કચ્છમાં ભાદરવાના ભૂસાકારૂપે અડધાથી ર ઈંચ વરસાદ

જિલ્લા ભરમાં અત્યાર સુધી ૮ર ટકા વરસાદ : સૌથી વધુ અંજાર અને સૌથી ઓછો લખપત તાલુકામાં નોંધાયો : અંજારમાં અઢી ઈંચ વરસાદ : ભચાઉમાં ર ઈંચ, બાકીના તાલુકાઓમાં અડધાથી એક ઈંચ વરસાદ : જિલ્લામાં ઝરમરથી લઈને ભારે વરસાદી ઝાપટા પડ્યા

અનિવાર્ય સંજોગો સિવાય ઘરથી બહાર ન નીકળવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અપીલ

ભુજ : કચ્છમાં મધ્યથી ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી દિવસ દરમિયાન સૂર્યદાદાના દર્શન થતા હોય છે. અને બપોર બાદ જિલ્લામાં ભરમાં વાતાવરણમાં અચાનક મેઘાવી માહોલ જોવા મળે છે. જે દિવસે ઉકળાટ અને બફારો જોવા મળે છે. તો સાંજના ભાગે વરસાદ વરસવાનો શરૂ થયા છે. જે આખી રાત કયાંક ઝરમરથી લઈને ભાદરવાના ભૂસાકા રૂપે અડધાથી લઈને બે ઈંચ જેટલો વરસાદ વરસી છે. છેલ્લા પાંચ દિવસથી જિલ્લા ભરમાં વરસાદી માહોલ વરસાદ વરસવાનો ચાલુ છે. તે વચ્ચે જિલ્લાનો અત્યાર સુધી ૮ર ટકા વરસાદ વરસી ચુકયો છે.જિલ્લામાં અત્યાર સુધી અંજારનો સીઝનનો જિલ્લામાં સૌથી વધુ ૧ર૩.૪૭ ટકા વરસાદ વરસ્યો છે. તો સૌથી ઓછો ૪પ.ર૬ ટકા વરસાદ લખપત તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં તાલુકા વાઈઝ વાત કરીએ તો અબડાસામાં ૭૧.૧૧, ગાંધીધામમાં ૮૭.૩૭, નખત્રાણામાં ૮પ.૭૧, ભચાઉમાં ૮૧.૦૭, ભુજમાં ૧૦પ.૮૮, મુંદરામાં ૮૦.૮૩, માંડવીમાં ૭૮.૬૯ અને રાપરમાં ૬૩.૦પ ટકા વરસાદ વરસ્યો છે. અને હજુ વરસાદી વાતાવરણ છે. ત્યારે ડેમો, તળાવો ભરાય તેવી આશા છે.મંગળવારે પણ રાત્રે શરૂ થયેલ વરસાદ અંજાર શહેર ઉપરાંત તાલુકામાં અઢી ઈંચ પાણી વરસ્યું હતું. તો ભચાઉમાં ર ઈંચ વરસાદી પાણી વહી નિકળતાં શહેરમાં પાણી રસ્તાઓ પરથી વહી નિકળ્યા હતા. તો ગાંધીધામમાં ર૩ મીમી, માંડવીમાં ર૦ મીમી, રાપરમાં ૧૭ મીમી. વરસાદી પાલર પાણી પડ્યું હતું. ભાદરવા માસમાં સૌરાષ્ટ્ર-ગુજરાતને વરસાદે ધમરોળ્યા બાદ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છમાં ભાદરવાના ભુસાકા જેવો વરસાદ પડી રહ્યો છે. કયાંક મેઘ મહેર દેખાય છે તો કોઈ વિસ્તાર કોરોકટ જોવા મળી રહ્યો છે. ભુજમાં હજુ જોઈએ તેવી મેઘમહેર થઈ નથી. ત્યારે આગામી દિવસોમાં મેઘની અનરાધાર કૃપા થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. વરસાદી માહોલ છતાં શહેર તથા તાલુકાના ગામડાઓમાં જોઈએ તેવી મેઘમહેર થઈ નથી.ગત સાંજે ભુજ શહેરમાં ઝરમરરૂપે વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહી નિકળ્યા હતા. તો શહેરમાં ચાર છાંટા પડતાં કાદવ કીચડ સર્જાયો હતો. તાલુકાના બન્ની પચ્છમના અંધૌ, ખારીવાવ, સાંધારા સહિતના વિસ્તાર સિવાય અન્ય વિસ્તારોમાં વરસાદની સંતાકુકડી રહી હતી. જયારે આહિર પંથકના ગામોમાં રોડ ભીનો કરવા જેટલો ઝરમર સિવાય વરસાદ વરસ્યો નથી. પટેલ ચોવીસીના ગામોમાં પણ કયાંક ઝાપટું તો કયાંક કોરૂ જવી સ્થિતિ છે. કોટડા (ચકાર) પંથકમાં અગાઉ થયેલ વરસાદ બાદ હજુ સુધી મેઘો મહેરબાન નથી થયો.