કચ્છમાં ઘાતક બ્લુ વ્હેલ ગેમની એન્ટ્રી : મુંદરાની છાત્રા સપડાઈ બ્લુ વ્હેલના સકંજામાં : વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો

વાહલસોયા બાળકો દ્વારા મોબાઈલના થતા ઉપયોગ પર વાલીઓ દ્વારા નજર રાખવી બની હિતાવહ : મુંદરાની અંગ્રેજી માધ્યમની  ખાનગી શાળાની ધોરણ-૧૦ની છાત્રા બની શિકાર : વિદ્યાર્થિનીના ભાવીને ધ્યાને લઈ પોલીસ દ્વારા વિગતો રખાઈ ગોપનીય

મુંદરા : સમગ્ર વિશ્વ તેમજ ભારતમાં ચકચાર મચાવનાર બ્લુ વ્હેલ ગેમની એન્ટ્રી કચ્છમાં પણ થઈ છે. મુંદરાની સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં એક વિદ્યાર્થીની બ્લુ વ્હેલ ગેમ રમતી વખતે ઝડપાઈ ગઈ હતી. પ્રતિબંધિત એવી બ્લુ વ્હેલ ગેમ અનેક લોકોનો ભોગ લઈ ચુકી છે. ગુજરાતમાં પણ ૩ લોકોએ બ્લુ વ્હેલ ગેમ રમ્યા બાદ આત્મ હત્યા કરી લીધી હતી. ત્યારે મુંદરાની સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં  પંજાબી પરિવારની એક વિદ્યાર્થીની સ્કુલમાં બ્લુ વ્હેલ ગેમ રમી રહી હોવાની જાણ  પ્રિન્સીપાલને થઈ હતી. અને ત્યાર બાદ  પ્રિન્સીપાલે પરિવાર અને  પોલીસનો સંપર્ક કર્યો હતો.  પંજાબી પરિવારની દિકરાના હાથ પર બ્લુ વ્હેલ ગેમના નિશાન પણ જોવા મળ્યા છે. ભારત સરકાર દ્વારા આ ગેમ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તેમ છતા પણ બ્લુ વ્હેલ ગેમની લિંક શેર થઈ રહી છે. અને એ જ રીતે મુંદરાની એક વિદ્યાર્થીનીને લિંક મળ્યા બાદ બ્લુ વ્હેલ ગેમમાં ફસાઈ હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર
પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ખાનગી શાળા ખાતે પહોંચી હતી. વિદ્યાર્થીની ભાવિને ધ્યાનમાં રાખીને પોલીસે તમામ વિગતો ગોપનિય રાખી છે. સગીર વયની વિદ્યાર્થીની બ્લુ વ્હેલ ગેમ રમવાની આદિ થઈ ગઈ હતી. અને છેલ્લા સ્ટેજમાં પહોંચે તે પહેલા જ લોકોને જાણ થઈ જતા તે ગેમમાંથી હાલ બહાર નિકળી ચુકી છે.  પરંતુ વિદ્યાર્થીનીને મનોચિકિત્સક પાસે સારવાર આપવામાં આવશે. જેથી બ્લુ વ્હેલ ગેમ દ્વારા થયેલ માઈન્ડ વોશને નષ્ટ કરી શકાય. આ અંગે મુંદરાની સેન્ટ ઝેવિયર્સના પ્રિન્સીપાલ જોર્જનો સંપર્ક સાંધતા તેમણે ઘટનાને સમર્થન આપ્યું હતું. અને આવી ઘટના બપોરના સમયે સ્કુલમાં બની હોવાની વાત સ્વીકારી હતી. સ્કુલની સાવચેતીના કારણે બ્લુ વ્હેલ ગેમમાં સપડાયેલી એક વિદ્યાર્થીનીને બહાર કાઢવામાં સફળતા મળી છે. પરંતુ આ લિંક વિદ્યાર્થીની પાસે કઈ રીતે  પહોંચી તે અંગે પણ પોલીસ તપાસ ચલાવશે. પરંતુ મુંદરા  પોલીસનો સંપર્ક સાધતા તેમણે આ ઘટનાને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. આગામી સમયમાં જો પોલીસ દ્વારા યોગ્ય
પુછપરછ કરવામાં આવે તો આ વિદ્યાર્થીનીએ અન્ય કોઈ સ્ટુડેન્ટને કે મિત્રોને લિંક શેર કરી છે કે કેમ તે સ્પષ્ટ થઈ શકશે. અને અન્ય લોકો પણ આ ગેમનો શિકાર નથી બની રહ્યા ને તે જાણી શકાશે. પરંતુ કચ્છમાં આ બ્લુ વ્હેલ ગેમની પ્રથમ ઘટના બહાર આવતા  પોલીસ પણ સતર્ક બની છે. અને વાલીઓને સાવચેતીના પગલા લેવા આહવાન કર્યું છે.