કચ્છમાં ઉનાળાના આરંભે જ ખાણીપીણીની વસ્તુઓનો બેફામ વેપલો

સ્વાસ્થ્યને ચેડા થાય તેવી હલકી ગુણવતાના કેરીના રસ, શ્રીખંડ, આઈસ્ક્રીમ સહિતની ફ્રિઝર મીઠાઈનું બેરોકટોક વેંચાણ : ફુડ વિભાગ તો પાણીમાં બેઠું પણ આરોગ્ય વિભાગ, નગરપાલિકાને પણ ફુડ વિભાગનો લાગ્યો રંગ : ચેકીંગના નામે એક – બે વેપારીઓ સામે કાર્યવાહી કરી બાદમાં કરાય છે સંકેલો

(બ્યુરો દ્વારા)ભુજ : હાલમાં કચ્છ જિલ્લામાં ઉનાળાની ગરમીનો આરંભ થઈ ચુકયો છે. ભુજ તો સમગ્ર રાજ્યમાં હોટસિટી તરીકે ઉભરી આવ્યું છે. અસહ્ય ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો ઠંડાપીણાનો ખાસ આગ્રહ રાખી રહ્યા છે. સાથે સ્વીટમાં કેરીનો રસ, શ્રીખંડ સહિતની વસ્તુઓની માંગ પણ વધવા લાગી છે તેવામાં ઉનાળાના પ્રારંભે જ ફરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવી વસ્તુઓનું વેચાણ બેરોકટોક શરૂ થઈ જવા પામ્યું છે. જો કે પાણીમાં બેઠેલા ફુડ વિભાગને આવી કોઈ ગેરરીતિ દેખાતી નથી તેમજ આ વિભાગની આળસ આરોગ્ય અને નગરપાલિકાને પણ લાગી જતા ચેકીંગ નામે મીંડું જ દેખાઈ રહ્યું છે. જિલ્લામાં ઉનાળાના આરંભથી જ ખાણીપીણીની વસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેમાં ખાસ કરીને મીઠાઈ, ફરસાણ, કેરીનો રસ જેવી વસ્તુનું ધૂમ વેચાણ કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનોમાં થઈ રહ્યું છે તેમ છતાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. કારણ કે જે કેરી બજારમાં ૧૦૦ રૂપિયાના ભાવે વેચાતી હોય તેનો રસ હોલસેલ માર્કેટમાં ૬૦ થી ૭૦ રૂપિયાના ભાવે વેચાય છે. આ રસ અમદાવાદ રાજકોટથી તૈયાર થઈને આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવા છતાં નગરપાલિકાના ચીફ ઓફીસરને આવી કોઈ પ્રવૃતિ દેખાતી નથી. શહેરી વિસ્તારોમાં બેરોકટોક પણે વસ્તઓનું વેચાણ થાય છે. નગરપાલિકા કાર્યવાહી તો ઠીક ચેકીંગ કરવામાં પણ નિષ્ફળ નિવડી છે. જેથી વેપારીઓ સાથે સાંઠગાંઠ હોવાનું પણ લોકો કહી રહ્યા છે. લોકોના આરોગ્ય સાથે સંકળાયેલો મુદ્દો હોવા છતાં આરોગ્ય વિભાગને પણ આમા કોઈ રસ ન હોય તેમ છેલ્લા ગણા સમયથી કાર્યવાહી શુન્યતર જ રહેવા પામી છે. હાલમાં જોવા જઈએ તો ઉનાળામાં લગ્નની સીઝન આવશે. ગરમીનો સમયગાળો હોવાથી લોકો ઠંડી વસ્તુઓનું આગ્રહ વધારે રાખે છે, જેથી કેરીનો રસ, શ્રીખંડ, બાસુંદી, રસ મલાઈ, ચોકલેટ બરફી સહિતની ફ્રીઝરમાં રહેતી મીઠાઈની માંગ વધારે રહેશે. તાજેતરમાં સરકારે એક નિયમ અમલી બનાવ્યો હતો, કે મીઠાઈના વપરાશ પર અંતિમ અવધી ફરજીયાત લખવી જોકે આ નિયમ થોડા સમય સુધી વેપારીઓએ પાડયો બાદમાં કડકાઈ ન થતા એકસપાયરી ડેટના પાટીયા ઉતારી દેવાયા છે. શ્રીખંડ, કેરીનો રસ જેવી લિક્વિડ મીઠાઈ ફ્રીઝરમાં રહેતી હોવાથી તેમાં તો એકસપાયરી ડેટનું બોર્ડ લગાવવો પણ અશક્ય છે. જેથી કેટલા સમયથી જથ્થો ફ્રીઝરમાં રખાયો છે તેનો અંદાજો પણ મેળવી શકાય નહીં. હજુ તો શરૂઆત છે. આ વખતે વરસાદ પડયો તે જોતા કાળઝાળ ગરમી પડે તેવી સ્થિતિ હવામાન વિભાગે વ્યકત કરી છે. તે જોતા આવનારા સમયમાં ગરમીથી રાહત મેળવવા ઠંડી વસ્તુઓનું વેચાણ વધશે પરંતુ આરોગ્ય સાથે ચેડા અટકાવવામાં તંત્ર હજુ પણ કોષો દુર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શેરીએ શેરીએ ગલીએ ગલીએ બાળકો એક રૂપિયાની પેપ્સી પીવે છે પરંતુ તેની ગુણવતાની ખાતરી શું ? બે ઘડી માટે ઠંડક મળે તે માટે બાળકો પેપ્સી પીવે છે જે બાદ શરદી – ઉધરસ થતા વાલીઓને દવાખાના ધક્કા પણ પડે છે. આ ઉપરાંત સાંજ પડે ને સોડા સેન્ટરો પર લોકોની ગીરદી જોવા મળે છે ઉપરાંત બરફ ગોલાની વધારે માંગ રહેતી હોય છે. આજકાલ મોટા ભાગના લોકોના ઘરે ફ્રીઝ છે પરંતુ મોટા આયોજનોમાં મોટા પાયે બરફની માંગ રહેતી હોય છે ત્યારે બરફના કારખાનાઓમાં બરફની પાટ તૈયાર કરાય છે પરંતુ તેમાં વપરાતું પાણી તેમજ આસપાસ રખાતી સ્વસ્છતાની તકેદારી કદી પણ તંત્રએ ચકાસી નથી. તેમજ બરફ ગોલામાં વપરાતા કલરમાં એસેન્સ પણ મીલાવાય છે. ઉપરથી નીચે સુધી તમામ સ્થળે ધંધાર્થીઓ એક આંખ બંધ રાખી મીલાવટ કરે છે, પરંતુ જેની જવાબદારી છે તેવા તંત્રને આ બધી વસ્તુઓ દેેખાતી નથી, પરંતુ રોડ પર જયારે માસ્ક વગર કે લાયસન્સ વિના વ્યક્તિ વાહન હંકારતો મળી આવે તે દેખાય છે. આગામી દિવસોમાં આ બાબતે બજારોમાં અખાદ્ય વસ્તુઓનું વેચાણ ઉપર તંત્ર ધ્યાન કેન્દ્રીત કરી જિલ્લાવાસીઓને અખાદ્ય પદાર્થ આરોગવાથી થતી બીમારીથી બચાવે અને આવી અખાદ્ય વસ્તુઓનો નાશ કરે તેવી જિલ્લાવાસીઓની માંગણી છે.