કચ્છમાં કોવિશિલ્ડનો જથ્થો ખલાસ : ૧૦ હજાર ડોઝની માંગણી મૂકાઈ

કોવેક્સિન રસી હાલ ઉપલબ્ધ પણ ૧૦ હજાર ડોઝનો ઓર્ડર મુકાયો : યુવાનોથી લઈ સૌ કોઈમાં વેક્સિન લેવાનો ઉત્સાહ, પરંતુ રસી ન હોવાથી લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું : અત્યાર સુધી ૩.૬પ લાખ લોકોએ રસીના ડોઝ લીધા જે પૈકી ર.૬૯ લાખ લોકોએ પ્રથમ ડોઝ મેળવ્યો

ભુજ : હાલમાં સરકાર દ્વારા કોરોના મહામારીને કંટ્રોલમાં લેવા માટે વેક્સિનેશન અભિયાન પર ભાર મુકવામાં આવ્યો છે, પરંતુ સમગ્ર દેશમાં રસીકરણ માટે લોકોનો ઉત્સાહ વધતા રસીના ડોઝ ખુટવા લાગ્યા છે. ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ છે. કચ્છમાં પણ રસીનો ડોઝ ખુટી પડતા રસીકરણ કેન્દ્રો પર ગયેલા લોકોને વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. જિલ્લામાં કોવીશીલ્ડ રસીનો એક પણ ડોઝ ઉપલબ્ધ નથી, જેથી રસીકરણ કામગીરીને અસર પહોંચી છે.
આ અંગેની જો વાત કરીએ તો જિલ્લાના દસે દસ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેક્સિનેશન કરાય છે. ઉપરાંત સામાજીક સંસ્થાઓ દ્વારા પણ કેમ્પ રાખવામાં આવે છે. ૪પ થી વધુ આયુના લોકો કે જેમણે કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ લીધો છે તેઓને બીજો ડોઝ અપાઈ રહ્યો છે. પરંતુ જે લોકોએ કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેઓને હાલમાં રસીના અભાવે વેક્સિનેશન કરાયું નથી. બીજીતરફ હાલમાં ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોનું દરેક તાલુકામાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ કરવામાં આવે છે. પરંતુ યુવાનોમાં વેક્સિન લેવા માટે ઉત્સાહ એટલો વધી ગયો છે કે, થોડી વારમાં જ સેશન ફુલ થઈ જાય છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે, કચ્છમાં રસી ઓછી છે અને મુકાવનારા ગણા છે. લોકોમાં રસી લેવાનો ઉત્સાહ જોઈ આરોગ્ય વિભાગ પણ ચેતનવંતુ બન્યું છે. પરંતુ રસી ન હોવાથી લોકોની અપેક્ષા પુરી કરી શકાતી નથી.અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે, હાલમાં જિલ્લામાં કોવીશીલ્ડ રસીનો ડોઝ નથી. જેથી પ્રથમ ડોઝમાં કોવીશીલ્ડ લેનારા લાભાર્થીઓને રસી આપી શકાઈ નથી. કોવેક્સિન ઉપલબ્ધ છે. જેથી જેમણે કોવેક્સિનનો ડોઝ લીધો છે તેઓને બીજા ડોઝની રસી અપાઈ રહી છે. રસી માટે ઓર્ડર અપાયો છે. કોવીશીલ્ડ અને કોવેક્સિનના ૧૦ – ૧૦ હજાર ડોઝ મંગાવાયા છે. જે આવ્યા બાદ રસીકરણની કામગીરી વેગવાન બનાવવામાં આવશે. હાલમાં અત્યાર સુધી જિલ્લામાં ૩.૬પ લાખ લોકોએ રસીના ડોઝ લીધા છે. જે પૈકી ર.૬૯ લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. કચ્છમાં રસીકરણ અભિયાન માટે લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળતો હોવાનું જણાવી મહિનાના અંત સુધીમાં મહત્તમ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવા માટે આયોજન ઘડાયું હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન વ્યાયામ શાળા દવાખાનામાં દવાઓનો સ્ટોક પણ ખૂટી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. સામાન્ય દર્દની દવાઓનો સ્ટોક ઘટી જતા દર્દીઓને હાલાકી થઈ હતી.