કચ્છમાં બેઝ ઓઈલની ઝુંબેશને વધુ સઘન બનાવાશે : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

કંડલા પોર્ટમાંથી કોલસા સહિતના સામાનની થતી ચોરીઓ અંગે કકડ પગલા લેવાની અપાઈ સૂચના : અંજારના મેઘપર બોરીચીમાં નવા પોલીસ સ્ટેશનને મંજૂર કરાયું : પૂર્વ કચ્છમાં વધારાના વાહનો અને મહેકમ ફાળવવા આવેલી દરખાસ્ત અંગે નવી ભરતીમાં કરાશે પૂર્તતા  

ગાંધીધામ : ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી સરકારના પાંચ વર્ષના સાસનકાળની સિદ્ધિઓની ઉજવણીના ભાગ રૂપે પહેલીથી નવમી ઓગષ્ટ દરમિયા વિવિધ આયોજનો કરાયા છે. જેના ભાગરૂપે પહેલી ઓગષ્ટના રવિવારે ભુજની મહિલા કોલેજ ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજથી બે દિવસ માટે કચ્છમાં પધાર્યા છે. સાંજે સાત કલાકે ગાંધીધામ આવી પહોચેલા ગૃહમંત્રીને પૂર્વ કચ્છ એસ.પી કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ. રેન્જ આઈજીપી જે.આર મોથલિયા, કલેક્ટર પ્રવીણા ડી.કે, ડીડીઓ ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ એસ.પી મયૂર પાટીલ, માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય, ગાધીધામ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, ગાંધીધામ શહોર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન પુનિત દુધરેજીયા, ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર, શાસકપક્ષના નેતા વિજયસિંહ જાડેજા સહિતના અધિકારી પદાધિકારીઓએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું સ્વાગત સન્માન કર્યુ હતુ. ગાંધીધામ આવી પહોચ્યા બાદ ગૃહમંત્રીએ પૂર્વ કચ્છ પોલીસની ક્રાઈમ રિવ્યૂ બેઠક યોજી હતી. જેમા પૂર્વ કચ્છ જિલ્લામાં ક્રાઈમ રેટ અંગેની સમીક્ષા કરી હતી. ખાસ તો પૂર્વ કચ્છમાં વકરેલી બેઝઓઈલની બદી અંગે ચર્ચા વિચારણા કરી હતી. અને તાજેતરમાં જ બેઝ ઓઈલ અંગે નોંધાયેલા ગુનાઓની સમીક્ષા કરી હતી. બેઝ ઓઈલના ગેરકાયદેસર વેંચાણ અને સંગ્રહખોરી પર મુખ્યમંત્રી દ્વારા કડક કાર્યવાહી કરવાની અપાયેલી સૂચના બાદ પોલીસે બોલાવેલા સપાટાની સરાહના કરીને આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામી દેવાની સૂચના આપી હતી. ક્રાઈમ રિવ્યૂ બેઠકમાં રેન્જ આઈજીપી જેઆર.મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસ.પી મયૂર પાટીલ દ્વારા પૂરક માહિતી પૂરી પાડવામાં આવી હતી. બેઠકમાં અન્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ક્રાઈમ રિવ્યૂ બાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને પત્રકારોને માહિતી અપાઈ હતી.

પ્રેસ કોન્ફરન્સમાં સંબોધતા ગૃહમંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યુ હતુ કે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કરેલા વિકાસકામો અને સિદ્ધિઓને 9મી ઓગસ્ટના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેમ વિવિધ ક્ષેત્રોમાં કારાયેલા કામો અને સિદ્ધિઓને બિરદાવીને ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે કચ્છમાં આવવાનું થયુ છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસની ક્રાઈમ રિવ્યૂ બેઠક યોજી છે. જેમા રાજ્યભરમાં બેઝ ઓઈલ-બાયોડીઝલ સહિતના ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ પદાર્થોના દૂષણને નાબૂદ કરવા સરકારે પહેલ કરી છે. અને આ ઝુબેશને આગામી દિવસોમાં વધુ વેગવાન બનાવવામાં આવશે. પૂર્વ કચ્છમાં ઔદ્યોગિક વિકાસ પૂર ઝડપે થાય છે. ત્યારે વિકાસની સાથે શાંતિ, સલામતિ અને સુરક્ષા જળવાઈ રહે તે પણ મહત્વનું છે. તેથી પોલીસમાં પેટ્રોલિંગ વધારવા માટે વાહનો અને મહેકમની દરખાસ્ત કરાઈ છે. તેના વિશે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. અને આગામી ભરતીઓમાં મહેકમની પૂર્તતા કરવામાં આવશે તેવુ તેમણે જણાવ્યુ હતુ. ઉપરાંત અંજારનાં મેઘપર બોરીચીમાં નવા પોલીસ સ્ટેશન અંગેની ચર્ચા કરીને તેને મંજૂર કરવામાં આવ્યુ છે. જેથી તે વિસ્તારમાં બનાતા ગુનાઓનો ઝડપથી નિકાલ લાવી શકાય. તો પૂર્વ કચ્છમાં આવેલા કંડલા પોર્ટને કારણે અહીંથી મોટા પ્રમાણમાં માલ સામાનની હેરફેર થાય છે. અને તેની ચોરીઓના બનાવો પણ ખુબ વધ્યા છે. તેમા પણ વિદેશથી આવતા કોલસામાં ભેળસેળ કરીને ચીટીંગ કરાતી હોય છે, કોલસાની ચોરીઓ કરાય છે તેવા બનાવોમાં સઘન કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. વિશ્વાસે પ્રોજેક્ટ અંતર્ગત પૂર્વ કચ્છમાં પોલીસે લગાવેલા સીસીટીવી કેમેરાઓને ઓનલાઈન કરવામાં આવશે. આ ઉપરાંત શ્રમિક એપ દ્વરા ઉદ્યોગોમાં કામ કરતા મજૂરોની પણ નોંધણી કરાશે. જેથી શ્રમિકોને લઈને જે સમસ્યાઓ છે તેનો નિકાલ લાવી શકાશે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે ગાંધીધામ એસપી કચેરી ખાતે ક્રાઈમ કોન્સરન્સમાં ઉપસ્થિત રહી ક્રાઈમ અંગેની સમીક્ષાત્મક બેઠક યોજી હતી. તો આવતીકાલે રવિવારે ગુજરાત સરકારના સુત્ર સૌનો સાથ સૌનો વિકાસ અંતર્ગત જ્ઞાનશકિત દિવસ ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે. ભુજની મૂક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે યોજાનારા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.