કચ્છમાં આત્મહત્યાના બનાવોથી ૬ માનવ જિંદગીને યમરાજ ભરખી ગયો

ભુજોડી, મેઘપર કુંભારડી અને રાપર, બિદડા, કનકપર અને ચોપડવામાં બન્યા બનાવો

ભુજ : કચ્છમાં આપઘાત અકસ્માતના બનાવોમાં દિન- પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ બનાવો પોલીસ ચોપડે દર્જ થયા છે. નાની બાબતોમાં આવેશમાં આવી જઈ તેમજ માનવ જીંદગીથી કંટાળી લોકો હવે આત્મઘાતી પગલાં ભરવા તરફ આગળ વધી રહ્યા છે. જેના કિસ્સાઓ દરરોજ સામે આવે છે. કંપનીઓમાં કામદાર સલામતી કાયદો માત્ર ચોપડે જ હોવાથી આવી ઘટનાઓ દરરોજ ઉજાગર થાય છે. પૂર્વથી લઈ પશ્ચિમ કચ્છમાં આપઘાત અકસ્માતના બનતા બનાવો સમાજ માટે પણ ચિંતા પ્રેરક છે. આવી ઘટનાઓ અટકાવવા સમાજોની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ, તબીબી સંગઠનો તેમજ પોલીસે આગળ આવવું પડશે. ભુજોડી, મેઘપર કુંભારડી અને રાપરમાં ગળે ફાંસો ખાઈ જીદંગીને અલવિદા કરાઈ છે. જયારે બિદડામાં યુવકે ઝેરી દવા ગટગટાવી હતી. તો કનકપરમાં અકસ્માતમાં બાળકને મોત મળ્યું છે. જયારે ચોપડવાની કંપની પરપ્રાંતિય મજૂરના પ્રાણ પંખેરૂં ઉડ્યા છે. સ્કૂલેથી મોડી આવતા મમ્મીએ ઠપકો આપતા સગીરાનો આપઘાત : અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામે વાલીઓ માટે લાલબતી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ધોરણ -૮માં ભણતી સગીરા સ્કૂલથી ૧ કલાક મોડી આવતા મમ્મી ઠપકો આપતા સગીરાએ ગળેફાંસો ખાઈ જીદંગી ટૂંકાવી હતી. મેઘપર કુંભારડીની ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા શાંતિભાઈ વેલાભાઈ ખેમસૂરિયા (ચારણ) (ગઢવી)એ અંજાર પોલીસ મથકે કરાવેલી જાણવા જોગ ફરિયાદ મુજબ તેમની દીકરી મીના ધોરણ -૮મા અભ્યાસ કરે છે. સોમવારે બપોરે તે સ્કૂલેથી ૧ કલાક મોડી આવતા મમ્મીએ ઠપકો આપ્યો હતો. જેનું મનમાં લાગી આવતા પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું, જે અંગે પીઆઈ હુકમથી પીએસઆઈ વી.એલ. પરમારને તપાસ સોંપાઈ છે. તેમજ અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે.ચોપડવાની કંપનીમાં ૧પ ફુટની ઉંચાઈએથી પડતાં યુવકનું મોત : ભચાઉ તાલુકાના ચોપડવા ગામે આવેલી મેરામણ સોલ્ટ કંપનીમાં દુર્ઘટના ઘટી હતી. જેમાં કંપનીમાં કામ કરતા ઝારખંડના ર૦ વર્ષિય યુવાન અભિષેક નિકોલશ ટોપો કંપનીમાં હતો, ત્યારે ૧પ ફૂટની ઉંચાઈએથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી મોત નિપજયું હતું. જે અંગે ભચાઉ પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે. તપાસ પીએસઆઈ એ.કે. મકવાણાને સોંપાઈ છે. રાપરમાં ૧પ વર્ષિય કિશોરે ગળે ફાંસો ખાધો : શહેરના આથમણા નાકા પાસે જુના પીએચસીની પાછળ રહેતા ૧પ વર્ષિય કિશોરે ગળે ફાંસો ખાઈ લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અકસ્માત મોતના બનાવ પ્રમાણે આનંદ કિશોર ઝાલા (વાલ્મિકી)એ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો હતો, જે અંગે એએસઆઈ ડી.બી. પરમારને તપાસ સોંપાઈ છે. ભુજોડીમાં યુવતીએ દુપટ્ટો બાંધી જીંદગી ટૂંકાવી : ભુજ તાલુકાના ભુજોડી ગામે રહેતી ૧૯ વર્ષિય યુવતી રીતુબેન બાબુલાલ દેવજી સીજુએ પોતાના ઘરે હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં ફરજ પરના તબીબે યુવતીને મૃતજાહેર કરતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે. બિદડામાં ઘર જમાઈએ ઝેરી દવા પીધી : માંડવી તાલુકાના બિદડા ગામે ઘર જમાઈ તરીકે રહેતા યુવકે ઝેરી દવા પી અંતિમ શ્વાસ લીધો હતો. હોસ્પિટલ ચોકીએથી મળતી માહિતી પ્રમાણે બિદડા ગામે મફતનગરમાં ૧૦ દિવસ પૂર્વે ર૭મી માર્ચના મંગલ રમેશ જોગીએ સાસુ – સસરા સાથે ઝઘડો થતાં ઝેરી દવા પીધી હતી. જેથી તે તેના પિતા કે જે પાલારા જેલ પાસે રહે છે. તેના ઘરે આવ્યો હતો. જેથી સારવાર માટે જી.કે.માં લઈ જવાતા ફરજ પરના તબીબે ગઈકાલે રાત્રે મૃતજાહેર કરતાં માંડવી પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ કરાઈ છે. કનકપરમાં રોટાવેટર ફરી વળતાં ૯ વર્ષિય બાળકનું મોત : અબડાસા તાલુકાના કનકપર – નુંધાતડ ગામની સીમમાં રોટાવેટર ફરી વળતાં ૯ વર્ષિય બાળકનું મોત થયું હતું. ગત તા. ૧૩-૯ના આ બનાવ બન્યો હતો. જે અંગે ગઈકાલે ફરિયાદ નોંધાઈ હતી. ગોધરાના મંગળસિંહ શાંતિભાઈ નાયકાએ કનકપરમાં રહેતા ટ્રેકટર નંબર જી.જે. ૧ર બી.જે. ૦૧૭૯ના ચાલક નરશીભાઈ માવજીભાઈ પોકાર સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપીએ પોતાના કબ્જાનું ટ્રેકટર બેદરકારીથી હંકારી વાડીમાં રમતા સંદીપ મંગળસિંહ નાયકા નામના ૯ વર્ષિય બાળક પર રોટાવેટર ચડાવી દેતાં ગંભીર ઈજાઓથી તેનું મોત નિપજયું હતું. જે અંગે નલિયા પીએસઆઈ વનરાજસિંહ ઝાલાને તપાસ સોંપાઈ છે.