કચ્છમાં તટસ્થ તપાસ થાય તો મોટા ભોપાળાઓ આવે બહાર : ‘પૂજારી’ઓેની જાહોજલાલીઓના ખુલે રહસ્ય

  • દેશની સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચુકાદાથી હડકંપ

જિલ્લામાં મોટા ભાગના મંદિરોની જમીન સહિતની મિલ્કતો વેચી ધાર્મિક સંસ્થાના આગેવાનોએ કરી લીધી છે રોકડી ન માત્ર સરકાર પરંતુ દાતાઓ તરફથી મંદિરોને અપાયેલી જમીન – મકાન સહિતની અસ્કયામતો કરી દેવામાં આવી છે સગેવગે : સત્તાર માંજોઠીએ માધાપરની ધાર્મિક જમીન મુદ્દે કચ્છ કલેકટરને તાજેતરમા જ રજુઆત કરી છે

ભુજ : કોઈપણ મંદિરના નામે રહેલી સંપત્તિનો માલિકીનો હક્ક મંદિરમાં રહેલ અધિષ્ઠાતા દેવનો જ હોય છે, પૂજારીનો નહીં. સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના એક મંદિરના એક કેસમાં અયોધ્યા વિવાદમાં આવેલા ઐતિહાસિક ચુકાદા પર પ્રકાશ પાડતા આ નિર્ણય આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદાને પગલે કચ્છના ‘પૂજારી’ઓેમાં હડકંપ ફેલાઈ ગયો છે. હાલમાં ભુજ નજીક માધાપરની જમીન મુદ્દે સત્તાર માજોઠી ધાર્મિક જમીન મુદ્દે કલેકટરને રજુઆત કરી છે ત્યારે સુપ્રિમ કોર્ટના આ નિર્ણયથી મહેસુલી તંત્રમાં ચાલતો લોલમંલોલ પણ ઉજાગર થાય તો નવાઈ પામવો જેવું નહી હોય.આ અંગેની વિગતો મુજબ મંદિરોમાં સેવા પુજા કરતા પુજારી સહિતના કર્તાહર્તાઓને આજીવીકાનો પ્રશ્ન સતાવે નહીં ઉપરાંત તેઓ પોતાના પરિવારજનોનું ભરણ પોષણ કરી શકે તે માટે મંદિરને જમીન સહિતની મિલ્કતો આપવામાં આવતી હોય છે. આવી મિલ્કતોનો કબજો – ભોગવટો પુજારી પાસે રહેતો હોય છે અને મિલ્કતમાંથી થતી આવકનો ઉપયોગ તેઓ કરતા હોય છે. કચ્છ જિલ્લામાં પણ મંદિરોને સરકાર તેમજ દાતાઓ તરફથી જમીન સહિતની મિલકતો આપવામાં આવી છે.જો કે, જિલ્લામાં ફુંકાયેલ વિકાસની આંધીને પગલે જમીન મિલ્કતોની કિંમતમાં એકાએક તેજી આવતા મંદિરોને અપાયેલી મિલકતોનું પણ મોટા પ્રમાણમાં વેચસાટ કરી મંદિરોના કર્તાહર્તાઓએ રોકડી કરી લીધી છે. હકિકતમાં તો મંદિરોને અપાયેલ મિલકતો પૂજારી તેમજ મંદિરની સેવા ચાકરી કરતા લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી આપવામાં આવે છે તે મિલકત વેચી રોકડી કરી લેવા માટે અપાતી નથી. પરંતુ મંદિરના પૂજારીઓ આવી મિલકતોના પોતે ધણી હોય તેવું વર્તન કરી મિલકતોને ઉંચી કિંમતોએ ફુંકી મારે છે.
જિલ્લામાં રાજાશાહી સમયના તેમજ ઐતિહાસિક અનેક મંદિરો આવેલા છે, જેમના નામે ભૂતકાળમાં સારી એવી મિલકતો આવેલી હતી. તે પૈકીના મોટા ભાગના મંદિરોમાં પુજારી, મંદિરની સંચાલક કમિટીમાં રહેલા આગેવાનો, જાગીરોમાં બની બેઠેલા ગાદી પતિઓ, રાજકારણીઓએ આવી જમીનો વેચીને અન્ય ધંધાઓમાં નાણાનું રોકાણ કર્યું છે. તો કેટલાક મહાશયો એવા પણ છે કે, જેઓ મંદિરની જમીનોમાં થતી આવકનો ઉપયોગ અંગત ફાયદા માટે કરે છે અને મંદિરના સંચાલન માટે દાતાઓ પાસેથી દાન ઉઘરાવતા નજરે પડે છે.આ બધું ઓછું હોય તેમ ધાર્મિક સંસ્થાના નામે ટ્રસ્ટો બનાવી તેમાં આવતી દાનની રકમ પણ મંદિરના વિકાસના બદલે પોતાની પ્રોપર્ટીઓના વિસ્તાર માટે કરતા હોય છે. જો કે, દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા ઐતિહાસિક ચુકાદા બાદ કચ્છમાં મંદિરો સહિતની ધાર્મિક સંસ્થાઓના નામે જમીન સહિતની મિલકતો વેચી નાખનારાઓમાં હડકંપ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવેલ છે કે, પુજારી અને મેનેજમેન્ટ કમિટી ફક્ત સેવક છે, માલિક નહીં. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવતા રેવેન્યુ રેકર્ડમાંથી પૂજારીઓના નામ હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, કાનુની વ્યક્તિ તરીકે દેવતાની માન્યતા કાયદેસર છે, તેથી પુજારીઓના નામની જગ્યાએ જમીન માલિક તરીકે દેવતાનું નામ જમીન મહેસુલી રેકર્ડમાં રહેશે.અત્રે અહીં નોંધવું રહે કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના એક મંદિરના કેસમાં આપેલા ચુકાદામાં અયોધ્યા વિવાદના ચુકાદાનું વર્ણન કર્યું હતું. અયોધ્યા અંગેના ઐતિહાસિક ચુકામાં પ્રભુ શ્રી રામને મંદિરના માલિક દર્શાવાયા હતા. ત્યારે દેશના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ અનેક પૌરાણિક મંદિરોના નામે ભૂતકાળમાં ખેતીની જમીન સહિતની મિલ્કતો આવેલી હતી, પરંતુ વર્તમાને મોટા ભાગની મિલકતોની વેચસાટ થવાની સાથોસાથ કેટલીક મિલ્કતો પર અન્યોનો કબજો – ભોગવટો પણ થઈ ગયો છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદા બાદ કચ્છમાં મંદિરોના નામે રહેલી મિલકતોની તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટા ભોપાળાઓ બહાર આવવાની સાથોસાથ બની બેઠેલા ‘પૂજારી’ઓની જાહોજલાલીઓ પણ ખુલવા પામે તેમ છે. કચ્છની જાગીર શાખામાં આવી અનેક જગ્યાઓનું પણ વેચસાટ થયું હોવાની વાત પણ બહાર આવી રહી છે. તો હવે જેવાનો એ રહે છે કે આ મિલ્કતનું કચ્છ જિલ્લાનો વહીવટી તંત્ર તપાસ કરાવે છે કે નહિ.