબકેલા વરસાદના પગલે શહેરની મુુંદરા રિલોકેશન સાઈટ, પ્રમુખસ્વામીનગર સહિતના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતા લોકો અકળાયા હતા. તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ સાડા બાર વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે તાલુકાના લોરિયા, ઝુરા, સુમરાસર, નોખાણીયા, સરસપર ઉપરાંત માધાપર, મીરજાપર સહિતના ગામોમાં એકથી દોઢ ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. ભુજમાં સીઝનનો અત્યાર સુધીનો ૩૩૯ એમએમ એટલે કે, ૧૩ ઈંચથી વધુ ટુકડે ટુકડે વરસાદ વરસી ચુકયો છે.પશ્ચિમ કચ્છના બારડોલી સમાન નખત્રાણામાં મોડી રાત્રીના મેઘરાજાનું આગમન થયું હતું. બિહામણા માહોલ વચ્ચે વરસાદ શરૂ થયા બાદ થોડા સમયમાં જ વરસાદે વિરામ લઈ લેતા ૧૮ એમએમ પાણી પડયું હતું. નખત્રાણા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નખત્રાણા પંથકમાં ચાલુ સીઝન દરમ્યાન અત્યાર સુધીમાં ર૮૯ એમએમ એટલે કે, ૧૧ ઈંચ જેટલો વરસાદ વરસી ચુકયો છે. આજે સવારે ગોરંભાયેલા આકાશ વચ્ચે વધુ ચાર એમએમ પાણી વરસ્યું હતું.છેવાડાનો લખપત તાલુકો સામાન્ય રીતે મેઘરાજાની કૃપાથી વંચિત જ રહેતો હોય છે. ચાલુ વર્ષે પણ જિલ્લાના અન્ય વિસ્તારોની તુલનાએ આ તાલુકામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. ગત રાત્રીના લખપત તાલુકા પર પણ વરૂણદેવે થોડી કૃપા વરસાવતા ૧૯ એમએમ પાણી વરસ્યું હતું. જેને પગલે ચાલુ સીઝનમાં અત્યાર સુધીનો આ છેવાડાના તાલુકાનો વરસાદ ૧૪પ એમએમ એટલે કે, છ ઈંચ જેટલો થવા આવ્યો છે. લખપત તાલુકામાં પશુપાલન ઉદ્યોગ ખુબ જ મોટો છે ત્યારે છુટી છવાઈ થઈ રહેલી મેઘમહેરથી સીમાડાઓમાં કુણું ઘાસ ઉગી રહ્યું હોઈ પશુઓને આંશિક રાહત મળી રહી છે. જો કે, હજુ માંગ્યા મેહ ન વરસતા પાણીની ચિંતા લોકોને સતાવી રહી છે. આજ સવારથી પણ ધીમીધારે વરસાદ ચાલુ હોતા ત્રણ એમએમ પાણી પડયું હતું.અબડાસા તાલુકાની વાત કરીએ તો ગત બપોર બાદથી ગામડાઓમાં હળવા ઝાપટાં રૂપે મેઘમહેર શરૂ થઈ હતી. જેમાં ઘરડા, વાયોર, ખારઈ, નાની બેર, મોટી બેર, અકરી, ઉકીર, વાગોટ સહિતના ગામોમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. રાત્રીના સમયે પુનઃ વરસાદનો કરંટ આવતા અબડાસામાં ર૯ એમએમ પાણી વરસ્યું હતું. અબડાસા તાલુકામાં ચાલુ સીઝનનો અત્યાર સુધીમાં ર૩૩ એમએમ વરસાદ વરસી ચુકયો છે.બંદરીય શહેર માંડવીની વાત કરીએ તો ગત રાત્રીના વીજળીના કડાકા – ભડાકા અને પવનના સુસવાટાના પગલે મેઘરાજા ભારે હેત વરસાવશે તેવી આશા જાગી હતી, જો કે ૧૦ એમએમ પાણી વરસ્યા બાદ મેઘરાજાએ ખમૈયા કરી લીધા હતા. જો કે, વાતાવરણમાં હજુય બફારા અને ઉકળાટનું પ્રમાણ યથાવત રહેતા વધુ વરસાદની આશા બંધાઈ છે. માંડવીમાં ચાલુ સીઝનનો અત્યાર સુધીમાં ર૬૦ એમએમ વરસાદ નોંધાઈ ચુકયો છે.વાગડ પંથકની વાત કરીએ તો રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. અડધા થી પોણા કલાકની અંદર જ ૯ર એમએમ એટલે કે ચાર ઈંચ જેટલો વરસાદ વરસી જતા શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાંથી જોશભેર પાણી વહી નિકળ્યા હતા. શહેરના આંઢવાળા તળાવમાં પણ નવા નીર પથરાયા હતા. તાલુકાના રવ, નંદાસર, ડાવરી, બાલાસર, દેશલપર, શીરાનીવાંઢ, લોદ્રાણી, બેલા, મૌવાણા, નીલપર, નંદાસર, સુવઈ, રામવાવ, ત્રંબૌ, ડાભુંડા, સઈ, ખીરઈ, બાદરગઢ, આડેસર, ચીત્રોડ, ભીમાસર, કલ્યાણપર, સલારી, ફતેહગઢ સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાપરમાં ભારે વરસાદ થતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. રાપરમાં ચાલુ સીઝનનો અત્યાર સુધીનો રરપ એમએમ વરસાદ વરસી ચુકયો છે. વાગડના ભચાઉ શહેર તેમજ તાલુકાના વિસ્તારોમાં પણ ગત રાત્રીના બાદ હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. ભચાઉ શહેરમાં રાત્રી દરમ્યાન ર૬ એમએમ પાણી પડયું હતું. ભચાઉમાં અત્યાર સુધીમાં ચાલુ સીઝન દરમ્યાન અત્યાર સુધીમાં રર૩ એમએમ વરસાદ વરસી ચુકયો છે. પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામમાં ગત રાત્રીના હળવા ઝાપટા વરસ્યા હતા. બીજીતરફ મુંદરામાં કેટલાક વિસ્તારોમાં રાત્રે માત્ર ઝરમરીયા જ વરસ્યા હતા, પરંતુ આજ સવારથી ઝાપટાઓનો દોર જારી રહેતા પાંચ એમએમ પાણી વરસ્યું હતું.

????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????

ભુજ : મધરાત્રે વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા અનેક જગ્યાએ ગણેશ પંડાલોમાં પણ પાણી ઘૂસ્યા હતા. જો કે ગણેશજીની મૂર્તિ સુરક્ષિત રહી હતી.