કચ્છમાં ગુણવત્તાલક્ષી શિક્ષણને અપાશે પ્રાધાન્ય : સંજય પરમાર

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંભાળ્યો ચાર્જ : ગુટલીબાજ શિક્ષકો પર તવાહી બોલાવવાનો વ્યક્ત કર્યો ઉદગાર : આઈટીના ઉપયોગથી પ્રાથમિક શિક્ષણને બનાવાશે આધુનિક

 

ભુજ : પાછલા લાંબા સમયથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ ઈન્ચાર્જના હવાલે હતો. જે બાદ હાલમાં જ ફેબ્રુઆરી માસના પ્રારંભે કચ્છને નવા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે સંજય પરમાર મળતા તેઓએ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. તેમજ ગુણવત્તાલક્ષી શિક્ષણને પ્રાધાન્ય આપવાનો ઉદ્દગાર વ્યક્ત કર્યો હતો.
મદદનીશ નિયામક કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર મધ્યેથી કલાસ વન અધિકારી તરીકે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. ત્યારે આજે તેઓએ ચાર્જ સંભાળ્યા બાદ જણાવ્યું હતુ કે, પાછલા ર૦ વર્ષથી શિક્ષણ તેમજ વહીવટનો અનુભવ છે.
ર૦૦૯માં ગાંધીનગર ખાતે ટીપીઓ તરીકે કાર્યરત હતા. ત્યારે પ્રથમ વખત કલાસ- વન અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે જયાં સુધી કચ્છમાં ફરજ બજાવાશે ત્યાં સુધી શિક્ષણને આગળ વધારવાના પ્રયાસો કરાશે. તેમજ આરટીઈ ફી નિયમન સહિતના મુદાઓને પણ પ્રાધાન્ય અપાશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, વહીવટી કામગીરી અંગે ટીપીઓ સાથે ચર્ચા કરાશે. કચ્છમાં ગુણવત્તાલક્ષી શિક્ષણને મુખ્ય પ્રાધાન્ય આપી આઈટીના ઉપયોગ દ્વારા શિક્ષણ સુધારવાના પ્રયાસો કરવાની વાત પણ ઉચ્ચારી હતી.
તો વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો અતિ વિશાળ હોઈ અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકો મોટા પ્રમાણ ગેરહાજર રહેતા હોઈ આવા ગુટલીબાજ શિક્ષકોને સાણસામાં લેવા સ્કોર્ડ રચવાની વાત પણ તેઓએ ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એમએસસી બીએડની લાયકાત ધરાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારને આઈટીનો પણ સારો એવો અનુભવ હોઈ જિલ્લાના પ્રાથમિક શિક્ષણને વધુ સમૃદ્ધ બનાવવા તેનો પુરે પુરો લાભ પ્રાપ્ત થશે.