કચ્છમાં પ્રાંથળીયા આહિર સમાજમાં: અંધારી તેરસના વણજાેયા મુહૂર્તમાં સાદાઈથી લગ્નો લેવાયા

ભુજ : અંધારી તેરસના વણજાેયા મુહૂર્તમાં આજે સમગ્ર કચ્છમાં પ્રાંથળીયા આહિર સમાજ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ લગ્નો યોજાયા હતા. વાગડ પંથકના ચોબારીમાં સૌથી વધારે લગ્નો યોજાયા હતા. જ્યારે ખેંગારપરમાં ૪૮, રામવાવમાં ૪૦, ગવરીપરમાં ૧૦ જેટલા લગ્નો લેવાયા હતા.

આહિર સમાજની આગવી પરંપરા મુજબ રાપર તાલુકાના ખેંગારપર ગામે આશરે ૪૮ જેવા લગ્નો યોજાયા હતા. જેમાં ૪૩ જેટલા લગ્નોનું ખેંગારપર આહિર સમાજના સહયોગથી નવનિર્માણ થયેલ સમાજવાડી મધ્યે ૩ દિવસીય સમૂહ જમણવારનું આયોજન સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યું હતું. તેવું ખેંગારપર સરપંચ રણછોડભાઈ આહિર, ભારૂભાઈ આહિરે જણાવ્યું હતું. ચોબારીની ઘનશ્યામનગર સમાજવાડી, ક્રિષ્નાનગર સમાજવાડીમાં જમણવાર સદંતર બંધ રખાયો હતો. આહિર સમાજે કોરોના સંક્રમણથી બચવા જે ગાઈડલાઈન સામાજીક નિયમોની અમલવારી કરાવી છે તે રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય તેવી છે.

રામવાવમાં ૪૦ જેટલા લગ્નો લેવાયા હતા તેવું ખેંગારપરના સરપંચ રણછોડભાઈ આહિર, બીજલભાઈ આહિર, જેરામભાઈ સોનારાએ જણાવ્યું હતું. જ્યારે ગવરીપરમાં ૧૦ લગ્નો લેવાયા હતા અને સરકારની માર્ગદર્શિકાનું પુરે પુરૂ પાલન કરાયું હોવાનું મહાદેવભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિરે જણાવ્યું હતું. આ સિવાય વાગડના કડોલ, નેર, બંધડી, અમરસર, કકરવા, કાંઠડ ચોવીસીના કરમરીયા, વોંધડા, વિજપાસર, જંગી, છાડવારા, વાંઢીયા, ઘરાણી, સામખિયાળી સહિતના ગામોમાં પણ લગ્નો લેવાયા હતા તેવું રાપર તાલુકા ખડીર આહિર સમાજના મંત્રી લાલજીભાઈ આહિર, જેરામભાઈ આહિર, રાપરના કાનજીભાઈ આહિરે જણાવ્યું હતું.

ભુજ તાલુકાના હબાય, સુમરાસર, ઝીંકડી, ઢોરી, લોડાઈ, ધરમપર, ઉમેદપર, જવાહરનગર, નાડાપા, મમુઆરા, ચપરેડી, ધાણેટી, રાયધણપર, સરસપર ખાતે સરકારની ગાઈડલાઈનનું ચૂસ્તપણે તેમજ લોડાઈ વિભાગ આહિર સમાજ દ્વારા પણ કડક રીતે પાલન કરાવીને સાદાઈથી લગ્નનું આયોજન કરાયું હતું. તેવું લોડાઈ વિભાગ આહિર સમાજના પ્રમુખ રૂપાભાઈ ચાડ, ઉપપ્રમુખો હરીભાઈ ગાગલ, અનીલભાઈ બતા, દનુભાઈ દાનાભાઈ, ધનજીભાઈ રાણા કેરાસીયા, મંત્રી સામજીભાઈ અમરાભાઈ ડાંગરની યાદીમાં જણાવાયું હતું.

કચ્છભરમાં પ્રાંથળીયા આહિર સમાજના અંધારી તેરસના લગ્ન ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, પરંતુ કોરોનાના કારણે સાદાઈથી ઉજવવામાં આવ્યું હતું.ત્યારે અંજાર તાલુકાના સતાપર ખાતે લગ્ન સાદાઈથી યોજાયા હતા. સમાજ દ્વારા આ વખતે ઘણી બધી પ્રથાઓ રદ્દ કરવામાં આવી છે. કચ્છના લાખાપર, લુણવા, રતનાલ, કોટડા, અંજાર વગેરે સાદાઈથી લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તેવું ગોપાલભાઈ માતાએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયની કપરી પરિસ્થિતિમાં ગામોમાં માવતરોએ આમંત્રણ પત્રિકા પણ છપાવી નથી. નજીકના સગા સંબંધીઓને ટેલિફોન, મોબાઈલથી આમંત્રણ પાઠવાયું હતું. ગણેશ બેસાડવાની વિધિ પણ ઘરના સભ્યોની હાજરીમાં સંપન્ન કરાઈ હતી.