કચ્છમાં ઉમેદવારી પત્રો ભરાવાના થયા શ્રી ગણેશ

ભુજમાં અપક્ષે નોધાવી ફોર્મ ભરી ચૂંટણી જંગમાં જંપલાવ્યું : બપોર સુધીમાં જિલ્લામાંથી ૮ ફોર્મનો થયો ઉપાડ : જિલ્લા ભરમાં અપક્ષ ઉમેદવારો દ્વારા આ વખતે વધુ ફોર્મ ભરાય તેવી શકયતાઓ

ભુજ : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી ૯-૧ર-ર૦૧૭ના રોજ યોજાનારી છે ત્યારે રાજ્યની ૮૯ સહિત કચ્છની ૬ બેઠકોનો પણ તેમાં સમાવેશ થતો હોઈ આજથી કચ્છની છ વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્રો રજૂ પણ કરી શકાશે. ર૧-૧૧ સુધી આ પ્રક્રિયા ચાલનારી હોઈ જાહેરનામું બહાર પડવાની સાથે કચ્છમાં ઉમેદવારી પત્રો ભરવાના શ્રી ગણેશ થઈ ગયા છે.
કચ્છની છ વિધાનસભા બેઠકો આજથી ઉમેદવારી પત્રો ઉપાડ થઈ રહ્યો છે. ત્યારે આજે ભુજ વિધાનસભા બેઠક પર વર્ધમાનગરના પરેશકુમાર વ્રજલાલ શાહે અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે. પરેશ શાહે ગત વિધાનસભા ચૂંટણીમાં પણ ભુજ બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી ચુકયા છે. પરંતુ તેમણે ડો. નિમાબેન આચાર્યને ટેકો જાહેર કરીને પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. તો તેની સાથો સાથ જિલ્લાની અન્ય બેઠકો પર પણ આજે ઉમેદવારી પત્રો લેવાયા હતા. જેમાં બપોર સુધીમાં ગાંધીધામ વિધાનસભા બેઠકમાંથી મહેશ સોદરવા, ભુજ બેઠકમાંથી શૈલેષ જોષી, અંજાર બેઠક પરથી હરીભાઈ સામત આહીર સહિત ત્રણ તેમજ રાપર બેઠક પરથી પણ ત્રણ ફોર્મ ઉપાડ થયો હતો.