કચ્છમાં ત્રણ મહિલા સહિત ચાર લોકોએે ઝેરના કર્યા પારખા

ભચાઉના કણખોઈમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ પીધું ફીનાઈલ : ભચાઉના હિંમતપુરાની પરિણીતાએ એસીડ ગટગટાવતા સારવાર તળે : ભુજની પરિણીતા અને નખત્રાણાના ચાવડકાના યુવાને ઝેરી દવા પીધી

ભુજ : જિલ્લામાં ત્રણ મહિલા સહિત ચાર લોકોએ ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અસરગ્રસ્તોને જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હોવાનું વિવિધ પોલીસ મથકોમાંથી જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉ તાલુકાના કણખોઈ ગામની પરિણીતા વરજુબેન વિશનભાઈ જીવાભાઈ સામળીયાએ ફીનાઈલ પી જતા સારવાર માટે ખસેડાઈ છે. ભચાઉ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી બેનના ચારિત્ર્ય અંગે ખોટા વ્હેમ રાખી તેને શારીરીક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ અંગે ફરિયાદીએ ભચાઉ પોલીસ મથકે તેના પતિ વિશનભાઈ જીવાભાઈ સામળીયા અને લાલજીભાઈ જીવાભાઈ સામળીયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. તો ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેતી ર૩ વર્ષિય આશાબેન દિનેશભાઈ ગઢવી નામની પરિણીતાએ એસીડ ગટગટાવ્યું હતું. ભોગગ્રસ્તને તેના પતિ દિનેશ રામા ગઢવીએ સારવાર માટે ખસેડી હતી. ભચાઉ પોલીસ મથકે નોંધાવાયેલ જાણવા જોગ મુજબ ભોગગ્રસ્તના લગ્નને ચાર વર્ષનો સમયગાળો થયો છે. તેણે કોઈપણ કારણોસર એસીડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનનાર હાલ ભાનમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. જો કે તે બોલી શકતી નથી. આ તરફ જિલ્લા મથક ભુજમાં દરબારગઢમાં રહેતી ર૮ વર્ષિય પરીણીતા મુનાલીબેન જીતેન મકવાણાએ ઝેરી દવાના પારખા કર્યા હતા. ભોગગ્રસ્તને તેના પિતા અશ્વિનભારથી ગુસાઈએ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડી હતી.હોસ્પિટલ ચોકીએ કરાવાયેલી નોંધ મુજબ ભોગગ્રસ્તના લગ્નને બે વર્ષ થયા છે. સંતાનમાં એક બાળક છે અને તે સાસુ – સસરા સાથે રહેતી હોવાનું જણાવાયું હતું. જયારે નખત્રાણા તાલુકાના ચાવડકા ગામે રહેતા ર૦ વર્ષિય ગજુભા વિક્રમસિંહ વાઘેલા નામના યુવાને પણ ઝેરના પારખા કર્યા હતા. ભોગગ્રસ્તે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર માટે નખત્રાણા સીએચસીમાં ખસેડાયો હતો. જયાંથી વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

d