કચ્છમાં ઠંડીનું જોર યથાવત : નલિયા ૬.૬ ડિગ્રી

પવનની ઝડપ વધતા લોકો ઠુંઠવાયા : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીની પકડ બની મજબુત

 

ભુજ : કચ્છમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનું જોર યથાવત છે. પવનની ઝડપ વધવાના કારણે લોકો ઠુંઠવાયા છે. નલિયામાં આજે તાપમાનનો પારો ૬.૬ ડિગ્રી પર સ્થિર થયો હતો. ઠંડીની મજબુત બનેલી પકડના લીધે કચ્છભરમાં જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું છે.
જમ્મુ-કાશ્મીર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં થઈ રહેલી બરફ વર્ષા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે જિલ્લાભરમાં ટાઢોડું છવાઈ જવા પામ્યું છે. તાપમાનનો પારો નીચે ગગડી ગયો હોઈ ઠંડીનું સામ્રાજ્ય મજબુત બન્યું છે. તેમાં પણ ખાસ કરીને નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો સીંગલ ડિઝીટમાં પહોંચી ગયો હોઈ કોલ્ડવેવ સમાન સ્થિતિ સર્જાવા પામી છે. કચ્છના કાશ્મીરમાં આજે લઘુત્તમ તાપમાન ૬.૬ ડિગ્રી પર સ્થિર થયો હતો. કચ્છનું આ મથક આજે પણ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. પાછલા થોડા દિવસોથી મજબુતાઈથી પકડ જમાવેલ ઠંડીની તીવ્રતા દિનપ્રતિદિન વધતી જઈ રહી છે જેના લીધે જનજીવન પણ પ્રભાવીત થવા પામ્યું છે. નલિયામાં ગાત્રો અનુભવાઈ રહેલી ઠંડીના લીધે માર્ગો પર પણ સ્વયંભૂ કફર્યું જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નલિયા ઉપરાંત જિલ્લાભરમાં ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. કંડલા એરપોર્ટ મધ્યે ૧૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેના લીધે આદિપુર, ગાંધીધામ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ટાઢોડું પ્રસરી જવા પામ્યું હતું. તો ન્યુ કંડલા મધ્યે ૧૧.૬ અને જિલ્લા મથક ભુજ મધ્યે ૧૧.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઠંડીની પકડ જોતા આગામી થોડા દિવસો સુધી તાપમાનનો પારો નીચે રહે તેવી સંભાવના છે.