કચ્છમાં કોવિડ હોસ્પિટલોને ધડાધડ મંજૂરી, પરંતુ તંત્ર સુવિધા આપવામાં નિષ્ફળ

  • ઉતાવળે આંબા ન પાકે…

ભુજની એક નામચીન સહિત અનેક હોસ્પિટલોને અપાઈ મંજૂરી, પરંતુ હોસ્પિટલમાં ઓક્સિજનની લાઈનો પાથરવાનું કામ તો હવે શરૂ થયું : સુવિધા ન હોય તેવી હોસ્પિટલને કોવિડ તરીકે મંજૂરી આપી તંત્રનો ઉતાવળો નિર્ણય અનેક દર્દીઓ માટે બન્યો આઘાતજનક : સ્વજનોને લઈને હોસ્પિટલમાં ગયા, પરંતુ સત્તાવાળાઓનો એક જ જવાબ હજુ તો સુવિધા વિક્સાવવાનું કામ ચાલુ છે પછી સારવાર મળશે

ભુજ : કચ્છમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા દરરોજ કોવિડ કેર સેન્ટરો અને કોવિડ હોસ્પિટલોને મંજૂરી અપાઈ રહી છે. જોકે, ઉતાવળે લેવાતા આ નિર્ણયો માત્ર ચોપડે સીમીત રહેતા હોય તેવું જણાઈ આવે છે. કારણ કે, ભુજની એક નામચીન સહિત અનેક હોસ્પિટલને વહીવટી તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આ હોસ્પિટલને તંત્ર તરફથી સુવિધા ન મળી હોવાની વિગતો સપાટી પર આવી છે.
કચ્છમાં કોવિડ હોસ્પિટલોને ધડાધડ મંજૂરી અપાઈ રહી છે, પરંતુ તંત્ર સુવિધા આપવામાં નિષ્ફળ હોય તેવું લોકો કહી રહ્યા છે. કારણ કે, ભુજની એક નામચીન સહિત અનેક હોસ્પિટલોને કોવિડની સારવાર માટે મંજૂરી અપાઈ છે, પરંતુ હોસ્પિટલમાં ઓક્સિજનની લાઈનો પાથરવાનું કામ તો હવે શરૂ થયું છે. સુવિધા ન હોય તેવી હોસ્પિટલને કોવિડ તરીકે મંજૂરી આપવાનો તંત્રનો ઉતાવળો નિર્ણય અનેક દર્દીઓ માટે આઘાતજનક બન્યો છે. કારણ કે, તેઓ કોરોનાથી સંક્રમીત પોતાના સ્વજનોને લઈને હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ સત્તાવાળાઓનો એક જ જવાબ હતો હજુ તો સુવિધા વિક્સાવવાનું કામ ચાલુ છે પછી સારવાર મળશે.હોસ્પિટલમાંથી મળેલી માહિતી પ્રમાણે તંત્ર તરફથી રેમડેસિવિર ઈન્જેકશન પણ મળ્યા નથી. તેમજ હોસ્પિટલમાં ઓક્સિઝન પણ નથી. જેના કારણે દર્દીઓને દાખલ કરવામાં તકલીફ થાય છે. હોસ્પિટલ દ્વારા કોવિડ દર્દીઓને તાકીદ કરાઈ છે કે, હોસ્પિટલમાં આવતા પૂર્વે ફોનથી વાતચીત કરી બાદમાં જ દર્દીને હોસ્પિટલમાં લાવો, તંત્રનો ઉતાવળો નિર્ણય ક્યાંકને ક્યાંકને અધુરાશભર્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.