કચ્છમાં આગાહી વચ્ચે એકથી બે ઈંચ વરસાદ વરસ્યો

માંડવીમાં દોઢ ઈંચ, નખત્રાણા-ભુજ-મુન્દ્રામાં એક ઈંચ, અંજાર-ગાંધીધામમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો

ભુજ : જામનગર-સૌરાષ્ટ્રને તરબોડ કરનાર મેઘરાજાની તૈયારી જોતા કચ્છને ન્યાલ કરે તેવી આશા વચ્ચે કચ્છમાં રાત્રિ દરમિયાન મેઘમહેર જામી હતી. જેમાં માંડવીમાં દોઢ ઈંચ, નખત્રાણા-ભુજ-મુન્દ્રામાં એક ઈંચ, જ્યારે અંજાર-ગાંધીધામમાં અડધો ઈંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખૂશીની લહેર ફરી વળી હતી. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં ગુરુવાર સુધી ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવાઈ હતી.જિલ્લા મથક ભુજમાં રાત્રિના વરસાદ શરૂ થયો હતો. જે એક ઈંચ વરસાદ વરસ્યો હતો. સવારથી જ ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બન્નીના મુખ્ય મથક ભીરંડિયારા, ઉડઈ, નાની-મોટી દધર, વાઘુરા, દેઢીયા, ગોડપર સહિતના ગામોમાં સવા પાંચ વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. જેનાથી માલધારી વર્ગમાં ખૂશી ફેલાઈ હતી.તો વાગડમાં રાત્રિ દરમિયાન વરસાદ શરૂ થયો હતો. મળતા આંકડા મુજબ સવારના ૬ વાગ્યા દરમિયાન ૪૪ એમએમ વરસાદ નોંધાયો હતો. અબોલ પશુઓ માટે ઘાસચારો થતા માલધારી રાહત અનુભવશે. અંજાર અને ગાંધીધામમાં ૧પ એમએમ અડધો ઈંચ વરસાદ રાત્રિ દરમિયાન વરસ્યો હતો. અબડાસા તાલુકાના ખીરસરા વિંઝાણ વિસ્તારમાં મોડી રાત્રે એક કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદ આવતા નદીમાં પાણી આવ્યા હતા. મિયાણી હાજાપર વચ્ચેની પાપડી ધોવાઈ જતા ખિસરા અને મિયાણા ગામ જિલ્લા મથકથી વિખુટા થયા હતા તેવું અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચાના રજાકભાઈ હીંગોરાએ જણાવ્યું હતું.મુન્દ્રામાં રાત્રિના બે વાગ્યાથી ઝરમર ઝાપટું વરસ્યું હતું. તાલુકાના ભુજપુર, ધ્રબ, રતાડિયા, વાંઢ સહિતના ગામોના ખેતરોમાં પાણી ભરાયા હતા. ઝરમર ઝાપટાં વચ્ચે એક ઈંચ વરસાદ નોંધાયો હતો. તો માંડવીમાં પણ દોઢ ઈંચ પાણી વરસ્યું હતું અને માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. શ્રાવણી અંતથી મેઘરાજાએ કચ્છમાં જળાભીષેક શરૂ કરતા કચ્છની ધરતી પર લીલો શણગાર છવાઈ ગયો છે.

નખત્રાણામાં ભાદરવાના ભુસાકા નહી ભર‘પુર’ મેઘમહેર

નખત્રાણા : ભાદરવામાં પડતા વરસાદને જાણકારો ભાદરવાના ભુસાકા માનતા હોય છે, પરંતુ હરિયાળા તાલુકાના લોકો પાછોતરા વરસાદને ભર‘પુર’ મેઘમહેર થાય તેવી ઝંખના સેવી રહ્યા છે. ગઈકાલે રાત્રે તાલુકામાં અડધાથી એક ઈંચ ઝાપટારૂપી વરસાદની મહેર તાલુકાભરમાં થઈ હતી. છેલ્લા રથી ૩ દિવસ ઝાપટારૂપી પડી રહેલ આ વરસાદ પાક માટે ઘાસચારા માટે કાચો કંચન સાબિત થશે. ધીમો વરસાદ જમીનમાં ઉમર્યો છે પણ તળાવો-ડેમમાં નવા નીર નથી આવ્યા. આ વરસાદ ઢોર-ઢોળર માટે મોટો ફાયદો થશે. રાત-દિવસ ધીમો ઝાપટારૂપી વરસતો વરસાદ એરંડાના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. પશુ-પક્ષી, વન્યજીવ સૃષ્ટી માટે સીમાડો સૌદર્ય સાથે આશિર્વાદ આપશે.
બીજી તરફ છુટક-છુટક વરસાદ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં કયાં મોટા ડેમ છલકાયાના સમાચાર નથી. ખેતી માટે કામ આવે એવા મધ્યમ કક્ષાના ડેમ ભરાવા માટે ભાદરવાના ભુસાકા પર મદાર રહેલો છે. ખેડૂતો-માલધારી-વેપારી વર્ગ આશાવાદી છે અને જરૂરથી મેઘરાજા મન મૂકીને વરસે. બીજી તરફ ઝાપટારૂપી વરસાદથી તાલુકાના મોટા ગામો-નગરમાં વીજ ધાંધીયા યથાવત રહ્યા છે. વરસાદથી ઝાપટુ પડતા ઠેર-ઠેર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાયું છે. કાળઝાળ ગરમી અને ગોરંભયેલું આકાશ જોઈ ધોધમાર વરસાદ થવાની આશા સેવાઈ રહી છે. નખત્રાણા નગરમાં આસપાસના રસ્તાઓમાં ઠેર-ઠેર ખાડા પડતા પાણી ભરાતા રાહદારીઓ તથા વાહન ચાલકો માટે મુસીબત ઉભી કરી છે. જ્યોતિષ અને હવામાન ખાતાએ બારે મેઘ ખાંગા થાય તેવી આગાહી કરી છે. પાછોતરો વરસાદ ‘‘નેસે’’ પાણી લાવે તેવી શકયતા દર્શાવી છે તે કેટલી સત્ય સાબિત થાય છે તે જોવું રહ્યું.