કચ્છમાં ઓનલાઈન ઠગાઈ સહિત ચોરી, લૂંટના બનાવો વધ્યા

કોરોનાને કારણે સર્જાયેલી બેરોજગારીની સાઈડ ઈફેક્ટ

મહાનગરોમાં કરાતી ફ્રોડ સહિતની અસામાજિક પ્રવૃતિઓ પણ કચ્છ માટે લાલબત્તી સમાન : કચ્છના યુવાનો ચેતે અને પોલીસની સાયબર ટીમ પણ સક્રિય બને તે જરૂરી

ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાએ માત્ર લોકોના આરોગ્ય પર પ્રહાર નથી કર્યો, પરંતુ તેની સાથે માનસિક, આર્થિક અને સામાજિક સ્તરે પણ વાર કર્યો છે. કોરોનાને કારણે ઉભી થયેલી બેરોજગારીએ અનેક ગેરપ્રવૃતિઓ અને અસામાજિક પ્રવૃતિઓને પણ જન્મ આપ્યો છે. જેના કારણે ઓનલાઈન ફ્રોડ, બ્લેક મેઈલીંગ, વિશ્વાસઘાત છેતરપિંડી, ચોરી, લૂંટ જેવી ઘટનાઓમાં વધારો થયો છે.

કોરોનાકાળમાં વધેલી બેરોજગારીને કારણે લોકોના સ્વાસ્થ્યની સાથે માનસિકતા પર પણ અસર પડી છે. લોકો બેકારીને કારણે ન કરવાની ગેરપ્રવૃતિઓ અને અસામાજિક પ્રવૃતિઓ કરવા તરફ પ્રેરાયા છે. ખાસ તો કચ્છમાં ચોરી, લૂંટ અને ઓનલાઈન ઠગાઈના બનાવોમાં ઉછાળો આવ્યો છે. ઓનલાઈન ફ્રોડના બનાવો રોજીંંદા બન્યા છે. તો વાહન ચોરીઓ, ઘરફોડ ચોરીઓ અને લૂંટ જેવી ઘટનાઓને લોકો અંજામ આપી રહ્યા છે. મહાનગરોમાં તો કચ્છ કરતા પણ બદ્દતર પરિસ્થિત છે. મહાનગરોમાં વિદેશના કોડ નંબરથી યુવતિઓ યુવાનો સાથે વિડિયો કોલ કરીને અંગત પળોની સ્ક્રિન રેકોડીંગ કરીને બ્લેક મેઈલીંગ કરી રહી છે. કોરોનામાં પોતે સર્વસ્વ ગુમાવ્યું છે. અને સાથીની જરૂર છે તે બહાને મિત્રતા કેળવીને યુવાનો પાસેથી પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે. તો કેટલીક અપરિણીત યુવતિઓ પણ આર્થિક મજબૂરીના કારણે સરોગેટ મધર બની હોવાની વાત પણ સામે આવી ચુકી છે. તો ઓનલાઈન ફ્રોડ કરતા તત્વો પણ બેફામ બ્નયા છે. કોઈને કોઈ બહાને લોકોને ભરમાવીને તેમના ખાતામાંથી કે બીજી કોઈ રીતે વિશ્વાસઘાત ઠગાઈ આચરવામાં આવી રહી છે. ઓનલાઈન ફ્રોડ કરતી યુવતિઓ વિશે અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મહાનગરોમાં ભોગ બનનાર યુવાનો સોશિયલ મિડિયામાં પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. અને છેતરપિંડીનો ભોગ બન્યા અંગે અફસોસ પણ વ્યક્ત કરી રહ્યા છે.

આવી કપરી પરિસ્થિતિમાં કચ્છના યુવાનો ચેતે તે જરૂરી છે. કોરોના કાળમાં અનેક લેભાગુઓ અને ચિટરો સક્રિય બની ગયા છે. ત્યારે કોરોના વાયરસની સાથે સાથે આવા તત્વો સામે પણ યુવાધન સતર્કતા દાખવે તે અનિવાર્ય છે. સાથેે પોલીસ તંત્રની સાયબર સેલ ટીમ પણ સક્રિય થાય તો કચ્છમાં મહાનગરો જેવી બદ્દતર સ્થિતિ નિર્માણ ન પામે.