કચ્છમાં કોરોનાથી અધધ ૯ હજાર લોકોનાં મોત નિપજ્યાનો ચોંકાવનારો દાવો

વેન્ટીલેટરના બદલે ડબલા જેવા બાયપેપ મશીન કચ્છને ફાળવાયા : સરકારે મોટી મોટી વાતો કરી કચ્છની જનતાને ઉંધા ચશ્મા પહેરાવતા મૃત્યુનો આંકડો વધ્યો L કોંગ્રેસના પ્રદેશ સેક્રેટરીએ કરેલા સણસણતા આક્ષેપોથી વહીવટી તંત્રમાં હલચલ

ભુજ : કચ્છમાં સરકારી ચોપડે કોરોનાથી સંક્રમીતોનો આંક ૧ર હજાર જ્યારે કુલ મોતનો આંક ર૬૯ બતાવાયો છે. તેવામાં જિલ્લામાં આ બિમારીથી હજાર-બે હજાર નહીં પણ ૯ હજાર લોકો કોરોના બિમારીથી મોતને ભેટ્યા હોવાના સણસણતા આક્ષેપોથી વહીવટી તંત્રમાં પણ હલચલ મચી ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ સેક્રેટરીએ જિલ્લામાં ૯ હજાર લોકોના કોરોનાથી મોત થયા હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે.

જી.કે. હોસ્પિટલની કથળેલી સેવાઓ અંગે અવાર-નવાર અવાજ ઉપાડતા કોંગ્રેસના રફીક મારાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ કચ્છમાં આવી જાહેરાત કરી હતી કે, ર હજાર ઓક્સિજન બેડ અને ૮૦ વેન્ટીલેટર જિલ્લાને ફાળવાશે, પણ ઓક્સિજનના બેડ મળ્યા નથી. જ્યારે ૮૦ વેન્ટીલેટરની જાહેરાત સામે કચ્છને માત્ર ડબલા જેવા બાયપેપ મશીન અપાયા છે. જેમાંથી  પ૦ મશીન જી.કે.ને ફાળવાયા છે. જેમાંથી માત્ર ચાર-પાંચ મશીન કામ કરે છે. કલેક્ટર પાસે રપ બાયપેપ મશીન પડ્યા છે, પણ કોઈ ખાનગી હોસ્પિટલ લેવા તૈયાર નથી. કારણ કે, આ મશીન કામ કરતા નથી. મુખ્યમંત્રીએ જે વેન્ટીલેટરની જાહેરાત કરી તેની કિંમત પાંચથી ૧ર લાખ છે. જ્યારે આ બાયપેપ મશીન ૩૦ હજારમાં મળી રહી છે. કચ્છને સાચી રીતે વેન્ટીલેટર મળ્યા હોત તો જિલ્લામાં પ૦૦થી ૬૦૦ લોકોના જીવ બચાવી શકાયા હોત.

વધુમાં રફીક મારાએ આક્ષેપ સાથે કહ્યું કે, સરકારી ચોપડે મોતનો આંક ૩થી પ બતાવાય છે, પણ જી.કે.માં દરરોજ પ૦થી ૬૦ લોકો મોતને ભેટે છે. જિલ્લામાં મોતનો આંક ૧૦૦ જેટલો છે. આશરે ૯ હજાર લોકો કચ્છમાં કોરોનાના કારણે મૃત્યુ પામ્યો હોવાનો દાવો કર્યો હતો. જેના માટે જવાબદાર વેન્ટીલેટર, રેમડેસીવીર અને ઓક્સિજનની ઘટ છે. પીએમ રિલિફ ફંડમાંથી ફાળવાયેલા વેન્ટીલેટર કામ કરતા બંધ થઈ ગયા છે. ધમણ વેન્ટીલેટર પણ સફળ રહ્યા નથી, કોરોનાથી જેનું મૃત્યુ થાય તેને  આર્થિક સહાય આપવાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં જાેગવાઈ છે. પણ આંટીઘુટીને કારણે આ લાભ મળતો નથી, આ પરિસ્થિતિ જાેતા સરકાર કચ્છની જનતાને ખમીરવંતી કહી કચ્છના લોકોનું ખમીર કાઢી નાખી માલેતુજાર ઉદ્યોગપતિઓ દ્વારા કચ્છના લોકોનું ખો કાઢી રહી છે તેવો આક્ષેપ પણ કરાયો છે.

કલેક્ટર જી.કે.ના બદલે ભુજની ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા

ભુજ : જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. પણ કોરોનાથી સંક્રમીત બન્યા હતા. જિલ્લાના પ્રથમ નાગરિક હોવાના નાતે તેઓ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ચેરપર્સન પણ છે, પરંતુ તેઓને જ્યારે કોરોના થયો ત્યારે જી.કે.માં સારવાર લેવાને બદલે તેઓ ભુજમાં આવેલી પ્રાઈવેટ હોસ્પિટલ સચિન ઠક્કરમાં સારવાર લેવા દાખલ થયા હતા. તેઓ આક્ષેપ રફીક મારાએ કર્યો છે. જાે કલેક્ટર જી.કે.ના બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોય તો આ હોસ્પિટલનો વહીવટ કેવો હશે તેની સામે પણ અંગુલી નિર્દેશ કરાયો છે.

વાગ્યા પર પાટા બાંધવાને બદલે સરકારે પથ્થરના ઘા કર્યા

ભુજ : કોરોના કરતા જીવલેણ બિમારી મ્યુકરમાઈકોસીસથી કચ્છમાં અંદાજે હાલ ૩૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ બિમારીની સારવાર માટે ઈન્જેકશન લેવા જરૂરી છે જે કચ્છમાં ક્યાંય મળતા નથી. સરકારે રાજ્યમાં ૬ જિલ્લાઓને ઈન્જેકશન ફાળવ્યા છે. જેથી કચ્છના લોકોને ઈન્જેકશન લેવા રપ૦ કિ.મી. દૂર રાજકોટ જવું પડે છે. રાજકોટમાં પણ કાગળીયાની માયાઝાળથી લોકોને ધક્કા ખાવા પડે છે. કચ્છમાં સ્થાનિકે ફંગસની બિમારીના ઈન્જેકશન મળે તો લોકોનો જીવ બચે તેમ છે. રોજબરોજ આ ઈન્જેકશનના ભાવ વધી રહ્યા છે. અગાઉ તેના ભાવ ર૯૦૦થી ૩ર૦૦ હતા. જાેકે, હાલમાં તેની કિંમત પથી ૬ હજાર છે. જેના પરથી લાગે છે કે, સરકાર વાગ્યા પર પાટા બાંધવાને બદલે પથ્થરના ઘા મારે છે તેવા આક્ષેપ સાથે રફીક મારાએ સવાલ ઉઠાવ્યા છે.