કચ્છમાં ડંખીલો ઠાર યથાવત : નલિયામાં તાપમાનનો પારો ર.ર ડિગ્રી ગગડ્યો

ભુજ ઃ અરબી સમુદ્રમાં ઉદભવેલું ઓખી વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયા પછી તેનું ભલે વિસર્જન થઈ ગયું છે. પરંતુ તેના લીધે શરૂ થયેલા સુસવાટા મારતા પવને રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ ડંખીલો ઠાર પ્રસરાવી દીધો છે. નલિયામાં ચોવીસ કલાકમાં તાપમાનમાં ર.ર ડિગ્રીનો ઘટાડો નોંધાતા ૧૦.૪ ડિગ્રી સાથે ફરી રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું. કચ્છ જિલ્લામાં ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થવા પામ્યો છે. ઓખીની અસર કચ્છના વાતાવરણમાં પૂરેપૂરી વર્તાઈ રહી છે. લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચો ઉતરી રહ્યો હોઈ જિલ્લાભરમાં ટાઢોડું છવાઈ ગયું છે. કચ્છના કાશ્મીર એવા નલિયામાં ચોવીસ કલાકમાં તાપમાનનો પારો ર.ર ડિગ્રી નીચે ઉતરી જતા ઠારના લીધે નલિયાવાસીઓ રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા. લઘુત્તમ તાપમાનનો પારો નલિયામાં આજે ૧૦.૪ ડિગ્રીએ પહોંચતા ફરી રાજ્યનું પ્રથમ નંબરનું ઠંડુ મથક બન્યું હતું. તો જિલ્લા મથક ભુજ મધ્યે લઘુત્તમ તાપમાનનો પારો ૧ર.૪ ડિગ્રીએ પહોંચતા રાજ્યમાં બીજા નંબરનું ઠંડુ મથક બન્યું હતું. તો કંડલા એરપોર્ટ ખાતે ૧૩.૭ ડિગ્રી જ્યારે ન્યુ કંડલા મધ્યે ૧પ.ર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જિલ્લાભરમાં આજે પણ વાદળછાયું વાતાવરણ રહેતા સૂર્યનાયરાણના દર્શન દુર્લભ બન્યા હતા. પવનની ગતિ વધુ રહેવાના લીધે ડંખીલા ઠારે કચ્છીઓને રીતસરના બાનમાં લીધા હતા. તો આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ નીચો ઉતરવાની શકયતાઓ વ્યકત કરાઈ રહી છે.