કચ્છમાં બેંકોની થાપણો વધી પણ વહિવટ ખાડે ગયો : તારાચંદભાઈ છેડા

બેંકો દ્વારા નાણાંની લેવડ દેવડ, ચેકબુક, એટીએમ સહિતની સેવાઓ માટે બેફામ રીતે ચાર્જ વસૂલાતા ખાતેદારો પરેશાન : ગ્રાહકોને લૂંટતા બેંકોના વહિવટ સામે પગલાં ભરવા વડાપ્રધાનને રજૂઆત કરાઈ

ભુજ : કોરોના કાળ દરમિયાન કચ્છમાં બેંકોની થાપણો વધી છે, જેની સામે બેંકોએ ગ્રાહકોને વધુ સારી સવલત આપવાના બદલે ખાતેદારોને લૂંટવાનું ચાલુ કરતાં બેંકોનો વહિવટ ખાડે ગયો છે. સામાન્ય સેવાઓ માટે બેંકો દ્વારા બેફામ ચાર્જ લેવામાં આવે છે. ત્યારે ગ્રાહકોને લૂંટતા બેંકોના વહિવટ સામે રોક લગાવવામાં આવે તે માટે વડાપ્રધાનને રજૂઆત કરાઈ છે. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના જણાવ્યા પ્રમાણે કચ્છમાં બેંકો દ્વારા વેપારીઓ અને ગ્રાહકોના ખાતામાંથી કાયદામાં ન હોય તેવા ચાર્જીસ લગાવીને વેપારીઓને આર્થિક ધંબો લગાવાઈ રહ્યો છે. જે બાબતે વડાપ્રધાનનું ધ્યાન દોરી યોગ્ય કરવા માંગણી કરાઈ છે. એકતરફ જયારે વેપારીઓ કોરોનાના કારણે આર્થિક પાયમાલ થઈ ગયા છે. ત્યારે તેઓ મદદરૂપ થવાના બદલે નાણાંની લેવડ દેવડ, સ્વાઈપ મશીન, એફડી, મેસેજ, ચેકબુક, એકાઉન્ટ વાર્ષિક મેન્ટેનસ, મીનીમમ બેલેન્સ સેવા પર ચાર્જ લગાવી ખાતેદારોને કન્નડગત કરવામાં આવે છે. વધુમાં તારાચંદ છેડાએ કહ્યું કે, લોકડાઉનના સમયમાં કચ્છમાં બેંકોની થાપણો વધી છે, પરંતુ સેવાઓ ઘટી છે, ત્યારે બેંકોના બેફામ વહિવટ સામે કાર્યવાહી કરવામાં આવે તે માટે વડાપ્રધાને રજૂઆત કરાઈ છે.