કચ્છમાં ત્રણ દાયકા બાદ જૈનોનું પ્રભુત્વ તૂટ્યું

આ વખતે કચ્છમાંથી એક પણ જૈન ધારાસભ્ય વિધાનસભામાં
નહીં બેસે : ગત વખતે કચ્છમાંથી બે જૈન ઉમેદવારોએ મેળવી હતી જીત : કચ્છથી મુંબઈ સુધી પડ્યા ઘેરા પ્રત્યાઘાતો

ભચાઉ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો કહી ખુશી કહી ગમ સમાન સાબીત થયા છે. કચ્છમાં પણ ચોકાવનારા પરિણામો આવ્યા છે ત્યારે ચૂંટણી પરિણામમાં જૈન ઉમેદવાર પરાજીત થતા કચ્છમાં ત્રણ દાયકા બાદ જૈનોનું પ્રભુત્વ તૂટ્યું છે.
આ અંગેની વિગતો મુજબ ૧૯૮પથી કચ્છના ચૂંટણી પરિણામોની વાતો કરીએ તો જિલ્લામાં દર વખતે એક જૈન ઉમેદવાર વિજયી બનતા રહ્યા છે. ભૂતકાળમાં ભુજમાંથી મોહનભાઈ શાહ, મુકેશભાઈ ઝવેરી, અબડાસામાંથી તારાચંદભાઈ છેડા, માંડવી જયકુમાર સંઘવી, રાપર બાબુભાઈ શાહ, ધીરૂભાઈ શાહ, પંકજ મહેતા વિજયી બની ચુકયા છે. ગત વખતે કચ્છમાંથી બે જૈન ઉમેદવારો વિધાનસભામાં પહોચ્યા હતા. આ વખતે પ્રથમ વખત કચ્છમાંથી જૈન ઉમેદવાર વિધાનસભામાં નહીં પહોંચે.
તો બીજીતરફ દસકાથી રમણભાઈ વોરાની હાર થતા ભુજ બેઠકના વિજેતા ડો. નિમાબેન આચાર્ય વિધાનસભા અધ્યક્ષ બને તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. તો અંજાર બેઠક પરથી વિજયી બનેલા વાસણભાઈ આહીરનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થઈ શકે તેમ છે.