કચ્છમાં બાગાયતી પાકને થયેલ સંભવિત નુકશાન અંગે સર્વે શરૂ

મુંદ્રા-માંડવી વિસ્તારમાં કેરીના પાકને ૧૫ ટકા જેટલું નુકશાન

કચ્છ જિલ્લો એ ખૂબ જ વિશાળ બાગાયતી વિસ્તાર ધરાવતો જિલ્લો છે.કચ્છમાં મુખ્ય આંબા, ખારેક તેમજ દાડમ જેવા બાગાયતી પાક વર્ષ દરમિયાન લેવામાં આવે છે. તેમાંય કચ્છની કેસર કેરી તો વિશ્વસ્તરે પણ વખણાય છે. હાલ કચ્છ ની કેસર કેરી  ઉતરવાની તૈયારી પર છે તેવામાં તાઉ’તે વાવાઝોડું ત્રાટક્યું પરંતુ કચ્છ પર તેની કોઇ ખાસ અસર થઇ નથી.બસ કેરીના પાકને થોડી ઘણી અસર થઇ જેના કારણે કેરી ઝાડ પરથી ખરી ગઈ છે જેનું પ્રમાણ પણ ઘણું ઓછુ છે. જોકે તાઉ’તે વાવાઝોડાનો ખતરો કચ્છ ઉપર થી ફંટાઇ ગયો જેના કારણે કચ્છને કોઈ પણ નુકસાન થયું નહીં તેથી કચ્છના લોકોએ, તંત્રે તેમજ હાલ તૈયાર કેરીનો પાક ધરાવતા ખેડૂતોએ નિરાંતનો શ્વાસ લીધો છે કચ્છમાં નુકસાન નહીવત થયુ છે.મુન્દ્રા અને માંડવી જેવા કાંઠાળા વિસ્તારોમાં ઝાડ પરથી કેરી ખરી પડવાની ઘટનાઓ બની છે જોકે ફળ ના વૃક્ષો ધરાશાઇ નથી થયા જેથી ખેડૂતોને બહુ નુકસાન થયું નથી. આ તકે નાયબ બાગાયત નિયામકશ્રી એમ.એસ.પરસાણીયા ના જણાવ્યાં અનુસાર મુન્દ્રા તેમજ માંડવી તાલુકાના દરિયાકાંઠે આવેલા ગામડાઓમાં કેરીને ૧૫ ટકા જેટલું નુકસાન થયું છે જોકે કેરીના વૃક્ષો પડવાના કિસ્સાઓ ક્યાંય પણ સામે આવ્યા નથી. હાલ બાગાયત વિભાગના આઠ અધિકારીઓ દ્વારા સંભવિત નુકસાન થયું હોય તેવા વિસ્તારોમાં પ્રાથમિક સર્વે કરવામાં આવી રહ્યો છે ત્રણ ચાર દિવસ ના સર્વે બાદ જે વિગતો સામે આવશે તે મુજબ આગળના પગલા લેવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.