કચ્છમાં કોરોના કાળના દોઢ વર્ષમાં પ૮૦ લોકોએ કર્યો અકળ આપઘાત

પશ્ચિમ કચ્છમાં ૩ર૧ અને પૂર્વ કચ્છમાં રપ૯ લોકોએ જીવનનો આણ્યો અંત : સરહદી કચ્છમાં આપઘાતના વધેલા બનાવો ચિંતાજનક : કોરોનાને કારણે સતત લોકડાઉન સહિત ધંધા રોજગારમાં પડેલા ફટકાથી અનેકે આર્થિક ભીંસ તેમજ માનસિક તનાવ સહિતમાં ભર્યું પગલાના અનેક બનાવોઃ કેટલાક કિસ્સાઓમાં પારિવારીક કારણો પણ રહ્યા જવાબદાર

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)ભુજ : સરહદી કચ્છમાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. પોલીસ રેકર્ડ પર નોંધાયેલા આપઘાત બનાવોને જોતા ચિંતાજનક આંકડા નજર સામે આવે છે. કચ્છમાં છેલ્લા દોઢ વર્ષના ગાળામાં કુલ પ૮૦ લોકોએ આત્મઘાતી પગલું ભરીને આ ફાની દુનિયાને અલવિદા કરી છે, જેમાં પશ્ચિમ કચ્છમાં ૩ર૧ અને પૂર્વ કચ્છમાં રપ૯ આપઘાતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.જીવનથી ત્રસ્ત થઈને અનંતની વાટ પકડવીએ નાસીપાસ ભર્યું પગલું કહી શકાય. આત્મઘાતી પગલું ભરનારને પણ કોઈને કોઈ મજબૂરીમાં આપઘાત કરવો પડતો હશે, પરંતુ અંતિમ પગલું ભરવાથી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. કોઈ પણ વ્યક્તિ જયારે આત્મઘાતિ પગલું ભરે છે, ત્યારે તેની પાછળ તેના પરિવારને સજા ભોગવવાનો વારો આવે છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષ અને પાંચ મહિનાના ગાળામાં પ૮૦ સ્ત્રી- પુરૂષોએ આપઘાત કરીને જીવનનો અંત આણ્યો છે.પૂર્વ અને પશ્ચિમ પોલીસ વિભાગમાંથી મળેલી આંકડાકીય માહિતી મુજબ પશ્ચિમ કચ્છમાં વર્ષ ર૦ર૦માં ૧૩૯ પુરૂષ અને ૭૮ સ્ત્રીઓએ મળીને કુલ ર૧૭ લોકોએ આત્મહત્યા કરી હતી. તો ર૦ર૧ના છેલ્લા પાંચ મહિનામાં ૬૪ પુરૂષો અને ૪૦ સ્ત્રી મળીને ૧૦૪ જીદંગીઓ પર પૂર્ણવિરામ મુકાયું હતું. આમ પશ્ચિમ કચ્છમાં છેલ્લા દોઢ વર્ષમાં કુલ ૩ર૧ લોકોએ આત્મઘાતિ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ કચ્છની વાત કરીએ તો વર્ષ ર૦ર૦માં ૧૩૭ પુરૂષ અને ૪૯ સ્ત્રી મળીને ૧૮૬ લોકોએ મોતની સોળ તાણી હતી. જયારે છેલ્લા પાંચ માસમાં પ૧ પુરૂષ અને રર સ્ત્રી મળીને ૭૩ લોકોએ આત્મહત્યા કરી હતી. આમ પૂર્વ કચ્છમાં છેલ્લા દોઢ વર્ષમાં કુલ રપ૯ લોકોએ આ ફાની દુનિયાને અલવિદા કરી છે.આપઘાત નિવારણ માટે જિલ્લામાં કેટલીક સંસ્થાઓ પણ કાર્યરત છે. તેમ છતાં જયારે પણ લોકોને આપઘાત કરવાનો વિચાર આવે છે, ત્યારે તેઓ મનોચિકિત્સક પાસેથી માર્ગદર્શન લેવાના બદલે આવેશમાં આવીને આત્મઘાતી પગલું ભરી લેતા હોય છે. છેલ્લા દોઢેક વર્ષમાં નોંધાયેલા પ૮૦ આપઘાતોના બનાવોમાં જુદા જુદા કારણો પણ સામેે આવ્યા છે. તો કેટલાક કિસ્સામાં આપઘાત કર્યા પાછળનું કારણ અકબંધ રહ્યું છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતોની ચર્ચા કરીએ તો અનેક લોકોએ કોઈને કોઈ બિમારીથી કંટાળીને, આર્થિક સંકળામણમાં, પારિવારિક કલેશમાં કે કેટલાક કિસ્સાઓમાં વ્યાજખોરોની પઠાણી ઉઘારાણીને કારણે અપાતા ત્રાસમાં લોકોએ આત્મઘાતિ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ખાસ તો છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાના સંક્રમણ વચ્ચે અવાર નવાર લોકડાઉન, ધંધા રોજગારના પડેલો ફટકો અને તેના પરિણામે સર્જાયેલી શારીરિક – માનસિક તણાવની પરિસ્થિતિમાં આત્મહત્યાના બનાવોમાં વધારો નોંધાયો છે.આત્મઘાતિ પગલું ભરનાર વ્યક્તિ કોઈને કોઈ મજબૂરીમાં દુનિયાને અલવિદા કરતી હશે, પરંતુ આ છેલ્લું પગલું ભરવાથી તેમની મજબૂરી કે સમસ્યાઓ જે વ્યક્તિ માટે કદાચ પુરી થતી હશે, પરંતુ તેના પરિવારજનો માટે આઘાતજનક સાબિત થાય છે. જે તે વ્યક્તિ તો આંખો મીંચી લેશે, પરંતુ તેની પાછળ પરિવારજનોની સમસ્યાઓ વધુ પીડાદાયક બની સામે આવી શકે છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ આત્મઘાતિ પગલું ભરતા પહેલા તેના પરિવારનો સો વખત વિચાર કરે તે અનિવાર્ય છે.