કચ્છમાં ચોમાસાની સિઝન જામી : ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ

બફારા વચ્ચે માંડવી શહેરમાં વરસાદ પડતાં બજારોમાંથી પાણી વહી નિકળ્યા : છેવાડાના અબડાસા અને લખપત તાલુકામાં પણ છુટા છવાયા ઝાપટા પડ્યા : જિલ્લામાં સૂર્યદેવતાની સંતાકુકડી વચ્ચે હળવાથી મધ્યમ વરસાદથી એકથી દોઢ ઈંચ પાણી વરસ્યું

ભુજ : અષાઢી બીજથી કચ્છમાં વરસાદી માહોલ શરૂ થયો છે. આજે પણ સવારથી વરસાદ જિલ્લામાં જોવા મળ્યો છે. છેવાડાના અબડાસા અને લખપત તાલુકામાં છાંટા રૂપે વરસાદ પડ્યો હતો. તો માંડવીમાં અસહય ગરમી વચ્ચે વરસાદ પડતાં શેરીઓમાંથી પાણી વહી નિકળ્યા હતા. તો અન્યત્ર તાલુકાઓમાં વરસાદની ઈત્તેજારી જોવામાં આવી હતી.
બંદરીય શહેર માંડવીમાં ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે આજે સવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે માંડવીની શેરીઓમાં પાણી ભરાઈ જતાં બાળકો ન્હાવા માટે નિકળી પડ્યા હતા. વરસાદ બાદ માંડવીની બજારોમાં જોશ ભેર પાણી વહી નિકળ્યા હતા.પશ્ચિમ ક્ચ્છના છેવાડાના અબડાસા તાલુકામાં મેઘરાજા સંતાકુકડી રમતા હોય તેમ ગાજવીજ સાથે વરસાદ ચાલુ થાય છે પણ અડધા કલાકની અંદર જ વરસાદ બંધ જતો હોઈ અબડાસાવાસીઓ ચાતક નજરે નભ ભણી મીટ માંડી રહ્યા છે. અબડાસામાં ગઈકાલે બપોરે અને સાંજે સણોસરાથી લઈ નલીયા વાયોર સુધીના પટ્ટામાં વરસાદ જોશભેર ચાલુ થયો હતો અને માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, પરંતુ લોકો ભજીયા બનાવવાની શરૂઆત કરે તે પહેલા જ મેઘરાજાએ સંતાકુકડી રમી પંદરથી વીસ મીનીટમાં વરસાદ બંધ થઈ ગયો હતો.રાત્રે પણ તેજ પરિસ્થિતિ રહી હતી.રાતાતળાવ, મોથાળા, ભવાનીપર, બિટ્ટા, તેરા, ભાચુંડા, નલીયા, હોથીવાંઢ, ભાનાડા, પરજાઉ સહિતના વિસ્તારોમાં મધ્યમ ઝાપટા અડધા કલાક સુધી રહ્યા હતા અને અડધો ઈંચ જેવા વરસાદનું અનુમાન છે.કોઠારા, વરાડીયા, સાંધાણ, સુથરી, ડુમરા, હાજાપર, નુંધાતડ, વિંઝાણ, સિંધોડી, પિંગલેશ્વર, લાલા, જખૌ સહિતના દરિયા નજીકના વિસ્તારોમાં પણ એકાદ ઈંચ હોવાનું માજી ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરાએ જણાવ્યું હતું.
અગાઉના દિવસે ગરડા વિસ્તારના વાયોર નજીક આવેલ ભોઆમાં દેવુભા ચાવડાના મકાન પર વિજળી ત્રાટકતા નળીયા સહિતનો ભાગ તુટી ગયો હતો.વાયોર, વાગોઠ, ચરોપડી, બેર, ભોઆ, ફુલાય, ઐડા, ગોયલા, મોખરા, જંગડીયા સહિતના વિસ્તારમાં સાજે ગાજવીજ સાથે પંદર મીનીટ વરસાદી ઝાપટા હોવાનું વાયોરના અગ્રણી નારૂભા કે.જાડેજાએ જણાવ્યું હતું.સુજાપરથી તખુભા જાડેજાના જણાવ્યા મુજબ સુજાપર, નરાનગર, વાધાપધ્ધર સહિતના વિસ્તારમાં વાવણીલાયક વરસાદ ગઈકાલે થતા ખેડુતો વાવણીની તૈયારીમાં લાગવા સાથે ખુશીનો માહોલ છે. ખાનાય, વમોટી નાની-મોટી, બાલાપર-બુડધ્રો સહિતના વિસ્તારમાં એકાદ ઈંચ વરસાદ થયો હોવાનું મહેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા – વમોટીવાલાએ જણાવ્યું હતું.લખપતની વાત કરીએ તો આજે પણ વરસાદ યથાવત રહ્યો હતો. ગત મોડી સાંજે તાલુકાના પાન્ધ્રો, વર્માનગર, ઘડુલી, મીઢીયારી, ફુલરા, કોરિયાણી, કપુરાશી, નવાનગર સહિતના વિસ્તારોમાં અંદાજે એકાદ ઈંચ જેટલો વરસાદ પડી જતાં શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. આજે સવારે પણ ઝાપટા પડ્યા હતા. નખત્રાણામાં પણ ગઈકાલે રવાપર, નાના- મોટા ધાવડા, અંગિયા, ચાવડકા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની હાજરી રહી હતી. રવિવાર સુધી જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું હોવાથી અસહય બફારો અને પવનની ગતિ નહીવત છે. આ માહોલ ચોમાસા માટે યોગ્ય હોવાથી રવિવાર સુધી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.દરમિયાન ભુજ તાલુકાના પટેલ ચોવીસી તેમજ કુકમા, કોટડા ચકાર, જાંબુડી, થરાવડા, વરલી, રેહા, હરૂડી, હાજાપર, પાવરપટ્ટીના સુમરાસર, કુનરિયા, ધ્રંગ, લોડાઈ, નોખાણિયા, ઢોરી, બન્ની પચ્છમના છેવાડાના ગામોમાં વરસાદે વિરામ લીધો હોવાથી આજે વરસાદના કોઈ વાવડ નથી. નખત્રાણાના ગામોમાં પણ આજે સવારે આકાશ કોરૂં રહ્યું હતું. જો કે અતિશ્ય ઉકળાટથી જનજીવન ત્રસ્ત બન્યું છે.

