કચ્છમાં ધોરણ ૯થી ૧૨ના ૮થી ૧૦ હજાર બાળકો દરરોજ લઈ રહ્યા છે શેરી શિક્ષણ

શાળા બંધ છે પણ શિક્ષણ નહીં

સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરાઈ, પરંતુ ગામડાઓમાં મોબાઈલ, કોમ્પયુટર અને ઈન્ટરનેટની અપુરતી સુવિધા હોવાથી જિલ્લાના શિક્ષકો દ્વારા બાળકો શૈક્ષણિક કાર્યથી વંચિત ન રહે તે માટે શેરી શિક્ષણની કરાઈ શરૂઆત

ભુજ : છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ બંધ પડી છે. ખાસ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતા બાળકો માટે શિક્ષણ અતિ મહત્વનું હોવાથી તેઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ કચ્છ જિલ્લો ગામડાઓથી વરેલો જિલ્લો છે. જિલ્લામાં ૭ શહેરો ઉપરાંત ૬૩૨ ગ્રામ પંચાયતો આવેલી છે. ઘણી ગ્રામ પંચાયતો સમૃદ્ધ અને હાઈટેક છે. પરંતુ ઘણા એવા અંતરિયાળ ગામડાઓ છે જ્યાં ઈન્ટરનેટની સુવિધા નથી. તો વાલીઓ પાસે એક્સ્ટ્રા સ્માર્ટ ફોન નથી કે જેઓ પોતાના બાળકોને ઓનલાઈન શિક્ષણ માટે મોબાઈલ આપી શકે. જેના કારણે ઘણા બાળકો ઓનલાઈન શિક્ષણથી વંચિત રહેતા હતા. જે વાત જિલ્લા શિક્ષણ તંંત્રના ધ્યાને આવી હતી.જેથી કચ્છનો એકપણ વિદ્યાર્થી શૈક્ષણિક કાર્યથી વંચિત ન રહી જાય એ માટે શેરી શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો છે.જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનદાસ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ૧૮૫ સરકારી શાળાઓ આવેલી છે. શહેરી વિસ્તારમાં વાલીઓ જાગૃત હોય અને તેમની પાસે મોબાઈલ કમ્પ્યુટર ઈન્ટરનેટની સુવિધા હોય છે. પરંતુ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ સુવિધા પુરતી ન હોય ત્યારે કચ્છના વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યથી વંચિત ન રહી જાય એ માટે સરકારી શાળાઓમાં આચાર્યોની ઓનલાઈન મિટિંગમાં શિક્ષણાધિકારી દ્વારા શેરી શિક્ષણમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાય એ માટે માર્ગદર્શન અપાયું હતું. જેથી હાલમાં અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં જેમની પાસે મોબાઈલ ફોન ન હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ૮-૧૦ વિદ્યાર્થીઓને ભેગા કરી શિક્ષક દ્વારા ગામના સાર્વજનિક હોલ, વાલીના ઘર, વાડી વિસ્તારમાં પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવે છે. આ દરમિયાન માસ્ક અને કોવિડના નિયમોની અમલવારી કરાવાયા છે. જિલ્લામાં ધો.૯થી ૧૨ સુધીના વર્ગોમાં અંદાજે દરરોજ ૮થી ૧૦ હજાર વિદ્યાર્થીઓ શેરી શિક્ષણમાં જોડાઈ રહ્યા છે. પ્રેક્ટિકલ શિક્ષણ આપવાના આ અભિયાનમાં ગામના સરપંચ, આગેવાનો અને વાલીઓ પણ વ્યવસ્થામાં સહકાર આપતા હોવાથી શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ પણ શિક્ષણના આ અભિગમને બિરદાવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વસંતભાઈ તેરૈયાએ જણાવ્યું કે, દસેય તાલુકામાં શેરી શિક્ષણ હાલમાં ચાલુ છે. મુખ્યત્વે ગામોને જો વાત કરીએ તો ભચાઉમાં શિકારપુર, કંથકોટ, જંગી, જનાણ, ગાંધીધામમાં ગણેશનગર, રાપરમાં બેલા, ફતેહગઢ, મઉડા, કાનમેર, બાલાસર, માંડવીમાં ફરાદી, રામ્પર વેકરા, ગોધરા, દહીંસરા, મુંદરામાં ભડલી, વવાર, અંજારમાં રતનાલ, નાડાપા, ચંદીયા, નવાગામ, ભુજમાં મોટા રેહા, મમુઆરા, મિસરીયાડો, મખણા, જવાહરનગર, રાયધણપર, મોટા વરનોરા, અબડાસામાં ડુમરા, હાજાપર, નખત્રાણામાં દેવિસર, મથલ તેમજ લખપત સહિત સમગ્ર જિલ્લામાં આવેલી મોટાભાગની તમામ સરકારી શાળાઓના શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.