કચ્છમાં આધુનિક પેટ્રોલિયમ રિફાઈનરી સ્થાપવાના ઉજળા સંકેતો

image description

રાજ્યમંત્રી વાસણભાઇએ ઉચ્ચસ્તરે કરી રજૂઆત

ગાંધીનગર : કચ્છ જિલ્લામાં ઓએનજીસી દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર તેલ અને કુદરતી ગેસના વિપુલ ભંડાર કચ્છ જિલ્લાના ખાડી વિસ્તારમાં હોવાનું માલુમ પડ્યું છે આથી કચ્છ જિલ્લામાં આધુનિક પેટ્રોલિયમ રિફાઇનરી સ્થાપવા માટે કચ્છી માંડુ અને રાજ્યના પ્રવાસન રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ને રજૂઆત કરી છે.રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ઓએનજીસી દ્વારા કચ્છ જિલ્લામાં તેલ અને ગેસના ભંડાર ઉપલબ્ધ છે કે નહીં તે અંગે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં એવું જાણવા મળ્યું હતું કે કચ્છ જિલ્લાના કાંઠા અને ખાડી વિસ્તારમાં ભૂગર્ભમાં વિપુલ માત્રામાં તેલ અને ગેસ નો ભંડાર હોવાનું માલુમ પડ્યું હતું. કચ્છ જિલ્લાના કાંઠા અને ખાડી વિસ્તારમાં ઓએનજીસી દ્વારા ઝડપથી તેલ અને ગેસના ભંડાર શોધવા માટેની કામગીરી ને ઝડપથી હાથ ધરવા માટે ની એક યોજના ઘડી રહ્યું છે. કચ્છ જિલ્લાના કાંઠા અને ખાડી વિસ્તારમાં ઓએનજીસી દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં વિપુલ માત્રામાં તેલ અને ગેસના ભંડાર હોવાનું જાણવા મળતા આ બાબત કચ્છ જીલ્લા માટે ખુશીની વાત છે.તેમણે પત્રમાં જણાવ્યું છે કે કચ્છ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં વિકાસ સાધીને એક વિકસિત જિલ્લા તરીકે ઉભરી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં આધુનિક પેટ્રોલિયમ રિફાઇનરીની સ્થાપના કરવામાં આવે તો વૈશ્વિક સ્તર પર કચ્છ જિલ્લા નો વિકાસ થશે અને જિલ્લામાં રોજગારીની વિપુલ તકો ઉભી થશે. આથી કચ્છ જિલ્લામાં આધુનિક પેટ્રોલિયમ રિફાઇનરી સ્થાપવા માટે સબંધિત મંત્રાલય અને અધિકારીઓને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપવા માટે વડાપ્રધાનને તેમણે રજૂઆત કરી છે.તેમણે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે કચ્છ જિલ્લાના ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે પણ આ બાબતે આપને પત્ર લખ્યો છે.