૧ ઈંચ વરસાદમાં નલિયા પીજીવીસીએલ દ્વારા રપ વખત પાવર કટ

નલિયા : ગઈકાલે નલીયા સહિતના વિસ્તારોમાં ૧ ઈંચ વરસાદે સ્થાનિક પીજીવીસીએલની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હોય તેમ રપ વખત પાવર કટ થયો હતો.હેવી લાઈટનીંગ એટલે કે વિજળીના લીધે પાવર બંધ કરાય તે સલામતી માટે હોય પણ ગઈકાલે વિજળી વગરનો શાંત વરસાદ હોવા છતા નલીયા ટાઉન વિસ્તારમાં પાવર કટ પાંચ-પાંચ મીનીટે થતા નાગરીકો ત્રાહિમામ પોકારવા સાથે પીજીવીસીએલ તંત્રને કોઈ પુછનાર અબડાસામાં છે કે નહી ? તેવા સવાલો કર્યા હતા.રાત્રીના પાવર બંધ થયા બાદ સવારે બે કલાક ફોલ્ટ ન મળતા પાવર નલીયામાં બંધ કરી દેવાયો હતો.નલીયા સબ ડીવીઝનની અંદર ૮૦ થી વધુ ગામડા આવે છે પણ હાલ તેનો હવાલો બિન અનુભવી એવા જુનિયર ઈનજેરને ચાર્જ આપી દેવાતા સમસ્યા સુધરવાના બદલે વકરી છે.આ ઈજનેરને વીજ ચોરીની ખાનગી માહીતી જાગૃત નાગરીક દ્વારા અપાઈ ત્યારે તેમણે તેના પર પગલા લેવાના બદલે વીજીલન્સની ટીમો આવે ત્યારે પગલા લઈ શકાય તેવી સુફીયાણી વાતો કરી હતી.તો હવે અબડાસામાં એક વખત વીજીલન્સની ટીમો મોકલી તપાસ કરાય તો મટેરીયલના કોન્ટ્રાક્ટરના અનેક ગોટાળા અને લાઈનમેનો દ્વારા ઉઘરાવાતા હપ્તાનો પણ પર્દાફાશ થાય.જીલ્લાના અધિકારીઓ દ્વારા ભુજથી એસી ચેમ્બરમાં બેસી આટલો મોટા વિસ્તારનો વીજ વહીવટ સંભાળતા સબ ડીવીઝનમાં કાયમી અધિકારી નિમવાના બદલે ઈન્ચાર્જના ભરોસે વહીવટ ચાલતો હોઈ ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.જીલ્લાના અધિકારીઓ એક વખત અબડાસાની મુલાકાત લઈ સ્થાનિક પરિસ્થિતિનું નીરીક્ષણ કરે તો જનતાની હાડમારીઓથી અવગત થાય તેમ હોઈ સતત સક્રિય ધારાસભ્ય પણ નલીયાની વિજ સમસ્યા હલ કરવા રસ લે તે પણ જરૂરી બન્યું છે.

કાદવ કીચડની વચ્ચે પેટા આરોગ્ય કેન્દ્ર… આમાં જવું કેમ ?

પાનધ્રો : લખપત તાલુકાના પાનધ્રો ખાતે એકતાનગરમાં પેટા આરોગ્ય કેન્દ્રની બિલ્ડિંગ તાજેતરમાં નવી બનાવવામાં આવી છે. પરંતુ કેન્દ્રની આસપાસ પાકા રસ્તા ન હોવાથી વરસાદના કારણે આસપાસ કીચડ જોવા મળતાં અહીંના રહેવાસીઓ અને આરોગ્ય વિભાગના સ્ટાફને પેટા આરોગ્ય કેન્દ્રમાં જવું હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદી પાણી ભરાઈ જતાં વેક્સિન લેવા આવતા લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે. અવાર નવાર આ મુદ્દે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરાઈ છે, છતાં કોઈ પગલાં લેવાયા નથી. દવાખાનાની બહાર આવી ગંદકીથી બિમારી ફેલાવાનો ભય વ્યક્ત કરાયો છે. કાદવ કીચડમાં દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.