કચ્છમાં ખનિજ માફિયાઓ બેફામ બનતા ખાણ ખનિજની વીજીલન્સ સ્કવોડ દ્વારા કાર્યવાહી

વાગડ પંથકમાં ગેરકાયદેસર ખનિજ ભરેલી રાજસ્થાન પાસીંગની ટ્રક તંત્રએ ઝડપી સામખિયાળી પોલીસને સોંપી : આવી અનેક ગાડીઓ સ્કવોડના જપ્ટે ચડી

ગાંધીધામ : સરહદી કચ્છ જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ખનિજ સંપદા ધરબાયેલી છે, ત્યારે ખનિજ માફિયાઓ પણ યેનકેન પ્રકારે ખનિજ ચોરી કરીને સરકારની તિજોરીને મોટું આર્થિક નુકશાન પહોંચાડી રહ્યા છે. સ્થાનિક તંત્રો દ્વારા વખતોવખત કાર્યવાહી કરીને ખનિજ ચોરી ઝડપી પાડવામાં આવે છે, ત્યારે છેલ્લા થોડા દિવસથી સમયાંતરે ખાણ ખનિજ વિભાગની વીજીલન્સ સ્કવોડ દ્વારા પૂર્વ કચ્છમાં કાર્યવાહી કરાઈ રહી છે, જેના કારણે ખનિજ માફિયાઓ પણ સતર્ક બની ગયા છે.આ અંગેની વિગતો મુજબ ખાણ ખનિજ વિભાગની વીજીલન્સ સ્કવોડ દ્વારા પૂર્વ કચ્છમાં થતી ખનિજ ચોરી ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ છે. સમયાંતરે વીજીલન્સની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે વાગડ વિસ્તારમાં કરાયેલી કામગીરીમાં ખાણ ખનિજની વીજીલન્સ ટીમે મંગળવારે રાજસ્થાન પાસીંગની આર.જે.૦૪.જી.એ.૭પ૭૩ નંબરની ટ્રક ઝડપી પાડી હતી, જે સામખિયાળી પોલીસને સોંપવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલી ટ્રકમાં પાસ પરમીટ કે રોયલ્ટી ભર્યા વીના ખનિજનો જથ્થો પરિવહન કરવામાં આવતો હતો. તંત્રની ટીમો દ્વારા ઝડપી પાડેલી ટ્રકના ચાલક પાસેથી આધાર – પુરાવા કે રોયલ્ટી માંગવામાં આવતા તે રજુ કરી શકયો ન હતો, તેથી ટ્રકમાં ભરેલ સંભવતઃ બોનકલે ખનિજનો જથ્થો અને ગાડી જપ્ત કરી સામખિયાળી પોલીસમાં રખાઈ હતી. આ ઉપરાંત અંજાર તાલુકામાં પણ વીજીલન્સની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તે સિવાય લીઝવાળી ખાણોની પણ આકસ્મિક મુલાકાત લીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ નવા કડાકા ભડાકા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.