કચ્છમાં બાયોડીઝલના બેફામ વેપલા પર લગામ કસવા મુખ્યમંત્રીનો આદેશ

વાગડથી લઈ લખપત સુધી કચ્છમાં બાયોડીઝલના નામે ભળતા પદાર્થોનું થઈ રહ્યું છે બેરોકટોક વેચાણ : અગાઉ દરોડા પાડી કામગીરી થતી, હાલમાં તો એકલ-દોકલ ટેન્કર કબ્જે કરાયું હોય તેવો કોઈ કિસ્સો પણ નથી આવ્યો સામે : બેફામ વેચાણ સામે નાણાંની કોથળીઓ ખૂલ્લી જતા પોલીસ, પુરવઠા વિભાગ અને જીએસટી તંત્ર પણ ચૂપ બન્યું હોવાનો વર્તારો

લખપતથી વાગડના છેવાડા સુધી ૬૦થી વધુ ગેરકાયદેસર ચાલતા બેઝઓઈલના હાટડા

ભુજ : સરહદી કચ્છ જિલ્લામાં બે મહાબંદરો અને અનેકવિધ કંપનીઓ આવેલી છે. જિલ્લામાં બાયોડીઝલનું ઘણું ઉત્પાદન થતું હોવાથી બેરોકટોકપણે વેચાણ પણ થઈ રહ્યું છે. એક તરફ ડીઝલના ભાવ ૧૦૦ને આંબી ગયા છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન ઘણું મોંઘુ થયું છે. આવા સંજોગોમાં ફેક્ટરી માલિકો તેમજ ટ્રાન્સપોર્ટરો ખર્ચા બચાવવા માટે બાયોડીઝલનો ઉપયોગ કરે છે, પરંતુ બાયોડીઝલના નામે ભળતા પદાર્થનું વેચાણ કરી સરકારને ટેક્સની આવકમાં ધુમ્બો પહોંચાડાય છે. પરિણામે વ્યાપક ફરિયાદો બાદ મુખ્યમંત્રીએ કચ્છ સહિત રાજ્યમાં બાયોડીઝલનો ગેરકાયદે વેચાણ અટકાવવા સૂચના આપી છે, પરંતુ જેના ગજવામાં ગુલાબી નોટોના થપ્પા લાગી ગયા છે તે તંત્ર મુખ્યમંત્રીની સૂચના માનશે કે પછી માત્ર રૂપિયા ભેગા કરવામાં જ મન બનાવશે તે તો હવે સમય બતાવશે.આ અંગેની વિગતો મુજબ કચ્છ સહિત રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે. તેમણે આવા ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ કડક પગલાં લેવાના આદેશો પણ આપ્યા છે. રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિજયભાઇ રૂપાણીએ આ સુચનાઓ આપી હતી. બાયોડિઝલના નામે ભળતા પદાર્થો વેચાવાની મળેલી વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રીએ તમામ પાસાંઓ સંદર્ભે ચર્ચા-વિચારણા કરીને આ બેઠકમાં કેટલાક વધુ નિર્ણયો પણ કર્યા હતા. રાજ્યમાં બાયોડિઝલના નામે ભળતા પદાર્થો વેચાતા અટકાવવાના હેતુસર મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સ્ટેટ લેવલ કમિટિ એસએલસીની રચના કરીને તેમાં રાજ્ય પોલીસ વડા,ગૃહ વિભાગ, નાણા વિભાગ, પૂરવઠા વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ કમિટિ નિયમીત ધોરણે આ બાબતોની સમીક્ષા દેખરેખ રાખે તેવી સૂચના પણ મુખ્યમંત્રીએ બેઠકમાં આપી હતી. એટલું જ નહીં, બાયોડિઝલના નામે અનઅધિકૃત પદાર્થોનું વેચાણ એ રાજ્ય