કચ્છમાં અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત : લોકો પરસેવે રેબઝેબ

આજે જિલ્લામાં વહેલી પરોઢે ભુજ, અબડાસા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં છાંટા વરસ્યા બાદ મુન્દ્રામાં ઝાપટું પડયું : સચરાચર વરસાદની હજુય આશ

ભુજ : કચ્છમાં આજે પણ અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત રહેતા લોકો પરસેવે રેબઝેબ બની ગયા હતા. કારણ કે, ધુપછાંવની સ્થિતિ વચ્ચે વરસાદ સંતાકુકડી રમી રહ્યો છે. આજે વહેલી પરોઢે ભુજ, અબડાસા, નખત્રાણા તાલુકાના વિસ્તારોમાં છાંટા વરસ્યા હતા. બાદમાં અગીયાર વાગ્યાના સુમારે મુન્દ્રામાં ઝાપટું પડયું હતું. આ સિવાય સમગ્ર જિલ્લામાં મેઘાવી માહોલ યથાવત રહ્યો હતો. જેથી હજુ પણ સચરાચરા વરસાદની આશ જાેવામાં આવી રહી છે.

શનિવારની જાે વાત કરીએ તો માંડવી વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો લખપત અને અબડાસાના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. સવારથી બફારા વચ્ચે મેઘો મન મુકીને વરસશે તેવી આશા હતી, પરંતુ અમુક વિસ્તારમાં ઝાપટા પડયા હતા. આ તરફ રાપરમાં પણ સાંજના સમયે વરસાદ વરસ્યો હતો. ચિત્રોડ અને આસપાસના વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ પડયો હોવાનું વિનોદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. સામાન્ય ઝાપટાથી ઉકળાટભર્યા માહોલમાં રાહત મળે છે. બાદમાં ફરી એજ સ્થિતિ ઉભી થઈ જાય છે. વરસાદ હવે વાગડથી લખપત સુધી હાથ તાડી આપતો હોવાથી લોકો આકાશમાં નજર દોડાવી રહ્યા છે.

 

લખપતના કોરીયાણીમાં બીએસએનએલનો ટાવર પડું પડું

 

દયાપર : લખપત તાલુકાના કોરીયાણી ગામે જૂની ગ્રામ પંચાયતની બાજુમાં વર્ષો પહેલા ઉભો કરવામાં આવેલો બીએસએનએલનો ટાવર હાલમાં ગમે ત્યારે ધબાય નમઃ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. કારણ કે, ટાવર એક તરફ સાવ નમી ગયો છે. વરસાદની સીઝનમાં પવનની ગતિ વધે તો આ ટાવરના પડવાથી જાનહાની પણ થઈ શકે છે. ત્યારે આ ટાવર ધરાશાયી થાય તે પૂર્વે જાેખમી ટાવરને ખસેડવા માંગણી કરાઈ છે.