• કોરોના કાળમાં પણ કચ્છમાં હત્યાની ઘટનાઓનો સિલસિલો થંભ્યો નહી

પૂર્વ કચ્છમાં ૧૬ મહિલા અને ૩૩ પુરૂષની હત્યાના બનાવમાં ૪પ મર્ડરના ગુના નોંધાયા : પશ્ચિમ કચ્છમાં ૬ મહિલા અને રર પુરૂષોની હત્યા શબબ ર૮ ગુના નોંધાયા

ભુજ : છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળ દરમિયાન પણ કચ્છમાં ગુનાખોરીનો ગ્રાફ નીચે આવ્યો નથી. ચોરી, લૂંટ, ચીટીંગ, મહિલા અત્યાચાર સહિત હત્યાની ઘટનાઓ પણ છાસવારે બનતી રહે છે. તેવામાં વર્ષ ર૦ર૦ અને ર૦ર૧માં અત્યાર સુધીમાં દોઢ વર્ષમાં કચ્છમાં હત્યાના ૬૩ ગુના નોંધાયા છે. જેમાં ૭૭ લોકોનું મોત નીપજ્યું છે.કોરોના કાળમાં પણ સરહદી કચ્છ જિલ્લામાં હત્યાની ઘટનાઓનો સિલસિલો થંભ્યો નથી. છેલ્લા દોઢ વર્ષમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ૭૭ લોકોની કરપીણ હત્યા નીપજાવાઈ છે. જે અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં જુદા જુદા પોલીસ મથકોમાં ૬૩ ગુના નોંધાયા છે. ‘‘જર, જમીન અને જોરૂ આ ત્રણેય કજીયાના છોરૂ’’ની કહેવત મુજબ મોટાભાગના બનાવોમાં આવા જ કારણોસર આવેશમાં આવી જઈને હત્યાની ઘટનાઓને અંજામ અપાયો હોવાનું પોલીસ દફતરેથી જાણવા મળ્યું છે. જોકે, હત્યા જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરાતી હોય છે. તેથી મોટાભાગના બનાવોમાં પોલીસે આરોપીઓની અટક કરીને ચાર્જશીટ ફાઈલ કરવા સહિતની કાર્યવાહીઓ સંપન્ન કરીને કેસોને કોર્ટના દ્વારે મોકલી આપ્યા છે. કોર્ટમાં પહોચેલા કેસોની સૂનાવણી ચાલતી રહે છે અને પોલીસ દ્વારા નવી બનતી ઘટનાઓની કાર્યવાહી કરી ફરીથી પૂરાવાઓ શોધી, આરોપીઓ ઝડપવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. વાત કરીએ કચ્છમાં બનેલી હત્યાની ઘટનાઓ વિશે તો પૂર્વ કચ્છમાં છેલ્લા દોઢ વર્ષમાં ૧૬ મહિલાઓ અને ૩૬ પુરૂષોની હત્યાના બનાવ બન્યા છે. જે અંગે ૪પ ગુના નોંધાયા છે. તો પશ્ચિમ કચ્છમાં ૬ મહિલા અને રર પુરૂષોની હત્યા થતા ૩૦રની કલમ તળે મર્ડરના ર૮ ગુના પોલીસ દફતરે ચડ્યા છે.પૂર્વ અને પશ્ચિમ કચ્છ બન્ને વિભાગોમાં સમીક્ષા કરીએ તો પશ્ચિમ કચ્છની તુલનાએ પૂર્વ કચ્છમાં હત્યાના ગુના વધુ બન્યા છે. હત્યાના બનાવોમાં કુલ ૭૭ના મોતમાં ૪૯ લોકોનું મૃત્યુ પૂર્વ કચ્છમાં થયું છે. જેમાં ૪પ ગુના નોંધાયા છે. કેટલાક કિસ્સાઓમાં ડબલ મર્ડર થતા એફઆઈઆર તો એક જ નોંધાય છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં ર૮ની હત્યાના બનાવમાં ર૮ ગુના પોલીસ ચોપડે ચડ્યા છે. આ દૃષ્ટીએ જોતા પશ્ચિમ કચ્છ કરતા પૂર્વ કચ્છમાં હત્યાના બનાવોનો ગ્રાફ લગભગ ડબલ કહી શકાય.