કચ્છમાં ઠંડીની પકડ બની ઢીલી : નલિયા ૧૪.૪ ડિગ્રી

પવનની ઝડપ ઘટતા તાપમાન ઉંચકાયું : લાંબા સમય બાદ ઠંડી ઘટતા કચ્છીજનોએ મેળવી રાહત

ભુજ : જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં થઈ રહેલી બરફ વર્ષાની અસર કચ્છમાં પણ વર્તાવવાની શરૂ થતા સમગ્ર જિલ્લામાં ગાત્રો ગાળતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે પાછલા બે દિવસથી પવનની ગતિમાં આવેલ ઘટાડાના લીધે ઠંડીનું જોર પણ હળવું થયું છે. કચ્છમાં ઠંડીની પકડ ઢીલી બનતા સર્વત્ર તાપમાન ઉચકાયું છે. લાંબા સમય બાદ ઠંડી ઘટતા કચ્છીજનોએ પણ રાહત મેળવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ ઉત્તર ભારતના રાજ્યોમાં થઈ રહેલ અવિરત બરફ વર્ષાના પગલે કચ્છમાં પણ બર્ફીલા વાયરાઓનું સામ્રાજ્ય સર્જાઈ જવા પામ્યું હતું. જિલ્લાભરમાં તાપમાનનો પારો તળીયે બેસતા હાડ થીજવતી ઠંડીના લીધે જનજીવન પણ ખોરંભે ચડી ગયું હતું. જોકે પાછલા બે દિવસથી પવનની ઝડપ ઘટતા તાપમાન પણ ઉચકાયું છે તેના લીધે ઠંડીની પકડ ઢીલી બની છે. કચ્છના કાશ્મીર એવા નલિયામાં લાંબા સમય બાદ લઘુત્તમ તાપમાનનો પારો ૧૪.૪ ડિગ્રી જેટલો ઉંચો નોંધાયો હતો. તો બીજી તરફ જિલ્લા મથક ભુજ મધ્યે ૧પ.૯ ડિગ્રી, કંડલા એરપોર્ટ મધ્યે ૧૭.પ ડિગ્રી તેમજ ન્યુ કંડલા મધ્યે ૧૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કચ્છભરમાં તાપમાન ઉંચકાતા ઠંડીમાંથી કચ્છીજનોને રાહત મળી છે.