• ગરબે ઘૂમવા મળશેના ઉત્સાહ સાથે ધમાકેદાર તૈયારીઓ

યુવા ખૈલેયાઓ દ્વારા ઓનલાઇન ખરીદીને પ્રાધાન્ય : પ્રોફેશનલ ગરબાના આયોજનો બંધ રહેતા ડ્રેસ ભાડે આપવાના વ્યવસાયને આંશીક અસર : બજારોમાં રોનક દેખાતા વેપારીઓના મોઢે ચમક

ભુજ : વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણના પગલે ગત વર્ષે સરકાર દ્વારા અમલી બનાવાયેલા નીતિ નિયમોના લીધે નવરાત્રી પર્વની ઉજવણી બંધ રહી હતી. જો કે, હવે કોરોનાની બીજી લહેરમાં ક્રમશઃ ઘટાડાના પગલે નવરાત્રિ
પર્વની સીમિત ઉજવણી કરી શકાશેનો આનંદ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે. રાજય સરકાર દ્વારા શેરી, મહોલ્લામાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદા સુધી નવરાત્રિ પર્વ ઉજવણીની મંજૂરી આપી છે. આથી શક્તિ ઉપાસકો સહિત ખેલૈયાઓમાં ખુશી વ્યાપી છે.શક્તિની ભક્તિના નવલા નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના યુવાધનને સૌથી વધુ આકર્ષતા નવરાત્રિના આકર્ષણરૂપ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે બજારોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.આ અંગેની વિગતો મુજબ આસો માસમાં શરૂ થનાર નવરાત્રિ મહોત્સવ દરમ્યાન શેેરી ગરબામાં વિવિધ જાતના વસ્ત્રો અને આભૂષણો પહેરીને યુવાનોએ રાસ ગરબાના ગૃપમાં જોડાવવા માટેની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં સરકારના આદેશોને પગલે જિલ્લામાં કોમર્શીયલ આયોજનો આ વર્ષે પણ રદ્‌ કરાયા છે. શેરી, ફળિયા ગરબીઓનો યુગ પુનઃ પરત ફરવાનો હોઈ નાની ગરબીના આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નિયમોને આધીન નવરાત્રી ઉત્સવની પરવાનગી અપાતા મંડપ ડેકોરેશન, સાઉન્ડ સીસ્ટમ, લાઈટીંગ, ઓરકેસ્ટ્રા, દરજીકામ સાથે સંકળાયેલા લોકો સહિતના વેપારીઓમાં પણ આનંદની લહેર જોવા મળી રહી છે. યુવાનોએ પણ નવરાત્રી માટેની ખરીદી શરૂ કરતા જિલ્લા મથક ભુજ, ગાંધીધામ સહિતના શહેરોની બજારોમાં ડિઝાઈનર આભૂષણો અને વસ્ત્રોની ખરીદારીની ભીડ ક્રમશઃ વધી રહ્યાનું જોવા મળી રહ્યું છે. જો કે આ વર્ષ કોરોનાને લીધે સાર્વજનિક આયોજનો બંધ રહેતા ભાડે ડ્રેસ આપવાના વ્યવસાય પર આંશીક અસર પડી છે. બીજી તરફ નવરાત્રિના વસ્ત્રો અને આભૂષણોનું માર્કેટ સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થતા યુવાવર્ગ દ્વારા ઓનલાઈન ખરીદી અને પેમેન્ટ પણ નેટબેંકીંગ મારફત થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.આ અંગે કેટલાક વેપારીઓએ વિગતો આપતા જણાવ્યું કે, આ વર્ષ નવરાત્રિમાં બહેનો માટે રૂ. ૭૦૦થી ૭પ૦૦ની રેન્જમાં ચણિયાચોળી, સનેડો, ગામઠી અને યુવતિઓમાં ૧પ૦૦થી ૧૦ હજારની કિંમત સુધીની કચ્છી સંસ્કૃતિવાળા ચણિયાચોળી, નવરંગી ઓઢણીવાળા બ્રોકેડ પટ્ટાવાળા ચણિયાચોળીની ડિમાન્ડ યથાવત રહી છે. જ્યારે ભાઈઓ માટે બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા બ્લોક પ્રિન્ટવાળા કેડીયુ ચોરણી, વર્કવાળા કુર્તા, ઝભ્ભા અને જીન્સની ડિમાન્ડ આવી રહી છે. જયારે બહેનો માટેના આભૂષણોમાં રૂ. ૧પ૦થી ૧ હજાર સુધીના ભાવમાં દામણી, કલરવાળા બાજુ, બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકો, બુટી, ડોળીયા, ઓક્સોડાઈઝ સેટોની ખરીદારી થઇ રહી છે. સાથોસાથ આ કેટેગરીના રૂ. ૩થી પ હજાર સુધીના મોંઘા સેટો ભાડે લેવાનો વર્ગ વધ્યો છે.

બજારમાં ગરબાનું વેંચાણ શરૂ

ભુજ : ગુરૂવારથી આદ્ય શક્તિની આરાધનાના પર્વ એવા નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે નોરતાને અનુલક્ષીને માટીના ગરબા, માતાજીના શણગાર, પૂજન સામગ્રી સહિતની ચીજ વસ્તુઓનું વેંચાણ કરનારા નાના વેપારીઓ પણ સજ્જ બન્યા છે. જિલ્લા મથક ભુજ સહિતની બજારોમાં ગરબાનું વેંચાણ અત્યારથી જ શરૂ થઈ ગયું છે. તો બીજીતરફ પૂજન સામગ્રી સહિતની ચીજ વસ્તુઓનું વેંચાણ કરનારા વેપારીઓ પણ માઈ ભક્તોની જરૂરીયાતને સંતોષવા માટે તૈયાર થયા છે.