અંજારમાં મંગળવારે રાત્રીના ૮ વાગ્યાથી ગાજવીજ તથા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જે સવારના પાંચ વાગ્યા સુધી વરસ્યો હતો. જેના લીધે દેવળિયા, ભીમાસર, વરસાદમેડીના તળાવોમાં નવા નીર આવ્યા હતા. નવા નીર આવતાં ખેડૂતો અને માલધારીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી. વાગડ વિસ્તારમાં સતત વરસાદના ઝાપટા ચાલુ રહ્યા હતા. રાપર શહેરમાં ધીમી ધારે વરસાદ થયો હતો. તો આડેસરમાં એક કલાક સુધી વરસાદ વરસ્યો હતો. ભીમાસર, લખાગઢ, નીલપર, રવ, નંદાસર, પ્રાગપર, ચિત્રોડ, કિડીયાનગર, પલાંસવા, ભુટકિયા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા વરસ્યા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલુકા મથકે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં વરસાદનું ઝાપટું પડ્યું હતું. રામવાવ, ત્રંબૌ, સુવઈ સહિતના વિસ્તારમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા. આમ સતત વરસાદના ઝાપટાથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. વરસાદના લીધે ખેતરોમાં ચોમાસુ પાકને ફાયદો થશે તેમ રામવાવના માજી સરપંચ કરશનભાઈ મણવરે જણાવ્યું હતું.માંડવી શહેરમાં પણ માંડવીના ટોપણસર તળાવમાં નવા નીરના પધરામણા થતા નગરજનોમાં ખુશી ફેલાઈ છે. માંડવીના નીચાણવાળા વિસ્તારોમાં આઝાદચોક, ભીડબજાર વિસ્તારમાં પાણી જોશભેર વહી નીકળ્યા હતા. બિદડામાં મંગળવારે બપોરે ર વાગ્યાથી ચાલુ થયેલા ભારે વરસાદ રાત્રે ધીમીધારે ર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો ગામના બધા ચેકડેમો છલકાઈ ગયા છે.હાલ આકાશ ખુલ્લે તેવું ભાવેશભાઈ સંઘારની યાદીમાં જણાવાયું છે. મસ્કામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ રાત્રે ૧ર વાગ્યા સુધી ઝરમર સાથે ર ઈંચ વરસાદ ગામના હાજીપીર તળાવમાં નવા નીર આવ્યા તેવું શિલ્પાબેન નાથાણીની યાદીમાં જણાવાયું છે. મોટા ભાડિયા, નાના ભાડિયા, ત્રગડી વિસ્તારમાં મેઘરાજાએ હેત વરસાવતા ૪ ઈંચ જેટલો વરસાદ ગામોના ચેકડેમોમાં પાણી ભરાયા હતા. પશુપાલકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી તેવું જિલ્લા પંચાયત સદસ્ય વિરમભાઈ ગઢવીની યાદીમાં જણાવાયું છે. દુર્ગાપુર, ભારાપર, વાડા વિસ્તારમાં ખાબકેલા વરસાદે મોડી રાતે ધીમીધારે હેત વરસાવતા ર ઈંચ જેટલો વરસાદ ચેકડેમોમાં નવા નીર આવ્યા હતા. કપાસ તથા દાડમના પાકને નુકશાન થયું છે પરંતુ પાલર પાણીના લીધે પશુઓ માટે છથી સાત મહિના ચાલે તેટલો પાણી ભરાયો છે તેવું પ્રવિણભાઈ વેલાણીની યાદીમાં જણાવાયું છે. મોટા લાયજા, ભીંસરા, પાંચોટીયા, જનકપુર વિસ્તારમાં મેઘરાજા ખાબકતા દોઢથી બે ઈંચ જેટલો વરસાદ ચેકડેમોમાં નવા નીર આવ્યા હતા. ખેડૂત – પશુપાલક વર્ગમાં ખુશીની લાગણી ફેલાઈ છે. તો હર હંમેશની માફક લાઈટના બહુ જ ધાંધીયા રહે છે. વરસાદી માહોલ સર્જાય એટલે વીજળી ગુલ જે સીધી જ સવારે આવતી હોય છે. હાલ પણ ઉપર ઘેરાયેલો તેવું મુરજી સ્વરાજભાઈ ગઢવીની યાદીમાં જણાવાયું છે.

