કચ્છમાં ગામે-ગામ મિનરલ વોટરના ધમધમે છે હાટડા

પેકેજ ડ્રીન્કિંગ વોટર પર ઉત્પાદકોના નામ- સરનામા સહિતની વિગતો પણ દર્શાવાતી નથી : ઉનાળો માથે છે ત્યારે પાણીની વધી રહી છે બોલબાલા

ભુજ : રાજ્યની સાથે કચ્છમાં પણ ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે, ત્યારે પેયજળની માંગ વધવા પામી છે, જો કે પેકેજ ડ્રીન્કિંગ વોટર અને મિનરલ વોટરના પેકિંગમાં સરકારી ધારા- ધોરણનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. જો કે તોલમાપ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આવનારા સમયમાં આ કથીત ગોબાચારીના કારણે જન આરોગ્ય સાથે ચેડાં થવાની ભીતિ પણ સેવાઈ છે.આ અંગે વાત કરીએ તો પેકેજ ડ્રીન્કિંગ વોટર કે જેમાં ર૦ લિટરની નીર, જગ, કેરબા ઉપરાંત પાઉચ, બોટલો વગેરે જેવા પેયજળના વેચાણ માટે નિયમો પાળવા જરૂરી છે. ઉત્પાદક પર ઉત્પાદકનું નામ, પેકેજરનું નામ, સરનામું, કસ્ટમર કેર નંબર, ઈ-મેઈલ, ભાવ, પેકિંગનો મહિનો અને વર્ષ, નેટ ક્વોન્ટીટી સહિતની કાયદાકીય જોગવાઈઓનું અમલ કરવું જરૂરી છે. જો કે આ એક પણ નિયમોનું પાલન થતું નથી, તેવું જાણકારો જણાવી રહ્યા છે. આ વિગતો ચકાસવાની જેની જવાબદારી છે તે કાનુની માપ વિજ્ઞાન તોલમાપ ખાતું ખુદ પાણીમાં બેસી ગયું હોવાથી આવા તત્ત્વોને છુટોદોર મળી રહ્યો છે. હાલમાં ઘર, ઓફિસ, કારખાના સહિતના સ્થળોએ આ પેયજળ પહોંચાડવામાં આવે છે, જો કે નિયમભંગ સામે કાર્યવાહી થતી નથી તે પણ સત્ય છે. નર્મદાનું પાણી ટાંકામાં ઠાલવી મિનરલ વોટરના નામે લોકો સુધી પહોંચતું કરાયું છે. હાલમાં જોવા જઈએ તો કચ્છ જિલ્લામાં શહેરી વિસ્તારમાં તેમજ તાલુકામાં ગામે ગામ મિનરલ વોટરના હાટડા ધમધમી રહ્યા છે. ૧૦ રૂપિયામાં ચોખ્ખુ શુદ્ધ મિનરલ વોટર કે પોષાતું હશે તેવો સવાલ પણ ઉઠ્યો છે. ઉત્પાદન પર વિગતોની અધુરાશો તો ખરી પણ મિનરલ વોટરની શુદ્ધતા શું તેનું પ્રમાણપત્ર પણ નથી હોતું મોટાભાગના કિસ્સામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું પાણી ટાંકામાં ઠાલવી પાઈપોમાંથી પસાર કરી મિનરલ બનાવી દેવાય છે તો કયાંક ફટકડીનો પણ ઉપયોગ થાય છે. હાલમાં ઉનાળો આવી જતાં પેયજળની માંગ પણ વધવા પામી છે. આવા સંજોગોમાં જનહિતાર્થે કાર્યવાહી કરી આવા સંચાલકોને સૂચના આપવી જરૂરી છે. નાના ધંધાદારીઓ સામે પગલાં લેવાના પગલે તંત્ર મોટા એકમો પર દરોડા પાડે તો જ કાર્યવાહી કહેવાશે. અન્યથા નાના વર્ગનો પણ તપાસના નામે મરો થશે. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના જશવંતસિંહ વાઘેલા દ્વારા આ અંગે વિવિધ સ્તરે રજૂઆતો કરાઈ છે.