કચ્છમાં કોરોનાના આજે 170 પોઝિટીવ કેસો નોંધાયા

રાજ્યમાં બેકાબૂ બનેલી કોરોના મહામારી પર આંશિક અંકુશ આવ્યો છે. પરંતુ કચ્છમાં પોઝિટીવ કેસોમાં નાટકિય ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે કચ્છમાં 185 કેસો નોંધાયા બાદ આજે ફરી પાછો પોઝિટીવ આંક ઘટીને 170 થયો હતો. જ્યારે કોરોનાને કારણે 3 દર્દીઓના મોત થયા હતા. જો કે રાજ્યમાં પોઝિટીવ કેસનો આંક ગઈકાલની તુલનાએ ઘટ્યો હતો. આજે ગુજરાતમાં કોરોનાના 9,995 કેસ નોંધાયા હતા. તો આ મહામારીમાંથી 15 હજાર 365 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 104 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંક 1 લાખ 17 હજાર 373 પર આવ્યો છે. કોરોના મહામારીના સંકજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જેમા ગુરૂવારે કોરોનાના 185 કેસ નોંધાયા બાદ આજે ઈદના દિવસે ફરી 15 કેસના ઘટાડા સાથે 170 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા. તો રાજ્યની યાદી મુજબ 3 મોત થયાનું જાણવા મળ્યુ છે.