કચ્છમાં કોરોના વિસ્ફોટ જારી : રેકોર્ડબ્રેક 48 પોઝિટીવ કેસ નોંધાયા

રાજ્યમાં 24 કલાકમાં નવા 4541 દર્દીઓને કોરોના પોઝિટીવ

ભુજ : સરહદી કચ્છમાં કોરોના મહામારીએ બરાબરનું માથું ઉચક્યુ છે. દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે તો કચ્છમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ શરૂઆતથી લઈને અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 48 પોઝિટીવ કેસો નોંધાયા છે. અગાઉ કચ્છમાં ક્યારેય 24 કલાકમાં એક સામટા 48 કેસો નોંધાયા નથી.

મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં બે મુખ્ય મથકો ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કર્ફ્યુ પણ લગાવી દેવાયો છે. તેમ છતાં કોરોનાના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે. ગુરૂવારે 41 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા બાદ આજે જિલ્લામાં સર્વાધિક 48 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. તો સમગ્ર રાજ્યમાં આજે કોરોનાથી જૂનો રેકોર્ડ બ્રેક થતા 4541 દર્દીઓ આ વાયરસથી સંક્રિમત બન્યા છે. કચ્છની જ વાત કરીએ તો જિલ્લામાં લાંબા સમય બાદ એક સામટા 48 કેસો સામે આવતા કોરોનાનો નવો રેકોર્ડ સર્જાયો છે. કચ્છમાં કુદકેને ભુસકે વધતા કોરોનાના કેસોને કારણે ભયનું લખલખું પ્રસરી ગયું છે. લોકોની બેફિકરાઈ કહો કે, આરોગ્ય તંત્રની બેદરકારી કે પછી તંત્રની બેજવાબદારીને કારણે કોરોનાના વધતા જતા કેસો પર અંકુશ આવી શકતો નથી. જો કે આજે પણ કચ્છમાં કોરોના પોઝિટીવ 22 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ. કચ્છમાં વધુ 48 પોઝિટીવ કેસ સામે આવતા જિલ્લા કુલ પોઝિટીવ કેસનો આંક 5312 થયા છે. જ્યારે જિલ્લા અત્યાર સુધી 4850 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તો જિલ્લામાં હાલની સ્થિતિએ કોરોનાના 306 કેસો એક્ટિવ છે.