કચ્છમાં ઉઘડતા સપ્તાહથી જ બફારો અસહ્ય બન્યો

ગત અઠવાડિયે કમોસમી ઝાપટા બાદ આકરા તાપથી કચ્છીઓ પરસેવે રેબઝેબ

 

ભુજ : ગત સપ્તાહે કચ્છના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ સહિત કરા વરસતા વાતાવરણમાં આંસિક ઠંડક અનુભવાઈ હતી. પરંતુ ઉઘડતા સપ્તાહથી તાપમાન પુનઃ ઉચકાતા કચ્છીઓ અસહ્ય ઉકડાટ અનુભવી રહ્યા છે અને સમગ્ર સપ્તાહ દરમ્યાન તાપમાન ઉંચકાયેલું રહેશે તેવું હવામાન ખાતાના સુત્રોએ ઉમેર્યું હતું.
જિલ્લામાં સતત બદલાતા રહેતા હવામાનની અસરમાં આજે ઉઘડતા સપ્તાહથી જ તીવ્ર તાપ અનુભવાયો હતો. છટ્ટા છવાયા વાદળોની સાથે હવાની ઝડપ પણ નહીવત રહેતા લોકોએ અસહ્ય બફારો અનુભવ્યો હતો. ગત સપ્તાહે કમોસમી વરસાદ અને કરા વરસ્યા બાદ વાતાવરણ સાફ થતા સૂર્યકિરણો સીધા અસર કરતા તીવ્ર તાપનો અહેસાસ થયો હતો. હવામાનમાં ભેજનું પ્રમાણ પણ નહીવત હોવા કચ્છીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ બાદ આજથી લઘુત્તમ તાપમાનમાં પણ ઉછાળો આવ્યો હતો. તો ગઈકાલે મહત્તમ તાપમાન પણ ૩૮થી ૪ર ડિગ્રીની આસપાસ જોવા મળ્યું હતું. આજે પણ કચ્છના વિવિધ મથકો ઉષ્ણતામાનના ઉંચકાયેલા પારાથી તપી ઉઠ્યા હતા. ચૈત્ર માસના અંતિમ દિવસે બરાબરનો તાપ અનુભવાયો હતો. તો આવતીકાલથી વૈશાખી વાયરાઓ લાગતા લોકોને લૂનો સામનો કરવો પડશે તેવું હવામાન ખાતાના સુત્રોએ ઉમેર્યું હતું. આગામી સપ્તાહમાં કચ્છમાં મહત્તમ તાપમાન ૪૦થી ૪ર ડિગ્રી સુધીનું રહી શકે છે તેવું પણ હવામાન ખાતાએ ઉમેર્યું હતું.