તા.૧૬ અને ૧૭/૯ના ભારે વરસાદના સંજોગોમાં સતર્કતા રાખવા અનુરોધ

ભુજ : કચ્છ જિલ્લાની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, જિલ્લામાં તા.૧૬ અને તા.૧૭/૯ના દિવસે ભારે વરસાદના સંજોગોમાં નદી, તળાવો, ડેમોમાં પાણીની આવક ચાલુ હોય તેવા નીચાણવાળા કોઝવે, નીચાણવાળા એરિયા તથા અજાણ્યા પાણીમાં વાહનો નાખવા નહિ, વહેતા પાણીમાં નદીમાં, તળાવમાં કે તળાવની આવમાં, બાળકો, યુવાનો કુતુહલવશ જવુ નહિ, વરસાદી પાણીમાં ન્હાવાનું જોખમ ન કરવા તથા અનિવાર્ય સંજોગો સિવાય ઘરથી બહાર ન નીકળવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તરફથી અપીલ કરાઈ છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અંતરિયાળ વિસ્તારમાં સંપર્કો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. રાહત સામગ્રીના સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. તમામ વિભાગોના કન્ટ્રોલરૂમ સતત સક્રિય કરાયા છે. ડેમોની આસપાસ આવેલ વિસ્તાર સબંધે ખાસ તકેદારી રાખવા એલર્ટ આપવામાં આવ્યું છે. કલેકટર પ્રવિણા ડી.કે.ના તા.૨૬/૮/૨૦૨૧ વાળા જાહેરનામા અંતર્ગત ગણેશ ઉત્સવ ઉજવણીની સબંધિત સુચનાઓનો લોકો ચુસ્તપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવાનુ રહેશે તેમજ ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ ગણેશ વિસર્જન વખતે ખાસ ખ્યાલ રાખવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ડિઝાસ્ટર શાખાની અખબારી યાદીમાં જણાવાયું છે.

નખત્રાણા તાલુકામાં દોઢથી ૩ ઈંચ વરસાદથી ખેડૂતો ખુશ

નખત્રાણા : હરિયાળા પંથકમાં ધરતીનો ધણી રીઝતા ખેેડૂત માલધારી ખુશ છે. તાલુકામાં દોઢથી ત્રણ તો કયાંક ભાદરવાના ભુસાકાથી ૩થી ૪ ઈંચ વરસાદ પડ્યો છે. તાલુકાના દેવપર (યક્ષ) ગ્રામ પંચાયત પાસે આવેલા સરોવર આ સીઝનમાં સતત ત્રીજી વખત છલકાઈ જતાં ગામના સરપંચ વિજયભાઈ દિવાણી અને સમસ્ત પ્રજાજનોએ વાજતે ગાજતે તળાવના ઓવારણા લીધા હતા. શ્રીફળ, ચુંદડી, અબીલ ગુલાબ સાથેે તળાવ વધાવાયો હતો. ગામે પાંખી પાડી મેઘલાડુનો જમણવાર કર્યું હતું. સ્વાતીતબેન ગોસ્વામી, તા.પં. સભ્ય સતુભા જાડેજા, રાજેશભાઈ, હાર્દિકગિરિ, ગોસ્વામી, પ્રવીણ ધનજીભાઈ ભારમલ, જોગી તલાટી ચિરાગ પ્રજાપતિ તથા તમામ સમાજોના આગેવાનો આ અવસરે જોડાયા હતા. ગામોમાં ભાદરવાના ભુસાકાથી નદી નાળા, ચેકડેમ, તળાવો, ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. કયાંક રસ્તાના ધોવાણ થયા છે. વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં ઉકળાટથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. હજુ પણ ર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. ત્યારે આ વિસ્તારમાં મેઘો ટ્‌વેન્ટી ટ્‌વેન્ટીની જેમ ધુંવાધાર બેટીંગ કરે તેવી આશા જીવંત માલધારી, ખેડૂત, વેપારી રાખી રહ્યા છે.ભીટારા ગામે મેઘરાજા મહેર કરતાં ૩ ઈંચ વરસાદથી ખેડૂતો અને માલધારી વર્ગ ખુશ થયો છે. પાંચ દિવસથી ઝાપટારૂપે વરસાદની આવન જાવન ચાલુ હતી. આજે સાંજે ધોધમાર ભાદરવાના ભુસાકાથી ૩ ઈંચ વરસાદ ખાબકતા નાના ચેકડેમો છલકાઈ ગયા છે. તો નદી પણ બંને કાંઠે વહેતા લોકો નદીના પ્રવાહને જોવા ઉમટી પડ્યા હતા. તો વીજ ધાંધિયા યથાવત રહેતા અંધારપટ છવાયો હતો. વીજ વિભાગ તાકીદે વીજ પુરવઠો ચાલુ કરે અને ફોલ્ટ કાઢે તે માટે તેમણે રજૂઆત કરી હતી. ભીટારા આસપાસના ગામોમાં પણ મેઘ મહેર ચાલુ છે. હજુ પણ ગરમી આળંંગ ખુબ છે. આ વરસાદ ખેતી માટે સોના જેવો સાબિત થયો છે. આઠમના માતાજી આ ગામે કૃપા કરતાં વરૂણદેવ રીઝયા છે તેવું સરપંચ જીતેન્દ્રભાઈ ગોરે જણાવ્યું છે.