કચ્છમાં ટ્રાન્સપોર્ટ ભાડામાં ૬ ટકાનો વધારો

કંડલા- મુંદરા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસો. દ્વારા લેવાયો નિર્ણય : સહકાર ન આપનાર પાર્ટી અને ટ્રાન્સપોર્ટ સભ્યોનો ધંધાકીય બહિષ્કાર કરવાનું આહવાન
ભુજ : આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના પ્રતિ બેરલ ભાવમાં કુદકેને ભૂસકે થઈ રહેલા વધારામાં પગલે સ્થાનિકે પણ પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂા. ૬૮ સુધી પહોંચી જતાં ટ્રાન્સપોર્ટરોની સ્થિતિ પણ કથળી જવા પામી છે. ત્યારે ટ્રાન્સપોર્ટરોને ટકી રહેવા આર્થિક નુસકાની ઘટે તે માટે કચ્છમાં ટ્રાન્સપોર્ટ ભાડામાં તાત્કાલિક અમલથી ૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કંડલા- મુંદરા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની મળેલી બેઠકમાં જણાવ્યું હતુ કે, ઈંધણની કિંમતમાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ડિઝલની કિંમત પ્રતિ લિટર રૂા. ૬૮ સુધી પહોંચી ગઈ છે બીજીતરફ સ્પેર પાર્ટ, ટાયર, વિમા પ્રિમિયમ, રોડ ટેકસમાં પણ ર૦ ટકા જેટલો ભાવ વધારો થયો હોઈ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ગંભીર અસરો પડી રહી છે. જેથી ટ્રાન્સપોર્ટરોને રાહત મળે તેમજ વધુ આર્થિક ફટકો સહન ન કરવો પડે તે માટે ટ્રાન્સપોર્ટ ભાડામાં તાત્કાલિક અમલથી ૬ ટકાના વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત આ ભાવ વધારામાં સહકાર ન આપનાર પાર્ટી અને ટ્રાન્સપોર્ટ સભ્યનો ધંધાકીય સંપૂર્ણ બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવેલ છે તેવું જયેશ રાજદેની યાદીમાં
જણાવાયું છે.