વિદ્યાર્થીઓને ઘર જેવો માહોલ મળી રહે તેવો શાળાઓ દ્વારા પ્રયાસ : વર્ગમાં પ૦ ટકાની સંખ્યા સાથે બાળકો માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોના મહામારીમાંથી ગુજરાત હવે ધીમેધીમે અનલોક થઈ રહ્યું છે. આજથી ગુજરાતમાં ધો-૬થી ૮ના વર્ગો એસઓપીની અમલવારી સાથે શરૂ થયા છે, ત્યારે કચ્છમાં પણ ધો. ૬ થી ૮ ના બાળકો આજે અભ્યાસાર્થે શાળાએ પહોંચ્યા હતા. તેના માટે શાળાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ હતી. વર્ગની સાફ સફાઈ અને સેનિટાઈઝેશન કામગીરી પણ કરવામાં આવી હતી. લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ શાળાએ આવી રહ્યા છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓને ઘર જેવો માહોલ મળી રહે તેવો શાળાઓ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે.આ અંગેની વિગતો મુજબ કોરોના કાળે ઘણા ક્ષેત્રોની જીવાદોરી અટકાવી દીધી હતી. વેપાર ધંધા ભાંગી પડ્યા હતા. જે પરિસ્થિતિ બીજી લહેરમાં કેસ ઘટતા સામાન્ય બનતી જઈ રહી છે. ત્યારે આગળના યુગના ભાવિને લઈને પણ સરકાર ચિંતિત બની છે. અને માટે જ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાતા આજથી ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે એસઓપી સાથે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય, ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ, મા આશાપુરા સ્કૂલ, વીડી પ્રાથમિક શાળા સહિતની સ્કૂલમાં ગાઈડ લાઈન પ્રમાણે વ્યવસ્થા કરાઈ છે. જ્યાં વિદ્યાર્થીઓ માટે ત્રણ અલગ અલગ એન્ટ્રી રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓના પ્રવેશ સાથે જ વિદ્યાર્થીઓનું હેન્ડ ગનથી ટેમ્પરેચર તપાસી અને હેન્ડ સેનેટાઇઝ કરી પ્રવેશ આપવાની વ્યવસ્થા કરાઈ છે. મહત્વનું છે કે સરકાર દ્વારા જે ગાઈડ લાઈન બનાવાઈ જેનું પાલન થાય તે જવાબદારી વાલી, બાળક અને સ્કૂલ સંચાલક તમામની છે. બાળકો અને સંચાલકોએ એસઓપીનું પોતે પાલન કરવાની જવાબદારી ગણાવી છે. તો ઘણા સમય બાદ શાળા પર આવેલા બાળકોએ શાળા શરૂ થતા ખુશી વ્યક્ત કરી છે. તેમજ શાળા તરફથી બાળકોને કોરોના અંગે અને એસઓપી અંગે સમજ અપાશે તેવી પણ ખાતરી શાળાઓ દ્વારા અપાઈ છે.
આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનદાસ પ્રજાપતિએ જણાવ્યું કે, રાજય સરકારની સુચના મુજબ આજથી ધો. ૬ થી ૮ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અને તમામ સ્કૂલોમાં સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોનું ટેમ્પરેચર માપી, હાથ સેનેટાઈઝ કરી ત્યાર બાદ જ પ્રવેશ અપાય છે. જરૂર જણાય તો વિદ્યાર્થીઓને માસ્ક પણ આપવામાં આવશે. શાળાઓ દ્વારા પણ એસઓપીની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. એક વર્ગમાં પ૦ ટકાની સંખ્યા સાથે બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ૯ થી ૧૨ ના વર્ગો ગાઈડલાઈન સાથે શરૂ કરાયા હતા, જેમાં યોગ્ય પ્રતિસાદ મળતા ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. જે નિર્ણય પ્રમાણે આજથી એસઓપી સાથે અને ૫૦ ટકા કેપેસિટી સાથે શાળાઓ પહેલાની જેમ શરૂ થતી દેખાઈ છે. જેનાથી હવે બાળકોને યોગ્ય શિક્ષણ પણ મળી રહેશે. અને બાળકોનું ભાવિ નહિ બગડે.