કચ્છમાં તસ્કરોનો આતંક જારી : ભુજમાં ચોરીના વધુ ત્રણ બનાવો

પાલારા નજીક પેટ્રોલપંપમાંથી ૧૪ર૭ લિટર ડીઝલ ચોરાયું : ભુજમાં આરોગ્ય કર્મીના ઘરમાંથી ૩પ હજારની ચોરી : લાખોંદ પાસે ૪ દુકાનના તાળા તુટ્યા

ભુજ : કચ્છ જિલ્લામાં તસ્કરોનો આતંક જારી રહ્યો છે. તેમાં પણ ભુજ શહેર અને તાલુકો તસ્કરોની નજરે ચડી ગયો હોય તેમ ઉપરા છાપરી ચોરીના બનાવો બની રહ્યા છે. તે વચ્ચે વધુ ચોરીના ત્રણ કિસ્સા ચોપડે ચડ્યા છે. અગાઉની લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો નથી. ત્યાં ચીભડ ચોરીના બનાવો વધી ગયા છે.પાલારા ખાસ જેલ પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના હિરા પેટ્રોલ પમ્પમાંથી ૧.૩૯ લાખના ડીઝલની ચોરી થઈ હોવાનો બનાવ માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. મિરજાપરમાં રહેતા પેટ્રોલ પમ્પ માલિક લાલજીભાઈ હિરાણીએ પોલીસમાં જણાવ્યું કે, ૧ જુલાઈથી ૮ ઓગષ્ટ દરમિયાન પેટ્રોલ પમ્પમાંથી ૧૪ર૭ લિટર ડીઝલની અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતા. જે અંગે પીઆઈ વાય.એન. લેઉવાએ તપાસ હાથ ધરી છે.આ તરફ લાખોંદ ચાર રસ્તા પાસે બીએમસીબી કોલોનીના ગેટ પાસે આવેલ ગુરૂકૃપા કોમ્પલેક્ષમાં ચોરીનો બનાવ બન્યો હતો. દિપકભાઈ જયંતીલાલ પટેલે બે ચોર ઈસમો સામે પદ્ધર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. જે મુજબ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોની દુકાનોમાં પાછળની દિવાલની બારી વાટે પ્રવેશ કરી દુકાનોમાંથી રોકડા રૂપિયા ર૩,૮૦૦ અને પરચુરણ સરસમાન ૭ હજારનો મળી કુલ રૂપિયા ૩૦,૮૦૦ની મતા ચોરી હતી.
સીસી ટીવી કેમેરા બે બુકાનીધારી શખ્સો કેદ થયા હતા. તસ્કરોએ શોપિંગ મોલમાં જાનવી કલેકશન નામની શાંતિલાલ પટેલની દુકાનમાંથી કપડાની તો શૈલેષભાઈ રામજીભાઈ સુથારની રોનક મેન્સવેર નામની દુકાનમાંથી ૧૭૬૦૦ રોકડા અને કપડાની જયારે જીતેન્દ્રભાઈ સુથારની ટેલિકોમ દુકાનમાંથી પણ ચોરી થઈ હતી.આ તરફ ભુજમાં શહેરી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મિનાક્ષીબેન મનસુખભાઈ રામાવતના ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો. ફરિયાદી ભાવેશ્વરનગરમાં આવેલા અજાણી ટાવરમાં રહે છે. કોઈ ચોર શખ્સોએ ઘરમાં ઘુસી હોલમાં દિવાલમાં લગાવેલ સ્ટેન્ડમાં રાખેલ સરકારી સેમસંગ કંપનીનો મોબાઈલ તેમજ સેટી પર રાખેલ પર્સ ચોરી ગયા હતા. પર્સમાં બેંકનું એટીએમ સહિત રોકડા રૂપિયા રપ હજાર હતા. ૧૦ હજારનો મોબાઈલ અને રોકડ મળી ૩પ હજારની ચોરી થઈ હતી. મહત્વની બાબત એ છે કે ફરિયાદી તેની દિકરીને બપોરે ટયુશન મુકવા ગયા ત્યારે ઘરના દરવાજાને કડી મારી હતી. એ દરમિયાન ર૦ મિનિટમાં તસ્કરોએ ખુલ્લા ઘરમાં હાથ મારી મતા ચોરી હતી.

આડેસર પાસે રેલવેના ચોરાયેલા પાટાનો ભેદ ઉકેલાયો

રાપર : તાલુકાના લખપત રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ફાટક પાસે રેલવેના પાટા ચોરાયા હોવાની ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં આડેસર પોલીસે ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. ૩૮ હજારની કિંમતના લોખંંડના ૭ એંગલો અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા. જે બનાવને અંજામ આપનાર બાંભણસર ગામના ફારૂક નૂરમામદ સમેજા અને મોહસીન હારૂન સમેજાને આડેસર પોલીસે ઝડપી લીધા હતા. તેની સાથે આડેસરના અલ્તાફ આમદ સમેજા અને ઈશ્વરભાઈ છગનભાઈ લુહારની પણ અટકાયત કરાઈ હતી. આરોપીઓ પાસેથી ચોરાઉ એંગલ તેમજ ચોરીનો સમાન લઈ જવા માટે વપરાયેલી રિક્ષા પણ કબ્જે કરવામાં આવી છે.