કચ્છમાં ઘોરાડ નાબુદ, હવે માત્ર તસવીરોમાં જ જોવા મળશે

જખૌ સમીપે ઘોરાડના સંવર્ધન માટે અભયારણ્ય તેમજ વર્ષે લાખોનો ખર્ચો કરવા છતાં વનતંત્રના પાપે ઘોરાડ કચ્છમાં ઉડી ગયા : રાજસ્થાનથી ઘોરાડ લાવી કચ્છમાં જન સંખ્યા વધારવાનો મુદ્દો પણ રહ્યો હવામાં : હવે ઘોરાડનું અભયારણ્ય પક્ષી વિહોણું

ભુજ : ગ્રેટ ઈન્ડિયન બર્સ્ટડ તરીકે જે પક્ષીને ઓળખવામાં આવે છે, તે ઘોરાડ દેશમાં માત્ર રાજસ્થાન અને ગુજરાતના કચ્છમાં જોવા મળે છે, જો કે છેલ્લા કેટલાક સમયથી ઘોરાડની પનોતી બેઠી હોય તેમ તેની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કચ્છની જો વાત કરીએ તો નલિયા સ્થિત ઘોરાડ અભયારણ્યમાં ઘોરાડના સવર્ધન માટે લાખોનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ આજની સ્થિતિએ એક પણ ઘોરાડ આ અભયારણ્યમાં જોવા મળતાં નથી. વન તંત્રના અધિકારીઓની લાપરવાહીથી ઘોરાડ કચ્છમાંથી ઉડી ગયા, જેથી હવે આ જિલ્લામાં અભયારણ્ય હોવા છતાં માત્ર તસવીરોમાં જ હવે ઘોરાડ જોવા મળશે. આ અંગેની વિગતો મુજબ રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે હાલમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં પ્રશ્નો પુછયા હતા. કે કચ્છના ઘોરાડ અભયારણ્યમાં કેટલા ઘોરાડ છે, પવનચક્કી અને વીજ લાઈનથી કેટલા ઘોરાડના મોત થયા છે, ત્યારે પર્યાવરણ વન વિભાગના મિનિસ્ટર ઓફ સ્ટેટ અશ્વિનીકુમાર ચોબેએ લેખિતમાં માહિતી આપતા જણાવ્યું કે, ૧ જાન્યુઆરી ર૦ર૧ની સ્થિતિએ કચ્છમાં એક પણ ઘોરાડ નથી, જેથી બાકીના પ્રશ્નો અનુત્તરથઈ ગયા છે. નોંધનીય છે કે ભૂતકાળમાં પણ ઘોરાડ અભયારણ્યમાં પવનચક્કીની વીજલાઈનો, વીજપોલ પસાર કરવાની પેરવી થતાં ભારે વિવાદ થયા હતા. એક માત્ર નર ઘોરાડ પણ પાકિસ્તાન ઉડી ગયું હતું, જેથી કચ્છમાં ઘોરાડની વસતી વધારવા રાજસ્થાનથી ઘોરાડ લાવવાની વાતો થઈ હતી. પરંતુ આ તમામ વાતો ઘોરાડની જેમ ઉડી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં પવન ચક્કીના આગમન બાદ મોર સહિત ઘોરાડ સહિતના પક્ષીઓના જીવન મુશ્કેલીમાં મુકાયા હતા. અભ્યારણના કારણે વીજ લાઈનો જમીનમાં નાખવાનું સર્વે પણ આરંભ કરવામાં આવ્યો છે. ત્યારે એક તરફ ઘોરાડ તસ્વીરમાં નજરે પડશે તો તેના અભ્યારણ નામશેશ થઈ જશે આ પરિસ્થિતિ જંગલ ખાતાની બેદરકારીના કારણે સર્જાઈ છે.