કચ્છમાં ઓક્સિજન ઉત્પાદન વધારવા તંત્ર એક્શનમાં, બે પ્લાન્ટની ક્ષમતા બમણી કરાઈ

 


અગ્રવાલ કંપનીમાં સિલિન્ડર રિફીલીંગની ક્ષમતા ૮પ૦થી વધારી ૧૬૦૦ અને ઈલેકટ્રોથર્મ કંપનીમાં પણ ૧પ૦૦થી વધારી ક્ષમતા ર૬૦૦ કરાઈ : પ-૬ દિવસ બાદ ઈટી કંપનીમાં બમણી ક્ષમતા સાથે પ્રાણવાયુનું થશે ઉત્પાદન : સાદીક મુજાવર (નોડલ ઓફિસર)

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા ઉત્પાદીત થતો તમામ જથ્થો મેડિકલ માટે અનામત રખાયા બાદ તંત્રએ હવે ઓક્સિજનનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસો તેજ કરી દીધા છે. હાલમાં જિલ્લામાં ૬ કંપનીઓમાં ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેમાં બે પ્લાન્ટની ક્ષમતા બમણી કરી દેવાઈ છે.આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં ઓક્સિજનની હાલ ભારે અછત જોવા મળી રહી છે. કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. ગંભીર સ્થિતિમાં દર્દીઓ આવી જતા હોવાથી તેઓને તાત્કાલિક ઓક્સિજન આપવો પડે છે, જો કે ઓક્સિજન બેડની અછત વચ્ચે સિલિન્ડર લેવા માટે પણ રઝળ પાટ કરવી પડતી હોય છે. જો કે હવે તંત્ર તમામ પરિસ્થિતિ પોતાના અંકુશમાં લાવી દીધી છે, જેના ભાગરૂપે ઔદ્યોગીક વપરાશ માટેના ઓક્સિજન પર પ્રતિબંધ મુકાયા બાદ હવે ક્ષમતા વધારવા પર ભાર મુકાયો છે. જેથી ઓક્સિજનની અછત નિવારી શકાય.ઓક્સિજન વિતરણ વ્યવસ્થાના નોડલ ઓફિસર અને ડીએફઓ સાદીક મુજાવરે જણાવ્યું કે, હાલમાં મોટી ચીરઈ ખાતે આવેલ અગ્રવાલ કંપનીમાં ક્ષમતા વધારાઈ છે. આજે સવારથી કેપીસીટી ૮પ૦થી વધારી ૧૬૦૦ સિલિન્ડર રીફીલીંગની કરાઈ છે. સામખિયાળીમાં આવેલી ઈલેકટ્રોથર્મ કંપનીમાં હાલ ૧પ૦૦ સિલિન્ડર રિફીલીંગની કેપીસિટી છે, જે વધારીને ર૬૦૦ કરવામાં આવશે. આ કામગીરી હાલ પ્રગત્તિ હેઠળ છે. પથી ૬ દિવસમાં ક્ષમતા બમણી થઈ જશે. આ ઉપરાંત અન્ય એકમોમાં ટેકનિકલ ખામીઓ હતી, તે પણ દૂર કરાવાઈ છે. વધુમાં જણાવ્યું કે, હાલમાં તંત્રની પ્રથમ પ્રાયોરીટી ક્રિટીકલ દર્દીઓને ત્વરીત ઓક્સિજન આપવાની છે. જે અમે પૂર્ણ કરીએ છીએ. ક્ષમતા વધારવાથી વધુ ઓક્સિજનનું ઉત્પાદન થશે, જેથી પ્રાઈવેટ હોસ્પિટલો તેમજ નવા શરૂ થતા કોવિડ કેર સેન્ટરમાં પણ ઓક્સિજન સપ્લાય કરી શકીશું.

મુંદરામાં ૧૧ વર્ષથી બંધ પ્લાન્ટ પણ શરૂ થવાની તૈયારી

ભુજ : તંત્ર દ્વારા ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવી રહી છે. આ માટે કાર્યરત પ્લાન્ટો ઉપરાંત જે એકમો વર્ષોથી બંધ છે તે પણ શરૂ કરાવવા માટે દોડધામ શરૂ કરાઈ છે. બંધ એકમો શરૂ થવાથી વધુ ઓક્સિજન જિલ્લામાં ઉત્પાદીત થશે. નોડલ ઓફિસર સાદીક મુજાવરે કહ્યું કે, મુંદરામાં જીંદાલ કંપનીમાં લગભગ ૧૧ વર્ષથી ઓક્સિજનનો પ્લાન્ટ બંધ છે. જે અમારી ધ્યાને આવ્યો છે. હાલ આ પ્લાન્ટ શરૂ કરાવવા વાતચીત ચાલી રહી છે. કેટલીક ટેકનિકલ ખામીઓ પણ સામે આવી રહી છે.