કચ્છમાં ત્રણ વર્ષમાં સેંકડો મોરના ટહુકા વિલાયા પણ વનતંત્રના ચોપડે શુન્ય મોત

આરટીઆઈ અંતર્ગત મંગાયેલી માહિતીમાં મુખ્ય વન સંરક્ષકે આપ્યો વિચિત્ર જવાબ : અવારનવાર અંજાર અને પશ્ચિમ કચ્છના પટ્ટામાં મોરના મોતની ઘટના લોકોની સમક્ષ હોવા છતાં મુખ્ય વન સંરક્ષકે કહ્યુંં ર૦૧૮ થી ર૧ સુધી કચ્છમાં કોઈ મોરના મોત થયા નથી

ભુજ : કચ્છ જિલ્લામાં સીમાડાના વિસ્તારોમાં હજારો પક્ષીઓનો વસવાટ છે. ગામડાઓ દરરોજ સવારે મોરના ટહુકાથી ગાજી ઉઠે છે, પરંતુ ઠેર ઠેર પવનચક્કીના થાંભલા લાગી ગયા છે, તો દૂર દૂર સુધી વીજ વાયરો ખેંચવામાં આવ્યા હોવાથી દરરોજ પક્ષીઓના મોતની ઘટના બનતી હોય છે. કચ્છમાં પણ પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા, લખપત, આ તરફ પૂર્વમાં અંજાર, ભચાઉ સહિતના વિસ્તારોમાં અવારનવાર વીજ કરંટ લાગવાથી રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની ઘટના બનતી હોય છે.વર્ષ પહેલાની જો વાત કરીએ તો બાંડીયારામાં પવનચક્કી હડફેટે મોરનું મોત થયા બાદ અદાણીએ મૃતદેહ ગાયબ કરી નાખ્યો હતો. માંડવીના નાગ્રેચાની સીમમાં પવનચક્કીની લાઈનને અડી જતા મોર – ઢેલના મોત થયા હતા. આ સહિતના તો હજારો બનાવો બની ગયા છે, પરંતુ આશ્ચર્ય વચ્ચે કચ્છ અને પાટણ વન વિભાગ જેઓના હસ્તક આવે છે તેવા મુખ્ય વન સંરક્ષક અનીતા કર્ણે વિવાદાસ્પદ જવાબ આપ્યો છે. અનીતા કર્ણે આરટીઆઈમાં એવો જવાબ આપ્યો કે, વર્ષ ર૦૧૮ થી ર૧ સુધી કચ્છમાં કોઈ મોરના મોત થયા નથી. લોક જન શક્તિ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સતાર માંજોઠીએ આ સંદર્ભેની વિગત માંગી હતી. જેમાં વર્ષ ર૦૧૮ થી ર૧ સુધી મોરના મોત, સ્ફાટની બદલી, નિવૃત કર્મચારીઓને ફરજ પર રાખવા સહિતની વિગતો આરટીઆઈ અંતર્ગત માંગવામાં આવી હતી. આશ્ચર્ય વચ્ચે મુખ્ય વન સંરક્ષકે કહ્યું કે, આ ત્રણ વર્ષમાં મોરના મોતની કોઈ ઘટના રેકર્ડ પર નોંધાઈ હોય તેવું જણાઈ આવતું નથી. તો અન્ય વિગતો સ્પષ્ટતાના અભાવે આપવાનું ઈન્કાર કરી દીધો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છના જંગલખાતામાં ભ્રષ્ટાચારીઓની બોલબાલા છે. કારણ કે, જે કર્મચારીઓ નિવૃત થઈ ગયા છે તેઓ પણ ઓર્ડર મેળવી કામ કરી રહ્યા છે. તો કારકુનોને એકાઉન્ટન્ટ તરીકે મરજી વાળી અને મલાઈ વાડી જગ્યાએ પોસ્ટીંગ આપવામાં આવી રહ્યું છે, જે માટે લાખ રૂપિયાનો વહીવટ કરવામાં આવે છે. પૂર્વ, પશ્ચિમ વિસ્તરણ અને મુખ્યવન સંરક્ષક વિભાગમાં પાંચ જેટલા કારકુનોએ એકાઉન્ટન્ટ તરીકે રૂપિયા ચુકવીને પ્રમોશન મેળવ્યું છે.