કચ્છમાં આજથી ૧૮+ રસીકરણની મેગા ઝુંબેશનો આરંભ

રાજ્યના સ્થાપના દિવસે મહાનગરો બાદ સૌથી વધુ સંક્રમીત સરહદી જિલ્લાને સરકારે આપી અગ્રીમતા : કચ્છ જિલ્લામાં ભુજ, ગાંધીધામ, માંડવી, ભચાઉ અને નખત્રાણામાં ૧૦ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ : ૧૦ હજાર રસીનો ડોઝ આવ્યો : વહેલી સવારથી જ વેક્સિનેશન સેન્ટરો પર જોવા મળ્યો ઉત્સાહ

ભુજ : કોરોનાને કંટ્રોલમાં લેવા માસ્કની સાથે વેક્સિનેશન પણ જરૂરી છે ત્યારે સૌથી વધુ યુવાધન ધરાવતા ભારત દેશમાં આજથી યુવાઓને રસીકરણ આપવાની મેગા ઝુંબેશનો આરંભ થયો છે. આમ તો આજથી સમગ્ર રાજ્યમાં ૧૮ પ્લસ વેક્સિનેશન શરૂ થવાનું હતું, જોકે, રસીનો ડોઝ ઓછો આવતા સરકારે જે વિસ્તારમાં વધુ સંક્રમણ છે તેવા જિલ્લાઓમાં આજથી રસીકરણ શરૂ કરાવ્યું છે. જેમાં સરહદી કચ્છને પણ ટોપ પ્રાયોરિટી આપવામાં આવી છે. આજે વહેલી સવારથી રસી લેવા માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.કોરોના સામેની લડાઈમાં વેક્સિનેશન અગત્યનું અંગ છે ત્યારે અગાઉ કોરોના વોરિયર્સને રસી અપાયા બાદ ૪પથી વધુ ઉમરના વ્યક્તિઓને રસી અપાઈ હતી. જે કામગીરી હજુ પણ ચાલુ છે. ત્યારે કોરોનાને સમાજમાંથી જાકારો આપવા માટે મોટા વર્ગને રસીકરણ હેઠળ આવરી લેવું ખુબ જરૂરી છે. જેથી ગુજરાત સરકારે રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉમરના તમામ વ્યક્તિઓને આજથી નિઃશુલ્ક રસી આપવાની કામગીરીનું આરંભ કર્યું છે. રાજ્યમાં ૭ મહાનગરો બાદ ત્રણ જિલ્લામાં આજથી રસીકરણ શરૂ થયું છે. જેમાં કચ્છના પાંચ તાલુકાનો સમાવેશ કરાયો છે. આજે સવારથી જ ભુજમાં વ્યાયામ શાળા અર્બન હેલ્થ સેન્ટર તેમજ માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યુવાનોને રસી અપાઈ હતી. વ્યાયામ શાળા ખાતે તંત્ર દ્વારા મંડપ પણ ઊભા કરાયા છે. કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનારા લાભાર્થીઓને સોફ્ટવેર મારફતે મેસેજ મોકલવામાં આવે છે. જેમાં તેઓને તારીખ અને સમયની જાણ કરાય છે. જેના ફોનમાં મેસેજ આવ્યો હોય તેઓને રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ગાંધીધામ ખાતે રામબાગ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, આદિપુર-૧ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ યુવાનો સહિત સૌ કોઈએ રસી લીધી હતી. રસી લીધા બાદ કોઈપણ જાતની આડ અસર ન થતી હોવાનું જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છમાં નખત્રાણા ખાતે આજથી આ ઝુંબેશનો આરંભ થયો છે. જેમાં નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને વિથોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉત્સાહિ યુવાનોએ વેક્સિન મુકાવી ગર્વ અનુભવ્યો હતો. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વેક્સિનેશનનો આરંભ કરાવ્યું હતું. નખત્રાણાના યુવાનો સુરક્ષીત અને સ્વદેશી વેક્સિન લઈ દેશને કોરોના મુક્ત બનાવવામાં સહભાગી બને તે માટે આહ્‌વાન કર્યું હતું. આ વેળાએ ચેમ્બર ઓફસ કોમર્શના બાબુભાઈ ધનાણી, નયેનાબેન પટેલ, લાલજી રામાણી, રાજેશ પલણ, ડો. પ્રસાદ, દિનેશ નાથાણી, સહિતના હાજર રહ્યા હતા. બીજી તરફ નખત્રાણા લોહાણા મહાજન વાડી ખાતે પણ જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણનો આરંભ કરાવાયો હતો. બંદરીય શહેર માંડવી ખાતે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ તલવાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાભાર્થીઓએ કોરોના વેક્સિન લઈ આ બિમારીને જાકારો આપવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વાગડમાં ભચાઉ સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ આધોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી આપવામાં આવી હતી. ભચાઉમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજાએ રસી લઈ પ્રક્રિયાનો આરંભ કરાવ્યો હતો. આ વેળાએ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજી છાંગા, વિકાસ રાજગોર, ગંભીરસિંહ જાડેજા, ઉમિયાશંકર જોષી સહિતના હાજર રહ્યા હતા.અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે, આજથી જિલ્લાના પાંચ તાલુકામાં ૧૦ સેશન સાઈટ પર રસીકરણ પ્રક્રિયાનો આરંભ કરાયો છે. સવારે ૯થી સાંજે ૬ વાગ્યાના સમયગાળાના દરમિયાન દર બે કલાક સ્લોટમાં રપ લાભાર્થીને રસી અપાય છે. આ લાભાર્થીને અગાઉ સોફ્ટવેર મારફતે મેસેજ મોકલવામાં આવે છે. સમગ્ર દિવસ દરમિયાન આજે એક સેશન સાઈટ પર ૧૦૦ના ટાર્ગેટ મુજબ ૧ હજાર લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાનું લક્ષ્યાંક છે. આ ઉપરાંત ૪પ વર્ષથી વધુ વયના લોકોને પણ રસી અપાઈ રહી છે. જિલ્લામાં રસીકરણ માટે પ્રથમ તબક્કામાં ૧૦ હજાર રસીનો ડોઝ આવ્યો છે. ૧૮થી ૪પ વર્ષની આયુ ધરાવતા યુવાનો અને યુવતીઓને રસીકરણ કરાવી લેવા અપીલ કરી હતી.