સરકારની આવકને નુકશાન કરવા સાથે વાહનચાલકોના વાહનોના એન્જિન તેમજ પર્યાવરણને પણ નુકશાનકર્તા હોવાથી આવા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ બંધ કરાવવા સંબંધિત અધિકારીઓને આકરા પગલાં લેવા પણ બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આવા બાયોડિઝલના નામે ભળતા સોલવંટ, પેટ્રોલિયમ પદાર્થો વગેરેની થતી આયાતને પણ સદંતર અટકાવવાની સૂચનાઓ આપી હતી.
કચ્છમાં જોવા જઈએ તો અવાર નવાર કંડલા, ગાંધીધામ, અંજાર અને ભચાઉ પટ્ટામાં બાયોડીઝલના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થતો હોય છે. પશ્ચિમ કચ્છમાં ભુજના માધાપર પાસે અવાર નવાર દરોડા પડે છે, પરંતુ હજુ પણ વેપલો થઈ રહ્યો છે. હદ તો ત્યાં થઈ કે છેવાડાના અબડાસા અને લખપતમાં પણ બાયોડીઝલનો ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. પોલીસ દ્વારા પડાયેલા દરોડા તેની સાબિતી છે. આ તરફ નખત્રાણા, માંડવી અને મુન્દ્રામાં વ્યાપક ફરિયાદો બાદ તંત્રએ એકલ-દોકલ દરોડા પાડી ટેન્કરો કબ્જે કર્યા હતા. જોકે, પુરવઠા વિભાગને કરવાની થતી કામગીરી કચ્છમાં પોલીસ કરે છે. પુરવઠા વિભાગ તો મહિલા અધિકારીના રાજમાં સાવ પાણીમાં બેસી ગયું હોય તેમ ક્યાંય ડોકાતું પણ નથી. પૂર્વથી લઈ પશ્ચિમ સુધી બાયોડીઝલનું ગેરકાયદે વેચાણની વ્યાપક ફરિયાદો હોવા છતાં પુરવઠા વિભાગના મહિલા અધિકારીએ સમખાવા પુરતી પણ કામગીરી કરી હોય તેવો કોઈ ધાક બેસાડતો દાખલો હજુ સુધી સામે આવ્યો નથી. ખુદ તંત્ર જ અંધારામાં હોય તો સરકારને કામગીરીના કેવા રિપોર્ટ પહોંચતા હશે તેનો અંદાજો લગાવી શકાય. પુરવઠા તંત્રમાં ઉપરથી નીચે સુધી ભ્રષ્ટ વહિવટના કારણે અવાર નવાર ખાખી પર બદનામીનો બટ્ટો લાગે છે, પરંતુ પાયો જ જ્યારે સડી ગયેલો હોય ત્યારે ઈમારત પાસે મજબૂતાઈની શું અપેક્ષા રાખી શકાય ? તેવી હાલત કચ્છના પુરવઠા વિભાગની છે.

  • માધાપરમાં એસીબી અધિકારીના નામે વેચાય છે બેઝ ઓઈલ

પોલીસ ખાતાના બેઝ ઓઈલના પોઈન્ટ અનેક છે

ભુજ : શહેરની સમીપે આવેલા માધાપરમાં અવાર નવાર ગેરકાયદે બેઝઓઈલ વેચાતો હોવાની ફરિયાદો સામે આવ્યા બાદ પોલીસે બે-ત્રણ વખત દરોડા પાડી ટેન્કર કબ્જે કર્યા છે, પરંતુ હજુ પણ ગેરકાયદે વેપલો ધમધમી રહ્યો છે. હદ તો ત્યાં થઈ કે અત્યારે હાલમાં માધાપરમાં એસીબી અધિકારીના નામે બેઝ ઓઈલ વેચાઈ રહ્યું છે ત્યારે આ એસીબી અધિકારી કોણ છે ? ગેરકાયદે બેઝ ઓઈલના વેચાણમાં તેમની શું ભૂમિકા છે ? તે સવાલ ચર્ચાના સ્થાને રહ્યો છે.